ગુજરાતીમાં કહેવત છે કે ‘‘ભસ્યાં કૂતરાં કરડે નહીં અને ગાજ્યા મેહ વરસે નહીં.’’અમેરિકાની પ્રતિનિધિસભાનાં અધ્યક્ષ નેન્સી પેલોસી તાઈવાન જવાનાં હતાં તે પહેલાં ચીને દુનિયા ગજાવી મારી હતી કે ચીન તેવી ગુસ્તાખી સહન કરી લેશે નહીં. ચીન તાઈવાનને પોતાનો અંતર્ગત ભાગ માને છે અને દુનિયાનો કોઈ પણ દેશ તેની આંતરિક બાબતોમાં માથું મારે તે ચલાવી લેતું નથી. નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતના ૨૫ વર્ષમાં અમેરિકાના કોઈ ટોચના રાજકારણીએ તાઈવાનની મુલાકાત લીધી નહોતી.
ચીન તાઈવાનમાં લશ્કર મોકલીને તેના પર કબજો જમાવી દેવાની ધમકીઓ આપી રહ્યું હતું. જો નેન્સી પેલોસી તાઈવાનની મુલાકાત લે તો અમેરિકા સામે યુદ્ધ જાહેર કરવાની ધમકી પણ ચીને આપી હતી. તેની પરવા કર્યા વિના જો બાઇડને નેન્સી પેલોસીને તાઈવાન મોકલ્યાં હતાં. તેઓ તાઈવાન જઈ આવ્યાં અને ત્યાંની પ્રજા સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી આવ્યાં, પણ ચીન અમેરિકાનું કાંઈ બગાડી શક્યું નથી. ચીને તાઈવાનની વાયુસીમામાં લડાયક વિમાનો મોકલીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેથી વિશેષ તે કાંઈ કરી શક્યું નહોતું.
અમેરિકાની પ્રતિનિધિસભાનાં અધ્યક્ષ નેન્સી પેલોસી દાયકાઓથી દુનિયાના લોકશાહી દેશોને પ્રોત્સાહન આપવાની ઝુંબેશ ચલાવે છે. તાઈવાન રાક્ષસી તાકાત ધરાવતા સામ્યવાદી ચીનની નજીકમાં રહીને પણ લોકશાહીને ટકાવી શક્યું છે, એ બદલ તેને ધન્યવાદ આપવા નેન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાતે જવાનું નક્કી કર્યું હતું. ૧૯૯૧ માં નેન્સી પેલોસી ચીનના ટાઇનાનમેન સ્ક્વેરમાં ગયાં હતાં અને બે વર્ષ અગાઉ ત્યાં શહીદ થયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપીને પાછાં ફર્યાં હતાં. તેવી જ રીતે તેઓ થોડા સમય પહેલાં રશિયાના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેનમાં એક પ્રતિનિધિમંડળ લઈને પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરવા પહોંચી ગયાં હતાં. રશિયાના ચીન પરના આક્રમણ પછી ચીન તાઈવાન પર ત્રાટકવા માગતું હોય તો તેને રેડ સિગ્નલ મળી ગયો છે.
તાઈવાન દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનથી માત્ર ૧૦૦ કિલોમીટર દૂર આવેલો ટાપુ છે. ૧૯૪૯ સુધી તાઈવાન ચીનનો એક ભાગ હતું, જે રિપબ્લિક ઓફ ચાઈના તરીકે ઓળખાતું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી મુખ્ય ચીનમાં નેશનાલિસ્ટ ગવર્નમેન્ટ સૈન્ય અને સામ્યવાદી પક્ષના સૈન્ય વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું, જેમાં માઓ ઝેદાંગની આગેવાની હેઠળના પિપલ્સ લિબરેશન આર્મીનો વિજય થયો. કુઓમિન્ટાંગ (કેએમટી) નામની નેશનાલિસ્ટ પાર્ટીના નેતા ચિયાન્ગ કાઈ શેક ભાગીને તાઈવાન પહોંચી ગયા. ત્યાં રહીને તેમણે પોતાનું શાસન ચાલુ રાખ્યું. મુખ્ય ચીનમાં સામ્યવાદી પક્ષનું શાસન ચાલુ રહ્યું, જ્યારે તાઈવાનમાં કેએમટી પક્ષે લાંબો સમય રાજ કર્યું. મુખ્ય ચીન પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના તરીકે ઓળખાયું, જ્યારે તાઈવાને રિપબ્લિક ઓફ ચાઈનાનું નામ ચાલુ રાખ્યું.
તાઈવાનમાં ૧૯૪૯ થી લઈને ૧૯૮૭ સુધી લશ્કરી રાજ હતું, જેની ધુરા કેએમટી પાર્ટીના નેતાઓના હાથમાં જ હતી. આ દરમિયાન તાઈવાનમાં કોઈ પણ રાજકીય વિરોધને કચડી નાખવામાં આવતો હતો. તાઈવાનના સ્થાનિક લોકોને કચડવામાં આવતા હતા. ૧૯૯૨ માં તાઈવાનનું પહેલું બંધારણ બન્યું, જે મુજબ ૧૯૯૨ માં પહેલી વખત સંસદની ચૂંટણી થઈ અને ૧૯૯૬ માં પહેલી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી. ત્યાર બાદ દરેક ચૂંટણીમાં શાંત સત્તાપરિવર્તન થતું આવ્યું છે.
