વડોદરા : શહેરના અલકાપુરી કોકણ બિલ્ડીંગમાં આવેલા શી-સોલ્ટ નામના સ્પામાંથી એ.એચ.ટી.યુની ટીમ દ્વારા દરોડા પાડી ત્રણ વર્ષથી વગર વિઝાએ સ્પામાં કામ કરતા થાઈલેન્ડના એક કિન્નર(થર્ડ જેન્ડર)ને પકડી પાડવામાં આવ્યો હતો. સાથે જ સ્પામાં મસાજનું ગેરકાયદેસર કામ ચાલતું હોવાનું જાણવા મળતા સ્પાના માલિક વિરૂદ્ધ પણ ગુના નોંધવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ધી ફોરેનર્સ એક્ટ હેઠળ ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ, એ.એચ.ટી.યુ(Anti-Human Trafficking Unit)ની ટીમને બાતમી મળી હતી કે, સમીર અશ્વીનભાઈ જોષી (રહે, સ્નોપલ સોસાયટી, વાસણા-ભાયલી રોડ) બહારના અલગ અલગ દેશોમાંથી ટુરીસ્ટ વિઝા ઉપર છોકરીઓને બોલાવી પોતે શી-સોલ્ટ(કોકણ બિલ્ડીંગ અલકાપુરી) નામના સ્પામાં મસાજનું ગેરકાયદેસર કામ કરાવડાવે છે. જેના આધારે ટીમે બાતમી મુજબના સ્થળે દરોડા પાડ્યા હતા. અને ઉપરોક્ત હક્કિતને સમર્થન મળ્યુ હતું.
આ દરોડા દરમિયાન સ્પામાં કામ કરતી શ્રી કન્યા(રહે, થાઈલેન્ડ)(થર્ડ જેન્ડર) મળી આવી હતી. પોલીસે તેની ભારત દેશમાં આવવા તથા કામ કરવા માટે પાસપોર્ટ અને વિઝા માગતા તેને થાઈલેન્ડ દેશનો પાસપોર્ટ બતાવ્યો હતો. જેમાં તેણીનું નામ Mr. Wises Sirikanya(રહે, થાઈલેન્ડ) હોવાનું જાણવા મળ્યુ હતું. જેમાં વિઝા ચકાસ્તા વિઝા નવેમ્બર 2018થી નવેમ્બર 2019 સુધીના હતા. જેથી હાલના વર્કિંગ વિઝા તેની પાસે નહીં હોવાનું સપાટી પર આવ્યુ હતું. પોલીસ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સ્પાના માલિક સમીર જોષી, ઓમી અગમબહાદુર સુબા(રહે, અટલાદરા વસાવા ફળીયુ) તથા Mr. Wises Sirikanya વિરૂદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા.