આજે દુનિયાભરમાં સુરત ટેકસટાઇલ સિટી તરીકે પ્રખ્યાત છે. પણ એક સમય એવો હતો જ્યારે સુરતમાં કાપડ મુંબઈથી આવતું. આજથી 90 વર્ષ પહેલાંનો એ સમય જ્યારે ભાગળથી આગળ ટાવર રોડ પર કાપડની ત્રણ દુકાનો હતી અને ચોકમાં એક દુકાન હતી. એ સમયગાળામાં ટાવર રોડ પર કાપડની ચૌથી દુકાનની સ્થાપના બળવંતભાઈ કાપiડીયાએ કરી. અન્ય દુકાનોનું અસ્તિત્વ સમયની સાથે ભૂંસાઇ ગયું. જ્યારે બળવંતભાઈએ શરૂ કરેલી કાપડની દુકાન આજે 90 વર્ષે પણ વિશ્વસનીયતાની કસોટી પર ખરી ઉતરીને અડીખમ ઉભી છે. આ પેઢી એટલે ‘નાનાભાઈ લાલભાઈ કાપડવાલા’. આ પેઢી ભગવાનના વાઘા માટેના કાપડ માટે સુરતીઓની પહેલી પસંદ બની છે. આ પેઢી અસ્તિત્વમાં આવી ત્યાર પહેલાંથી સુરતમાં કાપડનું ઉત્પાદન નહીં થતું હતું. નાનાભાઈ લાલભાઈ કાપડવાલા પેઢી દ્વારા પણ ટ્રેનમાં મુંબઈથી કાપડ લાવી સુરતીઓની કાપડની જરૂરિયાત પૂરી કરાતી. આજે 90 વર્ષે પણ આ પેઢી ભગવાનના વાઘા માટેના કાપડ અને અન્ય કાપડ માટે સુરતીઓમાં શા માટે વિશ્વસનીય છે તે આ દુકાનની ચોથી અને પાંચમી પેઢીના સંચાલકો પાસેથી જાણીએ
વંશવેલો
બળવંતલાલ નાનાભાઈ કાપડિયા, સાકેરલાલ નાનાભાઈ કાપડિયા, હસમુખલાલ બળવંતલાલ કાપડિયા, ચંદ્રકાંત બળવંતલાલ કાપડિયા, રમેશચંદ્ર બળવંતલાલ કાપડિયા, કાંતિલાલ બળવંતલાલ કાપડિયા, તનસુખલાલ બળવંતલાલ કાપડિયા, વસંતલાલ બળવંતલાલ કાપડિયા, દિનેશચંદ્ર બળવંતલાલ કાપડિયા, રણજીતલાલ બળવંતલાલ કાપડિયા, બીપીનચંદ્ર બળવંતલાલ કાપડિયા, ભરતકુમાર સાકેરલાલ કાપડિયા, ભરતકુમાર રમેશચંદ્ર કાપડિયા, મુકેશ ચંદ્રકાંત કાપડિયા, સંજય ચંદ્રકાંત કાપડિયા
.
1932 માં આ પેઢીનો પાયો નંખાયો…
નાનાભાઈના પુત્ર બળવંતભાઈએ આ પેઢીનો પાયો 1932માં નાંખ્યો હતો. તેમણે 15 વર્ષની ઉંમરે આ દુકાન તેમના પિતા નાનાભાઈ અને દાદા લાલભાઈના નામે શરૂ કરી હતી. બળવંતભાઈના પિતા નાનાભાઈનો પહેલાં તમાકુનો ધંધો હતો. જેથી પહેલાં તેમની સરનેમ તમાકુવાલા હતી જે સમય જતાં બદલાઈને કાપડિયા થઈ. તમાકુના ધંધામા મેળ નહીં બેસતા અને બળવંતભાઇને કોઈએ કાપડનો ધંધો સારો હોવાની સલાહ આપી હતી. જેથી તેમણે ભાઈ સાકેરલાલ સાથે કાપડનો ધંધો ભાગીદારીમાં શરૂ કર્યો હતો. બળવંતભાઈના પિતા નાનાભાઈ પણ કેટલાંક વર્ષ સુધી આ પેઢીમાં બેસતા. બળવંતભાઈએ આ પેઢીનું સંચાલન 2002ના વર્ષ સુધી કર્યું હતું. 2004માં તેમનું અવસાન થયું હતું. તેમના 9 દીકરા હસમુખભાઈ, ચંદ્રકાંતભાઈ, રમેશભાઈ, કાંતિભાઈ, તનસુખભાઈ, દિનેશભાઇ, વસંતભાઈ, રણજીતભાઈ અને બીપીનભાઈએ પણ આ પેઢીનું સંચાલન કર્યું હતું. 1952 સુધી બાજુની દુકાનમાં તેમનો ધંધો ચાલ્યો હતો 1952થી હાલની દુકાનમાં ધંધો ખસેડાયો હતો.
