વડોદરા : ગુજરાત મિત્ર દ્વારા થોડા દિવસ અગાઉ અલકાપુરી ગરનાળાની બદતર હાલત વિષે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ગુજરાત મિત્રમાં અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ વડોદરા મહાનગર પાલિકાના મ્યુ.કમિશ્નર શાલીની અગ્રવાલ તથા રેલ્વેના ડી.આર.એમ સ્ટેશન રેલ્વે ગરનાળાની મુલાકાત લીધી હતી. જેથી આજ રોજ વડોદરાનું અલકાપુરી ગરનાળુ ફરી એકવાર મેન્ટેનન્સના નામે બંધ કરી દેવાતા વાહન ચાલકોને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો. અગાઉ પણ કેટલીક વાર સ્ટેશનનું ગરનાળું બંધ કરવામાં આવ્યું હતું ત્યારે પણ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હવે સમારકામ માટે ફરીથી આજ રોજ રેલ્વે સ્ટેશનનું ગરનાળું ફરીથી બંધ કરવામાં આવ્યું છે.
વડોદરાના પૂર્વ અને પશ્ચિમ ને જોડતા મહત્વના એવા અલકાપુરી ગરનાળામાં વારંવાર પાણી ભરાઈ જતા હોવાથી વાહન વ્યવહાર થપ થતો હોય છે. ગરનાળામાં અનેકવાર મેન્ટેનન્સ કરવામાં આવ્યું હોવા છતાં કોઈને કોઈ સમસ્યા ચાલુ જ રહે છે. વડોદરા શહેરમાં અગાઉ પણ કેટલીક વાર રેલ્વેનું સ્ટેશન ગરનાળું બંધ હાલતમાં જોવા મળ્યું હતું. જયારે બે વર્ષ પહેલા પણ આગ લાગવાનો બનાવ બનતા અલકાપુરી ગરનાળામાં ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ ફરી એકવાર અલકાપુરી ગરનાળાને મેન્ટેનન્સ ના નામે આગામી તા 15 ઓગસ્ટ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.
૧૫ ઓગસ્ટ સુધી બંધ કરતાની સાથેજ પોલીસ દ્વારા ગરનાળાના પૂર્વ અને પશ્ચિમના તરફ બેરીકેડિંગ મૂકી રસ્તો બંધ કરી દેતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે. સયાજીગંજ તરફથી આવતા વાહન વ્યવહારને કડક બજારમાંથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા જેને પગલે કડક બજારમાં ટ્રાફિકને લઈને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જયારે રેસકોર્સ તરફથી આવતા વાહન વ્યવહારને જેતલપુર બ્રીજ પાસે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેથી જેતલપુર બ્રીજ પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.