Business

ઋષિકેશ બદ્રીનાથ હાઈવે પર ખડકનો મોટો ભાગ તૂટીને પડતા તીર્થ યાત્રીઓ અટવાયા

ઉત્તરાખંડ: (Uttarakhand) ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં વરસાદ (Rain) બાદ ભૂસ્ખલનની (Landslide) પ્રક્રિયા ચાલુ છે. ગુરુવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર કર્ણપ્રયાગ નજીક પંચપુલિયામાં પહાડી પરથી ખડકનો મોટો ભાગ તૂટીને પડ્યો હતો. સદનસીબે તે સમયે ત્યાં કોઈ મુસાફર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાઇવે પર પડેલા મોટા-મોટા પથ્થરોને મશીનો વડે તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી. પોલીસ કર્મચારીઓએ ત્યાં ફસાયેલા મુસાફરોને આવશ્યક વસ્તુઓ પૂરી પાડી હતી. દરમ્યાન રસ્તો ક્લીયર થવામાં સમય લાગી શકે તેમ હોય લાંબા સમય સુધી હાઇવે ન ખોલવાના કિસ્સામાં ફસાયેલા મુસાફરોને ભોજન પૂરું પાડવામાં આવશે.

પંચપુલિયામાં પહાડી પરથી હાઈવે પર પથ્થરો પડી જવાને કારણે રોડની બંને બાજુ લાંબો જામ થઈ ગયો હતો. આ દરમિયાન 300 જેટલા વાહનો જામમાં ફસાઈ ગયા હતા. હાઇવે બંધ થવાને કારણે સ્થાનિક લોકો સહિત બદ્રીનાથ અને હેમકુંડ જતા લગભગ 500 શ્રદ્ધાળુઓ (Devotees) જામમાં અટવાયા હતા. મશીનોની મદદથી હાઇવે પરથી પથ્થર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કર્ણપ્રયાગના એસડીએમ સંતોષ કુમાર પાંડેએ જણાવ્યું કે જો હવામાન ચોખ્ખું રહેશે તો મોડી રાત સુધી હાઈવે ખુલ્લો થાય તેવી શક્યતા છે.

બદ્રીનાથ હાઈવે પર કર્ણપ્રયાગથી ગૌચર તરફના લગભગ 900 મીટરના વિસ્તારમાં પંચપુલિયા રોક કેન્કર રચાયો છે. છેલ્લા બે મહિનામાં આ વિસ્તારમાં 15થી વધુ લેન્ડ સ્લાઈડને કારણે હાઈવે બંધ થવાની ઘટનાઓ થઈ રહી છે. ગુરુવારે 3 વાગ્યાના સુમારે જલેશ્વર મહાદેવ મંદિરની સામે ડુંગર પરથી ખડકનો મોટો ભાગ તૂટીને હાઇવે પર પડ્યો હતો. સાક્ષીઓએ જણાવ્યું કે આ સમય દરમિયાન ત્યાંથી એક ટ્રક પસાર થઈ રહી હતી. ટ્રકની સામે પથ્થરનો નાનો ટુકડો પડતાની સાથે જ વાહન પલટી ગયું હતું. દરમિયાન આંખના પલકારામાં ડુંગરમાં તિરાડ પડી ગઈ હતી. ઘટનાને કારણે ગૌચર, રુદ્રપ્રયાગ, શ્રીનગર અને ઋષિકેશ ઉપરાંત ગોપેશ્વર અને જોશીમઠ તરફ જતા વાહનો હાઈવે પર ફસાયા હતા.

દરમ્યાન મળતી માહિતી મુજબ આ ઘટના ઘટી ત્યારે ગૌચર બાજુથી એક ગર્ભવતી મહિલાને કર્ણપ્રયાગ હોસ્પિટલમાં લાવવામાં આવી રહી હતી. આ દરમિયાન હાઈવે બંધ થઈ ગયો હતો. જોકે પોલીસ અને હાઇવે પર ફસાયેલા લોકોની મદદથી મહિલાને બીજી બાજુ લાવવામાં આવી હતી અને પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

Most Popular

To Top