કોઈને કાપડ વિશેની સમજ નહીં હોય તે અહીં આવે છે…
ઘણાં ખરા એવા લોકો છે જેમને કાપડ-કાપડમાં શું ફર્ક છે તેની સમજ નથી હોતી આવા લોકો કાપડ કયા મટિરિયલનું છે તે જાણવા આ પેઢી પર પહોંચી જાય છે. કાપડની માહિતી અહીંથી મેળવીને પછી કાપડની ખરીદી કરવાનો નિર્ણય લે છે.
ભગવાનના વાઘા માટેના કાપડ મોટાભાગના મંદિરમાં જાય છે: ભરતભાઈ કાપડિયા…
બળવંતભાઈના પૌત્ર ભરતભાઈ કાપડીયાએ જણાવ્યું કે સુરતના ઘણાં મંદિરોમાં અહીંથી કાપડ જાય છે. બાલાજી રોડ સ્થિત રામજી મંદિર, બાલાજી મંદિર, શ્રીનાથજી મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, લંબે હનુમાન રોડ સ્થિત લંબે હનુમાન મંદિર, જુના અને નવા સાંઈબાબા મંદિર, સગરામપુરા સ્થિત ક્ષેત્રપાલ મંદિર, બડા ગણેશ મંદિર,ભરૂચ, અંકલેશ્વર, નવસારી, બારડોલીના મંદિરોમાં આ પેઢીનું કાપડ જાય છે. અજમેર શરીફની દરગાહ માટેનું કાપડ હોય કે, શિરડી સાંઇ બાબાના મંદિર માટે હોય કે પછી માતાજી માટે હોય, કાપડ આ પેઢીમાંથી જ જાય છે. 1992માં ગણેશ ઉત્સવનો ક્રેઝ વધતાં તે માટે પણ આ પેઢીમાંથી કાપડ લેવામાં આવે છે.
પહેલાં બે આના ચાર આના વાર કપડું વેચાતું: મુકેશભાઈ કાપડિયા…
આ દુકાનના ચૌથી પેઢીના સંચાલક અને બળવંતભાઈના પૌત્ર મુકેશભાઈ કાપડીયાએ જણાવ્યું કે પહેલાંના સમયમાં કાપડ વારના માપમાં વેચાતું અને એક વાર એટલે 90 સેન્ટિમીટર. બે આના, ચાર આનામાં એક વાર કપડું વેચાતું. સૌથી ઉત્તમ ગુણવત્તાનું કાપડ 2 રૂપિયા વાર વેચાતું. જ્યારે આજે એક મીટર (100 સે.મી.) કાપડ 30 રૂપિયાથી માંડીને 700-800 રૂપિયાની કિંમતે વેચાય છે. જ્યારે પેઢીની શરૂઆત થઈ હતી ત્યારે કાપડ મુંબઈથી આવતું અને સ્ટેશનથી દુકાન સુધી ભાડાની ઘોડાગાડીમાં કાપડનો જથ્થો લાવતા.
ટાવર અને મૂંગા – બેહરા સુરેન્દ્રભાઈ આ દુકાનની ઓળખ: મનીષ તેલવાલા…
ભરતભાઈ અને મુકેશભાઈના ભાણેજ મનીષભાઈ તેલવાળાએ જણાવ્યું કે આ દુકાન ટાવર ક્લોક પાસે હોવાથી અને દુકાનમાં કામ કરતા સુરેન્દ્રભાઈ આ દુકાનની ઓળખ બન્યાં છે. કોઈને આ દુકાનનું એડ્રેસ કહેવું હોય તો આ બંનેનો ઉલ્લેખ કરે છે. સુરેન્દ્રભાઈ મૂંગા અને બેહરા છે. તેઓ 15 વર્ષની ઉંમરથી આ પેઢીમાં કામ કરે છે. હાલ તેઓ 72 વર્ષની ઉંમરનાં છે.
લગ્ન પ્રસંગમાં નાનાભાઈનું એક કાપડ શુકનરૂપે તો હોવું જોઈએ: જીગ્નેશ જરીવાલા
ભરતભાઈ અને મુકેશભાઇના ભાણેજ જીજ્ઞેશભાઈ જરીવાલાએ જણાવ્યું કે લોકો લગ્નના કાપડની ખરીદી નાનાભાઈ લાલભાઈ કાપડવાલાના ત્યાંથી જ ખરીદતાં એટલે આજે પણ ઘરના વડીલો ઘરમાં લગ્નનો પ્રસંગ હોય ત્યારે એમ જ કહે કે લગ્નનું એક શુકનનું કાપડ તો નાનાભાઈના ત્યાંનું તો હોવું જ જોઈએ. જે લોકો વિદેશમાં સેટલ થયાં છે તેઓ તેમના બાળકોને આ દુકાન બતાવવા લઈ આવે અને કહેતાં હોય છે કે, અમારા લગ્નના કપડાં અહીંથી ખરીદયા હતાં. 1932થી 85-86 સુધી બોકસમાં કાપડ આપવામાં આવતા.
