Comments

મમતા નવી આફતમાંથી બહાર નીકળી શકશે!

ભ્રષ્ટાચારની અનેક તપાસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા ઝડપાયેલા પાર્થ ચેટરજીને રાજય સરકારના પ્રધાનમંડળ અને તૃણમૂલ કોંગ્રેસના પદ પરથી દૂર કરી બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પોતાની સરકારને એનાથી આગળ કરવાની કોશિશ કરી છે, પણ તેનાથી મમતાને દોષમુકત રહેવામાં મદદ મળશે? તપાસકારોએ ચેટરજીની એક નિકટની સ્ત્રી પાસેથી રૂા. 50 કરોડની રોકડ અને અન્ય મૂલ્યવાન ચીજવસ્તુઓ જપ્ત કરી છે.

પાર્થ ચેટરજી રાજય સરકારમાં ચાર ખાતાં સંભાળતા હતા અને તૃણમૂલ કોંગ્રેસમાં મહામંત્રી સહિતનાં અનેક પદ સંભાળતા હતા. મમતાએ ઘણાં તોફાનોનો સામનો કર્યો છે. નારદા ટેપ અને શરદ ચિટ ફંડ કૌભાંડે પક્ષને ખાસ્સી જફા પહોંચાડી છે છતાં 2016 માં પક્ષ બીજી મુદત સુધી સત્તા પર આવ્યો હતો. કલ્યાણ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થતા હતા, છતાં આ પક્ષ ભારતીય જનતા પક્ષને હરાવીને ત્રીજી વાર સત્તા પર ગયા વર્ષે બેઠો હતો.

2020 માં ઘણાં ગામોમાં શ્રેણીબધ્ધ વિરોધી દેખાવો થયા હતા અને ગ્રામજનોએ તૃણમૂલ કોંગ્રેસ પંચાયત પદાધિકારીઓ સામે સરકારી લાભ અને હોનારત રાહત આપવા બદલ પૈસા લેવાના આક્ષેપ કર્યા હતા. મમતા સાદગીની મૂર્તિ કહેવાતાં હોવાથી પક્ષ આ બધાં તોફાનો પણ પાર કરી ગયો હતો. પણ લોકપ્રિયતા કે લોકોનો વિશ્વાસ કાયમ રહેશે તેની કોઇ અનંત બાંહેધરી નથી. ચેટરજીના બચાવમાં આગળ આવવાનો મમતાનો ઇન્કાર એ વાતની કબૂલાત છે.

જપ્ત કરાયેલી રોકડ અને મૂલ્યવાન ચીજવસ્તુઓ સી.બી.આઇ. અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ જે ગુનાઓની તપાસ કરે છે તેમાંથી કરાયેલી કમાણી છે કે નહીં તે સ્પષ્ટ નથી, પણ તે મુદ્દો નથી. મમતા માત્ર બંગાળમાં જ નહીં, પણ દેશમાં પણ જે આદર્શ રજૂ કરવાની આશા રાખે છે તે છતાં શાસક પક્ષના એક ચાવીરૂપ હોદ્દેદાર આટલી જંગી બેનામી સંપત્તિ સાથે સંકળાયેલા હોય તે જ બતાવે છે કે પક્ષમાં કેટલો સડો છે.

વેસ્ટ બેંગલા સ્કૂલ સર્વિસ કમિશન કૌભાંડમાં એવા સંખ્યાબધ્ધ કિસ્સાઓ છે જેમાં રાજય સરકાર સંચાલિત શાળાઓની ભરતીમાં ગેરરીતિ 2016 થી બહાર આવી છે. આક્ષેપો એવા થયા છે કે શિક્ષકની ભરતી માટે કમિશનની પ્રક્રિયામાં સારો દેખાવ કરનાર ઉમેદવારોને બાજુ પર રાખી પૈસા અને રાજકીય ગણતરી અને નોકરીઓ આપવામાં આવી હતી.
આથી જ ચેટરજીને રૂખસદ આપવાથી મમતાની વ્યથાને રૂખ્સદ નહીં મળે. દરેક જણ માને છે કે શિક્ષક ભરતી કૌભાંડ હિમશીલાની ટોચ સમાન છે. પૈસા એકઠા કરવાની બાબતમાં તૃણમૂલ કોંગ્રેસ ગંભીર આંતરકલહમાં છે. જે લોકો પકડાયા છે તેઓ કહે છે કે પૈસા છેક ઉપર સુધી પહોંચાડાયા છે, પરિણામે તૃણમૂલ કોંગ્રેસનું ઠંડુ યુધ્ધ ગરમ થવાનું જ છે.

પહેલા જૂથમાં પાર્થ ચેટરજી પરિવહન પ્રધાન તેમ જ કોલકાતાના મેયર ફિરહાદ હકીમ છે તો બીજા જૂથમાં મમતાનો ભત્રીજો અને તૃણમૂલ કોંગ્રેસના મહામંત્રી અને લોકસભાનો સભ્ય અભિષેક બેનરજી છે. કેન્દ્રીય તપાસ પાછળ ભારતીય જનતા પક્ષનો હાથ છે એવી માન્યતાથી વિપરીત કલકત્તા હાઇકોર્ટની સૂચના મુજબ સી.બી.આઇ.એ નોંધાવેલી એફ.આઇ.આર.ને પગલે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે કાળાં-ધોળાં નાણાંનો દાવો માંડયો છે. ધો. 11 અને ધો. 12 ના મદદનીશ શિક્ષકો, ગૃપ સી અને ડી સ્ટાફની ભરતીમાં કહેવાતા કૌભાંડની તપાસ કરવાનો કોર્ટે સી.બી.આઇ.ને આદેશ આપ્યો હતો.

આ કૌભાંડ થયું ત્યારે ચેટરજી શિક્ષણ પ્રધાન હતા. હકીકતમાં તેઓ 2021 સુધી શિક્ષણ પ્રધાન હતા અને મમતાનો પાલવ પક્ષમાં ઊંચા પદ પર પહોંચ્યા હતા. મુકુલરોય પક્ષ છોડી ભારતીય જનતા પક્ષમાં જોડાયા એટલે ચેટરજીનો પક્ષના મહામંત્રી બનવાનો માર્ગ ખુલ્લો થયો હતો. એ વાત જુદી છે કે ચાર વર્ષે ભારતીય જનતા પક્ષમાં રહી રોય આ પક્ષમાં પાછા ફર્યા છે. અભિષેકે પક્ષને ઘટનાઓથી અળગા થવાનું કહ્યું છે.

2019 ના ફેબ્રુઆરીમાં તે વખતના કોલકાતાના પોલીસ કમિશનરના ઘરે સી.બી.આઇ. ગઇ હતી ત્યારે મમતાએ દિવસો સુધી ધરણાં કર્યાં હતાં. આ ખટલામાં હાઇકોર્ટે નોકરીથી વંચિત લોકોએ કરેલી અરજીઓના આધારે તપાસનો હુકમ કર્યો છે. તા. 21 મી માર્ચ 2022 ના દિને બીરભૂમ જિલ્લાના બોગતુઇ ગામમાં હિંસક અથડામણમાં નવ માણસો માર્યા ગયા પછી આ ઘટના બની છે. આ અથડામણનો ભોગ બનેલાઓ અને આરોપીઓ બંનેએ શાસક પક્ષના નિકટવર્તી હોવાનો દાવો કર્યો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top