Gujarat

સૌરાષ્ટ્રમાં કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો, ભેંસાણ-જૂનાગઢમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્ર: રાજ્યમાં ફરી એકવાર વરસાદી (Rain) માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારમાં મધ્યથી ભારે વરસાદ (Heavy Rain) પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, બગસરા, જૂનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવમાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગિર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાંથી સૌથી વધુ બોટાદના ગઢડામાં 3 ઈંચ, બરવાળામાં 2 ઈંચ અને રાણપુરમાં 1 ઈંચ વરસાદ પડ્યો નોંધાયો છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગથના ભેંસાણ અને ગ્રામ્ય વિસ્તારમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જૂનાગઢ શહેરમાં 1 ઈંચ, મેંદરડામાં 1 અને માંગરોળમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો. આ સાથે જ ગીર-સોમનાથ જિલ્લાની વાત કરીએ તો તાલાલામાં 2 ઇંચ અને સુત્રાપાડામાં 1 ઇંચ તેમજ અમરેલીના સાવરકુંડલામાં 2 ઈંચ, બાબરામાં દોઢ ઈંચ, ખાંભામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ભાવગરના ગારીયાધરા અને પાલીતાણાં 1-1ઈંચ વરસાદ પડ્યો હતો. સિંહોર, વલ્લભીપુરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરના લખતરમાં 1 તથા રાજકોટ જિલ્લાના જેતપુરમાં દોઢ ઇંચ વરસાદ પડવા પામ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે બે દિવસના વિરામ બાદ ફરી મેઘમેહર થઈ છે. ગતરોજથી વરસી રહેલા વરસાદે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી આજ સવારથી કડાભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી ધોધમાર વરસતા વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં પાણી ભરાયા ગયા હતા. ધોધમાર વરસાદના કારણે ધ્રાંગધ્રાનાં મુખ્ય બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં. ધ્રાંગધ્રા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાથી સ્થાનિકો તેમજ નોકરિયાતને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે. તેમજ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

Most Popular

To Top