પહેલા સિલ્ક, સાટીન, ચીરમીનનું કાપડ વેચાતું…
એ સમયે સિલ્ક, જોર્જેટ, ગજી સિલ્ક, સાટીન અને ચીરમીનનું કાપડ વેચાતું. પછીથી બ્રોકેડ, નેટ, વેલ્વેટ, ચિકન, લેસપીસ (નેટ) કાપડ વેચાવા લાગ્યું. પહેલાં ચીરમીન જે સિલ્ક જેવું જ કાપડ છે તે ખૂબ વેચાતું અત્યારે બહુ ઓછું ચીરમીનનું કાપડ જોવા મળે છે. હવે તો સુરતના ટેક્સટાઇલ માર્કેટમાંથી જ દુકાનમાં કાપડ વેચવા માટે લાવવામાં આવે છે. જોકે હજી પણ વેલ્વેટ અને બ્રોકેડનું કાપડ આ પેઢી દ્વારા મુંબઈથી લાવવામાં આવે છે.
ગ્રાહકો ગામડેથી બળદગાડામાં આવતાં…
એ સમયે ટ્રાંસ્પોર્ટેશનના સાધનો મર્યાદિત હતાં. ઘોડાગાડી અને બળદગાડાનો ઉપયોગ વાહનવ્યવહારમાં થતો. વાપીથી તાપી સુધીના ગ્રાહકો નાનાભાઈ લાલભાઈની દુકાનમાં કાપડની ખરીદી માટે આવતાં. સચીન, વાંઝ, લાજપોર, કપ્લેથા, પાલેજ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, વલસાડ, નવસારીમાં કાપડની કોઈ દુકાન નહીં હતી. ગામડાના ગ્રાહકો બળદગાડામાં કેરી લઈને વેચવા આવતા અને બપોરના 2થી 3 વાગ્યાં સુધી સુરતમાં રોકાતા અને આ દરમિયાન દુકાનમાં આવી કાપડની ખરીદી કરતા. સવારે 7 વાગે આ દુકાન ગ્રાહકો માટે ખોલવામાં આવતી. અમાસનાં દિવસે દુકાન બંધ રહેતી. મુસ્લિમ ગ્રાહકોની સંખ્યા પણ વધારે રહેતી.
શહેરની ઘણી નામાંકિત જગ્યાએથી લોકો કાપડ લઈ જાય છે…
મુકેશભાઈ કાપડીયાએ જણાવ્યું કે શહેરના નામાંકિત લોકો જેમકે માજી મેયર રણછોડદાસ પોપાવાલા, ગોવર્ધનદાસ ચોખાવાલા, નાનાભાઈ ગજ્જર પણ આ પેઢીમાંથી કાપડ લેતાં. શહેરમાં જાદુના ખેલ બતાવવા આવતા જાદુગર જે ચમકીલા વસ્ત્રો પહેરે છે તે કાપડ જાદુગર મંગલ, જાદુગર કે.લાલ, જાદુગર કરણ અહીંથી કાપડ લઈ જતાં. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં, કલેકટર કચેરી, L.I.C., HDFC બેંક, કે.પી. કોમર્સ કોલેજ અને સ્કેટમાં ટેબલ પર નાંખવામાં આવતાં સોફ્ટ બોર્ડનું કાપડ આ પેઢીમાંથી જાય છે.
1968માં આવેલી રેલમાં નુકસાન થયું હતું…
1968માં સુરતમાં ભયંકર પુર આવ્યું હતું ત્યારે સુરતનાં ઘણાં બધાં વિસ્તારોમાં રેલનું પાણી ઘુસી ગયું હતું. આ સમયે નાનાભાઈ કાપડવાળાની દુકાનમાં પણ રેલનું પાણી ફરી વળ્યું હતું જોકે મેજર નુકસાન આ પેઢીને નહીં થયું હતું. જ્યારે 2006ની રેલમાં પણ ઘણાં ખરા વિસ્તરોમાં પાણીનો ભરાવો થયો હતો જોકે આશ્રયજનક રીતે નાનાભાઇની આ દુકાન ઉપરાંત આજુબાજુની બે દુકાનમાં પાણી નહોતું ભરાયું.