Sports

CWG: લોન બોલમાં ઈતિહાસ રચનારી ભારતીય મહિલાઓની કહાણી સાંભળી ભાવુક થઈ જશો

ભારતીય મહિલા લોન બોલ (Lawn Bowls) ટીમે મંગળવારે કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ફોર્સ ઇવેન્ટની ફાઇનલમાં અનુભવી દક્ષિણ આફ્રિકાને 17-10થી હરાવીને ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઇવેન્ટમાં ભારતીય ટીમે પહેલીવાર ગોલ્ડ જીત્યો છે અને ભારતીયો માટે સાવ અજાણી એવી આ ગેમમાં જીતનો તિંરગો લહેરાવીને ભારતને બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં (CWG) ચોથો ગોલ્ડ અપાવ્યો છે. ત્યારે તે જાણવું ખુબજ દિલચસ્પ રહેશે કે આ ગેમ જે જેનો બોલ પણ ભારતમાં બનાવવામાં આવતો નથી આવી ગેમમાં આ ખેલાડીઓએ ગોલ્ડ કઈ રીતે મેળવ્યો અને તે પણ કોઈ કોચના ગાઈડન્સ વગર. ખાસ વાત તો એ છે કે આ રમતની રમતવીરોમાં (Players) કોઈ ઓફિસર છે તો કોઈ પોલીસમાં છે.

ટીમ પાસે કોચ પણ નહોતો. કોઈ સુવિધા નહોતી. પોતાના દમ પર આ ખેલાડીઓએ ગોલ્ડ સુધીની સફર કરી. 92 વર્ષ જૂની કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત, 2010 દિલ્હી ગેમ્સમાં ભારતીય પુરૂષ અને મહિલા ટીમો પ્રથમ વખત ઈવેન્ટ માટે ક્વોલિફાય થઈ હતી. જીત બાદ ખેલાડીઓએ જણાવ્યું કે છેલ્લા ત્રણ વખતથી સફળતા ન મળવાને કારણે તેમને સરકાર તરફથી કોઈ સહયોગ મળી રહ્યો ન હતો. ત્યાં સુધી કે ખેલાડીઓએ કોચ વિના પ્રેક્ટિસ કરી હતી. બર્મિંગહામમાં ટીમ ટુર્નામેન્ટના ચાર દિવસ પહેલા જ આવી હતી. ચાર દિવસ સુધી ગ્રીન ગ્રાઉન્ડ પર જોરદાર પ્રેક્ટિસ કરી. જેનો તેમને લાભ મળ્યો હતો.

  • લવલી ચૌબે ઝારખંડ પોલીસમાં કોન્સ્ટેબલ છે
  • પિંકી સિંહ દિલ્હીમાં શારીરિક શિક્ષણ શિક્ષક છે
  • રૂપા રાની ઝારખંડના ટિર્કીમાં જિલ્લા રમતગમત અધિકારી છે
  • નયનમોની સૈકિયા આસામમાં ફોરેસ્ટ ઓફિસર છે

મજબૂરીમાં રમવાનું શરૂ કર્યું
38 વર્ષીય લવલી ઝારખંડ પોલીસમાં કોન્સ્ટેબલ છે જ્યારે રૂપા પણ રાંચીની છે અને સ્પોર્ટ્સ વિભાગમાં કામ કરે છે. પિંકી દિલ્હીના ડીપીએસ આરકે પુરમમાં સ્પોર્ટ્સ ટીચર છે જ્યારે નયનમોની આસામના ખેડૂત પરિવારમાંથી આવે છે અને રાજ્યના વન વિભાગમાં કામ કરે છે. લવલી 100-મીટરની દોડવીર હતી જ્યારે નયનમોની વેઇટલિફ્ટર હતી. ઇજાઓને કારણે બંનેને લૉનબોલ તરફ સ્વિચ કરવું પડ્યું હતું. લવલીએ જણાવ્યું હતું કે લૉન બૉલ માટે ગ્રીન ફિલ્ડ અને બૉલની જરૂર પડે છે પરંતુ આ બોલ ભારતમાં નથી બનતો. આ બોલ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડથી આયાત કરવામાં આવે છે. તેઓએ આશા વ્યક્ત કરી હતી કે તેના મેડલ બાદ પરિસ્થિતિ બદલાશે.

