SURAT

સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ઊલટી કરવા અંગે બોલાચાલી થઈ અને પિતા-પુત્રોએ..

સુરત: મોટા વરાછા (Mota Varacha) ખાતે રહેતા યુવકે તેની બાલ્કનીમાં થયેલી ઊલટી (Vomiting) બાબતે સોસાયટીમાં મીટિંગ રાખી હતી. આ મીટિંગ બાદ સોસાયટીમાં જ રહેતા પિતા-પુત્રોએ તેને માર મારી ગળામાં રહેલી સોનાની ચેઈન તોડી નાંખી હતી. અમરોલી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મોટા વરાછા ખાતે અંબિકા પિનેકલમાં રહેતા 44 વર્ષીય ભરત પોપટ જસાણી મૂળ ભાવનગરના શિહોરના વતની છે. તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં સુભાષ પરમાર, શિવમ પરમાર તથા જવલ પરમાર તથા અને અજાણ્યાની સામે ફરિયાદ નોંધાવાઈ હતી.

  • જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી
  • સોસાયટીમાં જ રહેતા પિતા-પુત્રોએ યુવકને માર મારી ગળામાં રહેલી સોનાની ચેઈન તોડી નાંખી

ગઈકાલે સવારે ભરતભાઈ ઊઠ્યા ત્યારે તેમની બાલ્કનીમાં ઊલટીના ડાઘા હતા. જેથી તેમણે આ વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂક્યો હતો. બાદ રાત્રે આ અંગે સોસાયટીમાં મીટિંગ રાખી હતી. મીટિંગમાં સુભાષ પરમારે તેમને ત્યાં આવેલા મહેમાને ઊલટી કરી હોવાનું કહ્યું હતું. જેથી ભરતભાઈએ આ વાત સવારે જ કહી દીધી હોત તો સોસાયટીની મીટિંગ રાખવી નહીં પડત તેવું કહ્યું હતું. સુભાષભાઈએ પોતે ગ્રુપમાં નહીં હોવાનું કહેતાં ભરતભાઈએ તેમનો દીકરો તો છે? તેમ જણાવતાં સુભાષભાઈ તેમના દીકરાને બોલાવવા ગયા હતા. થોડીવાર પછી સુભાષભાઈના દીકરા શિવમ અને જવલ તથા એક અજાણ્યો કૂતરો લઈને આવ્યો હતો. ભરતભાઈએ તેમના કૂતરાનું મળમૂત્ર તેમની બાલ્કનીમાં પડે છે તેવું કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે સુભાષભાઈ તથા તેમના બંને દીકરાએ તથા અજાણ્યાએ ભરતભાઈને માર માર્યો હતો. શિવમ પરમારે ભરતભાઈના ગળામાં પહેરેલી સોનાની 2.44 લાખની 43.990 ગ્રામની ચેઈન તોડીને ઝૂંટવી લીધી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરોલી પોલીસે લૂંટની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top