વેઇટલિફ્ટર અચિંતા શેઉલીએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ વેઇટલિફ્ટીંગમાં મીરાબાઈ ચાનુ અને જેરેમી લાલરિનુંગા પછી 73 કિગ્રા વજન વર્ગમાં દેશનો ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો. અચિંતાએ સ્નેચ રાઉન્ડમાં 143 કિલો વજન ઉપાડ્યું હતું, જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેણે 170 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ નિશ્ચિત કર્યો હતો. અચિંતા શેઉલીએ 73 કિગ્રાની કેટેગરીમાં કુલ 313 કિગ્રા વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. પહેલીવાર જ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા 20 વર્ષીય અચિંતાએ પહેલા ધડાકે જ ગોલ્ડન સફળતા મેળવી હતી.
ભારતીય વેઇટલિફ્ટર્સ ટીમના મેડલના ટોચના દાવેદારોમાંનો તે એક હતો. જોકે, અહીં સુધી પહોંચવા માટે શેઉલીનો રસ્તો એટલો સરળ નથી રહ્યો. અચિંતા શેઉલીએ કોમનવેલ્થ ગેમ્સ માટે સાઈ સેન્ટર પટિયાલા ખાતે સખત તાલીમ લીધી અને સતત પોતાની જાતમાં સુધારો કર્યો. પોતાની જીવનભરની મુશ્કેલીઓ અને આંતરિક પ્રેરણા વગેરે બર્મિંગહામમાં તેના પ્રદર્શનમાં પ્રતિબિંબિત થાય છે. હાવડાના ધુલાગઢના રહેવાસી અચિંતા 10 વર્ષની ઉંમરે, તેના ભાઈ આલોક સાથે તાલીમ માટે જીમમાં જતો હતો અને અઠવાડિયામાં એક પણ દિવસ આરામ કર્યા વિના સખત મહેનત કરતો હતો.
અચિંતા માટે વેઇટલિફ્ટીંગમાં પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવવી સરળ ન હતી
અચિંતાનો જન્મ 24 નવેમ્બર 2001ના રોજ પશ્ચિમ બંગાળના હાવડામાં થયો હતો. તેના પિતા જગત પરિવારનું ભરણપોષણ કરવા માટે રિક્ષા ચલાવતા હતા. તે રિક્ષા ચલાવવા ઉપરાંત મજૂરીનું કામ પણ કરતા હતા. અચિંતાએ 2011માં પહેલીવાર વેઈટલિફ્ટિંગ વિશે શીખ્યું હતું. ત્યારે તે માત્ર 10 વર્ષનો હતો. અચિંતાના મોટા ભાઈ સ્થાનિક જીમમાં તાલીમ લેતા હતા. તેણે તેના ભાઈને વેઈટ લિફ્ટિંગ વિશે જણાવ્યું. અચિંતા માટે વ્યાવસાયિક તાલીમ મેળવવી સરળ ન હતી. 2013માં તેના પિતાનું અવસાન થતાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. પિતાના અવસાન પછી, ભાઈ આલોક પરિવારમાં એકમાત્ર કમાનાર હતો. અચિંતાની માતા પૂર્ણિમાએ પણ પરિવારનું ભરણપોષણ કરવા માટે નાની-નાની નોકરી કરી હતી. આ તે સમય હતો જ્યારે તેણે 2012 માં જિલ્લા મીટમાં સિલ્વર મેડલ જીતીને સ્થાનિક ઇવેન્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું.
પિતાના મૃત્યુ બાદ ભાઈએ વેઈટલિફ્ટિંગ છોડી દેવી પડી હતી
અચિંતા શરૂઆતમાં ખૂબ જ સરળ કસરતો કરતો હતો, પરંતુ પછીથી તેણે લિફ્ટિંગ કરવાનું શરૂ કર્યું. અચિંતાનો જુસ્સો અને શિસ્ત ઘરના સંજોગોથી પ્રભાવિત હતી. તેના પિતા પરિવારનું ભરણપોષણ કરવા મજૂરી કામ કરતા હતા. 2013માં પિતાના અવસાન બાદ તેના ભાઈ આલોકે વેઈટલિફ્ટિંગ છોડી દીધું હતું. તેની માતા ઘરની જવાબદારી સંભાળીને સિલાઈ અને અન્ય કામ કરતી હતી. અચિંતા તેના જુસ્સાને વળગી રહ્યો અને શાંતિથી તેના વેઇટલિફ્ટીંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અચિંતા તેની રમત પ્રત્યે ખૂબ જ દૃઢનિશ્ચયી છે, તેણે કહ્યું હતું કે આજકાલ દરેકનું ધ્યાન ફોન પર હોય છે. તમારે જીવનમાં એક લક્ષ્ય હોવું જરૂરી છે. ઘણા છોકરાઓ છોકરીઓને પ્રભાવિત કરવા માટે જિમમાં જાય છે. હું આગળ વધવા માંગતો હતો કારણ કે મારા કુટુંબની પરિસ્થિતિ બહુ સારી નહોતી. હું જાણતો હતો કે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડશે અને તેથી મેં સ્ટેપ બાય સ્ટેપ સુધરવાનો પ્રયાસ કર્યો.