ધોનીને બધા ઓળખે છે, લોકો અમને પણ ઓળખશે
ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા લવલીએ કહ્યું, “અમારા માટે તે ઓલિમ્પિક જેટલી જ મોટી રમત છે કારણ કે લૉન બોલ ઓલિમ્પિકનો ભાગ નથી. અમે ચાર વર્ષ પહેલા મેડલ એક અંકથી ચૂકી ગયા હતા પરંતુ આ વખતે અમે સારી તૈયારી કરી હતી. આશા છે કે આ સિદ્ધિ ભારતને ઓળખ અપાવશે. લવલી 100-મીટરની દોડવીર હતી જ્યારે નયનમોની વેઇટલિફ્ટર હતી. ઇજાઓને કારણે બંનેને લૉનબોલ તરફ સ્વિચ કરવું પડ્યું હતું.

લવલીએ કહ્યું કે રાંચીમાં ધોનીને બધાજ ઓળખે છે. હવે લોકો અમને પણ ઓળખશે. ધોની રાંચીમાં પ્રેક્ટિસ દરમિયાન અવારનવાર મેદાનની મુલાકાત લે છે. લવલીએ કહ્યું કે તે લૉન બોલ વિશે ઘણું જાણે છે. તેમણે કહ્યું, ‘ધોની સર રાંચીમાં અમારા કોચને ઓળખે છે અને બે વખત મેદાન પર પણ આવ્યા છે. જ્યારે તે દેવી માતાના મંદિરે જાય છે ત્યારે તે અમારા મેદાનમાં પણ આવે છે. તેમણે કહ્યું કે જ્યારે તે ઓસ્ટ્રેલિયા જાય છે ત્યારે તે લૉન બોલ રમે છે.

લૉન બોલ શું છે અને કઈ રીતે રમાય છે?
લૉન બૉલ સ્પોર્ટના બૉલનું વજન લગભગ દોઢ કિલોગ્રામ છે. તે એક બાજુ ભારે હોય છે, તેથી ખેલાડીઓ તેને કર્લ અથવા ટ્વિસ્ટ કરી શકે છે. આ રમત 1966 સિવાય 1930 થી કોમનવેલ્થ ગેમ્સનો એક ભાગ છે. ભારતમાં મોટાભાગના લોકો આ ગેમ વિશે જાણતા નથી. આ આઉટડોર સ્પોર્ટ છે. લૉન બૉલનો એક પ્રકાર પ્રાચીન ઇજિપ્તમાં રમવામાં આવતો હતો અને હવે તે યુરોપિયન દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાઉલ્સ કે જેને લૉન બૉલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક બોલ (બાઉલ તરીકે ઓળખાય છે) નાના સ્થિર બોલ તરફ વળવામાં આવે છે જેને જેક કહેવાય છે. જેકનું બીજું નામ ‘લેક્સ’ છે. જેક એ એક નાનો બોલ છે, જેનો વ્યાસ 63-67 મીમી છે જ્યારે મોટા બોલનો વ્યાસ 112-134 મીમી છે. આ બોલ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે ક્યારેય સીધી રેખામાં વળતો નથી.

ખેલાડીએ વિવિધ રંગોના બોલને 23 મીટરના અંતરેથી લક્ષ્ય (જેક) પર લાવવાના હોય છે. જેનો બોલ લક્ષ્યની સૌથી નજીક જાય છે તેને પોઇન્ટ મળે છે. ખેલાડીઓ મેચમાં બોલને વળાંક આપે છે. આ રમત ચાર મોડમાં રમાય છે જેમાં સિંગલ્સ, ડબલ્સ, ત્રણની ટીમ અને ચારની ટીમનો સમાવેશ થાય છે. દરેક ટીમના ખેલાડીઓને તેમની સંખ્યાના આધારે વિભાજિત કરવામાં આવે છે.

Most Popular

To Top