SURAT

સુરતના ભાગળ, વરાછા, રાંદેરની મિઠાઈની દુકાનોમાં ફૂડ વિભાગના દરોડા

સુરત (Surat): આગામી રક્ષાબંધન (Rakshabandhan) સહિતના તહેવારોને (Festivals) ધ્યાને રાખીને મહાનગર પાલિકાનું (SMC) આરોગ્ય વિભાગ (Health Department) વધુ એક વખત હરકતમાં આવ્યું છે. આજે સવારથી જ શહેરના અલગ અલગ ઝોન વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દરોડા (Raid) પાડીને માવા-મિઠાઈ (Sweets) સહિતના સેમ્પલો (Sample) એકત્રિત કરવાની કામગીરી હાથ ધરતાં વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

  • તહેવાર પહેલાં સુરત પાલિકાના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
  • ભાગળ, વરાછા, રાંદેરની મિઠાઈની દુકાનોમાં ફૂડ ડિપાર્ટમેન્ટની રેઈડ
  • અધિકારીઓએ માવાના સેમ્પલ કલેક્ટ કર્યા
  • માવા-મિઠાઈના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલાશે

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આગામી સપ્તાહ રક્ષાબંધન અને ત્યારબાદ જન્માષ્ટમી સહિતના તહેવારોની સિઝનને ધ્યાને રાખીને આજે ગુરુવારે સવારથી મહાનગર પાલિકાના ફુડ વિભાગ (Food Depatment) દ્વારા શહેરના ભાગળ ખાતે આવેલ માવા બજારમાં સેમ્પલો એકઠા કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સિવાય શહેરના અઠવા, ઉધના, સેન્ટ્રલ ઝોન અને વરાછાની નાનાલાલ સ્વીટ્સ તથા રાંદેર સહિતના તમામ ઝોન વિસ્તારોમાં 13 અલગ – અલગ ટીમો દ્વારા પણ ફરસાણ અને મિઠાઈની દુકાનોને ત્યાં 24 જેટલા સેમ્પલો (Sample) લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.

આ સંદર્ભે વધુ માહિતી આપતાં ફુડ વિભાગના અધિકારી એમ.જે. રાણાએ જણાવ્યું હતું કે, આજે સવારથી જ શહેરના ભાગળ ખાતે આવેલા જથ્થાબંધ માવાનું વિતરણ કરતા વેપારીઓથી માંડીને મિઠાઈનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ ઝોન વિસ્તારમાં અલગ – અલગ 13 ટીમો દ્વારા પણ સેમ્પલો એકત્રિત કરવાની ઝુંબેશ વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. આવનાર તહેવાર નિમિતે મિઠાઈની વહેંચણી થશે જે પહેલાં જ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મીઠાઈ બનાવવા માં વપરાતા માવાના સેમ્પલ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. મહત્વનું છે કે મિઠાઈમાં વાપરવામાં આવતો માવો મીઠાઈ બનાવી ને ખાવા લાયક છે કે કેમ તે સેમ્પલ ને લેબ માં મોકલી તેની તપાસ કરવામાં આવશે અને તેમાં જો કોઈ કસૂરવાર નીકળશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગના ચેકિંગના પગલે મિઠાઈ વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Most Popular

To Top