પલસાણા: કામરેજ સુરત ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન( SOG) ગ્રુપની ટીમે કામરેજની વલથાણ નહેર(Valthan canal) પાસેથી સફેદ આફ્રિકન સાપ અને બે સફેદ ઉંદર (white mouse )સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 1,25,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
SOG પોલીસને મળી હતી બાતમી
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ગ્રામ્ય SOGની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ‘ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. mortinexotics_999 મારફતે આઇ.ડી. ધારક એક્ઝોટિક એનિમલનું ગેરકાયદે વેચાણ કરે છે અને તેણે તેની આઈ.ડી. પર ઘણાં બધાં પ્રાણીઓના ફોટા મૂક્યા છે.’ આ બાતમીના આધારે વર્કઆઉટ કરી ડમી ગ્રાહક ઊભો કરવામાં આવ્યો હતો. ગ્રાહકે આઈ.ડી. ધારકને ફોન કરી ઉંભેળ ગામ પાસે બોલાવ્યો હતો. માર્ગેશ ઉર્ફે માર્ટિન નરેન્દ્ર સરૈયા (રહે.,સંજીવની હાઉસિંગ સોસાયટી, ચલથાણ)નામનો યુવક એક ડબ્બો લઈને આવ્યો હતો.
સુપર મોજાઉ આફ્રિકન બોલ પાઈથનની કિંમત લાખોમાં
ડમી ગ્રાહકને પ્રાણી આપવા જતાં જ પોલીસે તેણે ઘેરી લઈ તેની પાસેથી એક સુપર મોજાઉ આફ્રિકન બોલ પાઈથન નામનો સાપ કિંમત રૂ.1.20 લાખ તેમજ બે સફેદ ઉંદર કિંમત રૂ.200 અને એક મોબાઇલ ફોન કિંમત રૂ.5 હજાર મળી કુલ 1,25,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે માર્ગેશ સરૈયાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.