સુરત (Surat) : ઘણા દિવસો બાદ અચાનક જ તાલુકામાં વીજળીના (Rain lightning) કડાકા સાથે વરસાદ (Rain) શરૂ થતાં કોળી ભરથાણા ગામે ખેતરમાં મજૂરી કામે ગયેલા ત્રણ યુવાન ઘરે આવતાં સાથે ગયેલી એક મહિલા સહિત બાળક વરસાદ આવતાં ઝાડ નીચે ઊભા રહેતા વીજળી પડતાં પાંચ લોકોને શોક (Current) લાગ્યો હતો. આથી બેભાન થઈ જતાં તેમને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યાં હતાં.
- કામરેજના કોળી ભરથાણા ગામે બનેલી ઘટનામાં એક મહિલા તેમજ બાળક સહિત પાંચને વીજળીનો શોક લાગ્યો હતો
- બેભાન થઈ ગયેલા તમામને સારવાર માટે ખાનગી હોસ્પિ.માં ખસેડવામાં આવ્યા
- પાંચેયનો શોકને કારણે કમરની નીચેનો ભાગ હાલમાં કામ કરતો નથી
કામરેજના કોળી ભરથાણા ગામમાં નવી કોલોનીમાં રહેતા મનોજ અરવિંદ રાઠોડ (ઉં.વ.24), રોહિત છના રાઠોડ (ઉં.વ.18), રાહુલ ઈશ્વર વાઘેલા (ઉં.વ.21) (મૂળ રહે.,વાંકાનેરા, તા.પલસાણા) ગુરુવારે ખેતરમાં કામ કરવા માટે ગયાં હતાં. સાથે રિંકલ શંકર રાઠોડ (ઉં.વ.20) અને રવિ શંકર રાઠોડ (ઉં.વ.10) ખાલી ફરવા માટે ગયાં હતાં. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ ધીમે ધીમે શરૂ થઈ જતાં તમામ લોકો ઘરે આવવા માટે નીકળી ગયા હતા. વરસાદ વધતાં મોબાઈલને પાણી ન લાગી જાય એ માટે ગામના જ ખેડૂત રમેશ પટેલ ખેતરની બાજુમાં રોડ પર આવેલા લીમડાના ઝાડ નીચે ઊભા હતા. ત્યારે આશરે 1.45 કલાકે ભારે વીજળીનો કડાકો બાજુમાં જ થતાં તમામને એકદમ આંચકા સાથે તમામને શોક જ લાગી જતાં તમામ ઝાડ પાસે જ બેભાન થઈને પડી ગયાં હતાં.
થોડીવારમાં રોહિત ધીમે ધીમે ચાલીને ફળિયામાં આવીને ગ્રામ પંચાયતના સભ્ય કાળુ રાઠોડ તેમજ ડે.સરપંચ જિગ્નેશ પટેલ, સરપંચ દિનેશ પટેલને જાણ કરતાં 108માં સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. હોસ્પિટલના તબીબે તાત્કાલિક પાંચેયને આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કર્યાં હતાં. આ પાંચેયનો હાલમાં કમરથી નીચેનો ભાગ કામ કરતો નથી. જેને લઈ હાલમાં તેઓ ચાલી શકતા નથી. હોસ્પિટલના તબીબે આ અંગે જણાવ્યું હતું કે, એકદમ શોક લાગતાં આવું બની શકે છે. જેની અસર 24 કલાક સુધી થાય છે. જેના લઈને તમામને હાલમાં 24 કલાકના તબીબી પરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં છે.