૧૯૯૨ માં ચીનના સામ્યવાદી પક્ષ અને તાઈવાનના તત્કાલીન શાસક પક્ષ કેએમટી વચ્ચે એક કરાર થયો હતો, જે મુજબ એક ચીનના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ચીન તેના નકશામાં મુખ્ય ચીન ઉપરાંત મોંગોલિયા, તાઈવાન અને તિબેટનો પણ સમાવેશ કરતું આવ્યું છે, જેને વન ચાઈના પોલિસી કહેવામાં આવે છે. ૨૦૧૬ માં તાઈવાનમાં ત્સાઈ ઇંગ વેનની સરકાર આવી તે પછી તેણે વન ચાઈના નીતિ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદી પોતાના લશ્કરને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવા માંડ્યું હતું.
તાઈવાનને ડરાવવા માટે ચીને તેની દરિયાઈ સરહદ પર ફાઇટર જેટ વિમાનો ઉડાડવાનું શરૂ કરી દીધું હતું. ચીન વારંવાર ચીપિયો પછાડીને કહે છે કે ચીન એક છે, એક હતું અને એક રહેશે. તેણે પિપલ્સ લિબરેશન આર્મીને ચીનને એક કરવાનું કામ સોંપ્યું છે. તાઈવાન વગેરે દેશો પોતાને રિપબ્લિક ઓફ ચાઈનાનો ભાગ ગણે છે, પણ તેઓ પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના ગુલામ બનવા માગતા નથી. ચીનની જે લશ્કરી તાકાત છે, તેની સામે તાઈવાનની લશ્કરી તાકાત નગણ્ય છે. જો ચીન તાઈવાન પર હુમલો કરે તો અમેરિકાની મદદ વગર તે પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી શકે તેમ નથી.
અમેરિકાનો દાવો છે કે તેઓ એક ચીનની નીતિનો સ્વીકાર કરે છે, પણ સામ્યવાદી ચીનની સરકાર તેની એકમાત્ર સરકાર છે, તે અમેરિકાને માન્ય નથી. આ કારણે અમેરિકા તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો પણ રાખે છે. અમેરિકા કહે છે કે નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત તેમની ખાનગી મુલાકત હતી અને અમેરિકન સરકારને તેની સાથે કોઈ નિસબત નહોતી. તેમ છતાં તાઈવાન ઉપર ચીન હુમલો કરી બેસે તો તેને રક્ષણ આપવા માટે અમેરિકા દ્વારા ફિલિપાઇન્સના સમુદ્રમાં રોનાલ્ડ રેગન નામનું વિમાનવાહક જહાજ મોકલવામાં આવ્યું હતું. ચીન હાલના તબક્કે અમેરિકા સાથે યુદ્ધ ઇચ્છતું ન હોવાથી તેણે નેન્સી પેલોસીની મુલાકાતને પરાણે સ્વીકારી લીધી હતી.
૧૯૭૯ સુધી અમેરિકા રિપબ્લિક ઓફ ચાઈનાને એક દેશ ગણતું હતું અને તેની સાથે રાજદ્વારી સંબંધો પણ ધરાવતું હતું. ૧૯૭૯ માં તેણે પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના સાથે રાજદ્વારી સંબંધો જોડ્યા તે સાથે તેના રિપબ્લિક ઓફ ચાઈના સાથેના સંબંધોનો પણ અંત આવ્યો હતો, જેમાં તાઈવાનનો પણ સમાવેશ થતો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ તાઈવાનને ચીનનો એક ભાગ ગણતું હોવાથી તેણે તાઈવાનને પોતાના સભ્ય તરીકે પ્રવેશ આપ્યો નથી. તાઈવાનને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બનાવવાનો કોઈ પણ પ્રસ્તાવ આવે તો ચીન વિટો વાપરીને તેને ઉડાવી દેતું હોય છે. જો કે અમેરિકા તાઈવાન સાથે વેપારી સંબંધો રાખે છે અને તેને શસ્ત્રો વેચવાનું પણ ચાલુ રાખે છે.
તાઈવાન માટેની અમેરિકી નીતિ ગૂંચવાડાથી ભરેલી છે. અમેરિકા એક બાજુ કહે છે કે તે તાઈવાનની સ્વતંત્રતાની ચળવળને ટેકો આપતું નથી; તો બીજી બાજુ તે કહે છે કે તે જો ચીન તાઈવાન ઉપર હુમલો કરશે તો અમેરિકા તાઈવાનની મદદ કરશે. અમેરિકા કહે છે કે તે ચીનની વન ચાઈના નીતિનો સ્વીકાર કરતું નથી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક બાજુ ચીન સામે ટ્રેડ વોર ચાલુ કરી તો બીજી બાજુ તેમણે તાઈવાનને શસ્ત્રો વેચવાનું ચાલુ કરી દીધું.
તેમના શાસન દરમિયાન અમેરિકાએ તાઈવાનને ૧૮ અબજ ડોલરનાં શસ્ત્રો વેચ્યાં હતાં. તેમના સત્તાકાળમાં તાઈવાનની રાજધાની તાઇપેઇમાં ૨૫ કરોડ ડોલરના ખર્ચે અમેરિકી સંકુલ તૈયાર કરવામાં આવ્યું હતું, જે બિનસત્તાવાર રીતે અમેરિકાની એલચી કચેરીનું કામ કરે છે. આ સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે ડોનાલ્ડ ટ્રમ્પે તાઈવાનના પ્રમુખ સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. હવે અમેરિકાની આક્રમક નીતિને કારણે તાઈવાનના મુદ્દે ગમે ત્યારે ચીન-અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળી શકે તેમ છે. જો કે અમેરિકા સામે યુદ્ધ જાહેર કરતાં પહેલાં ચીન રશિયાનો ટેકો મેળવવાના તમામ પ્રયાસો કરી છૂટશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.