રાજપીપળા રજવાડા વખતનું વાલિયા તાલુકાનું ગામ એટલે દેશાડ. દેશાડ ગામ એ આદર્શ ગામથી પ્રખ્યાત હતું. સર્વજ્ઞાતિ માટે સુખી સંપન્ન દેશાડ ગામ. અંદાજે ૨૫૦૦ની વસતી ધરાવતા આ ગામમાં અનેક વિશેષતા સમાયેલી છે. સાડા ત્રણ દાયકા પહેલાં દેશાડ ગામ એ ગુજરાતના રાજકારણનું કેન્દ્ર બિંદુ હતું. સફળ રાજકીય સવિશેષ વ્યક્તિ સહિત આજે આ જ ગામમાં બે ન્યાયાધીશ પેદા થયા છે. આમ તો દેશાડ ગામમાં ખમતીધર લોકોએ જન્મ લીધો હતો. એ વાતના સૌ સાક્ષી છે. જો કે, દેશાડ ગામનું નામ કઈ રીતે પડ્યું હશે એ માટે લોકવાયકા છે કે રજવાડા વખતે મહારાજાને અહીંના રહીશો મક્કમતાથી એક સૂર પાડતા હતા કે કોઈ તકલીફ હોય તો અમને “દે, સાદ” એટલે આવવા તત્પર રહીશું. એના પરથી દિવસે દિવસે અપભ્રંસ થઈને આજે ગામનું નામ “દેશાડ” પડ્યું છે. દેશાડ ગામ એ કીમ નદીના કાંઠે દાયકાઓ પહેલા વસવાટ કર્યો હતો. આ ગામ આદર્શ એટલા માટે હતું કે ક્ષત્રિય સમાજ વર્ષો પહેલાં પોતાના ખેતરમાં ધાન પકવીને ખરીમાં લાવે ત્યારે બ્રાહ્મણ ઓજાર બનાવતા લુહાર, કુંભાર, વાળંદ સહિત તમામ જ્ઞાતિને ત્યાંથી ભાગ આપીને પાર્ટીશન પદ્ધતિ હતી. જો કે, સમયાંતરે એ વગાઓએ પણ આ વર્ગને જમીનો આપી દીધી હતી. એટલે જ એ વગાએ જ્ઞાતિ આધારિત નામોનો ઉલ્લેખ કર્યો છે.
દાયકાઓ પહેલાં કીમ નદીના કાંઠે પૂર્વ ભાગમાં દેશાડ ગામ વસેલું હતું. પણ પૂરને કારણે એ જગ્યા ધોવાતાં સમયાંતરે કીમ નદીના પશ્ચિમ ભાગમાં આવીને સ્થાયી થયા. જેને કારણે આજે પણ દેશાડ ગામના રહીશો ગામતળમાંથી નથી, પણ તેમનાં મકાનો રેવન્યુમાં બોલે છે. ભૂતકાળમાં રજવાડા વખતે જે જમીનો ખેતી માટે આપવામાં આવી એ વખતે રાજાએ ટોકન ભાવે વેચાતી આપી હતી. આજે દેશાડ ગામમાં ૧૦૦ ટકા શૌચાલય અને ૧૦૦ ટકા વિધવા સહાયનું કામ કરીને અગ્રેસર છે. આજે પણ વર્ષે દિવસે અંદાજે ૨૧ લાખની સરકારી ગ્રાન્ટ આવે છે.
દેશાડ ગામની પૂર્વ ભૂમિકા
વસતી-૨૫૦૦ લોકો
ભૌગોલિક વિસ્તાર-૭૫૩ હેક્ટર
ઘર-૭૫૦
રહેનારો વર્ગ-આદિવાસી, રાજપૂત, કુંભાર, લુહાર,
મોચી, વાળંદ,
લુહાર, મોચી, મુસ્લિમ-ઘાંચી
સાક્ષરતા-૭૦.૧૭ ટકા (૨૦૨૧ પ્રમાણે)
મંદિરો
-દિવ્યધામ દેશાડ (મહાદેવ મંદિર)
-સીકોતેર માતાનું મંદિર
-મેલડી માતાનું મંદિર
-બળિયાદેવ મંદિર
દેશાડ ગ્રામ પંચાયતની ટીમ
ડેપ્યુટી સરપંચ
મનીષાબેન કૃષ્ણકુમાર મહિડા
સભ્યશ્રીઓ
સરીકાબેન અરવિંદભાઈ વસાવા
ફૂલવંતીબેન મનુભાઈ વસાવા
અલ્પેશભાઈ શીવાભાઈ વસાવા
સુકવંતાબેન ટીનુભાઈ વસાવા
રમેશભાઈ ઈશ્વરભાઈ પંચાલ
કિરીટભાઈ ફતુભાઈ વસાવા
હરિસિંહ નાનાએ માધ્યમિક શિક્ષણનો પાયો નાંખ્યો
૧૯૭૭નું વર્ષ ઇન્દિરા ગાંધી માટે ભરૂચ લોકસભા સીટ ખાલી કરાવીને નવયુવાન એવા અહેમદ પટેલને આંગળી પકડાવી હરિસિંહ નાનાએ રાજકારણ લાવી તેમનો ઉદય કરાવ્યો હતો. દેશાડના હરિસિંહ ભગુબાવા મહિડા ઉર્ફે જનમાનસમાં હરિસિંહ નાનાનો આઝાદી પહેલાં તા.૧૯મી મે-૧૯૧૯ના રોજ જન્મ થયો. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ થતાં તેમણે જીવનમાં ઘણી લીલી-સૂકી જોઈ હતી. પોતાના મોટા ભાઈનો સહારો મળતાં શિક્ષણની નૈયા પાર કરી ગયા. પ્રાથમિક શિક્ષણ લીધા બાદ માધ્યમિક શિક્ષણ વડોદરા-ભરૂચ પાયોનિયર હાઇસ્કૂલમાં મેટ્રિક પાસ કર્યુ. ઉચ્ચ અભ્યાસ સાથે સુરત એમ.ટી.બી. આર્ટસ કોલેજમાં બી.એ. થયા. બાદ સાર્વજનિક લો કોલેજ સુરત ખાતે એલ.એલ.બી. થયા. એ સમયે આ વિસ્તારમાં આદિવાસી સમાજ માટે અંધકાર અને શિક્ષણનો કોઈ અવકાશ ન હતો. ત્યારે તો વિનામૂલ્યે આદિવાસી ગણોતીયાના કેસો લડીને અનેક આદિવાસીઓને જમીન અપાવી હતી. સાથે ગરીબ પરિવારોને શિક્ષણ મળવું જોઈએ એ માટે આદિવાસી સેવા સંઘ અને વાલિયામાં નવચેતન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરીને માધ્યમિક શાળા શરૂ કરી. સમયાંતરે વાલિયા તાલુકાની તમામ સમાજની દીકરીઓ લાંબે અભ્યાસ કરવા જાય એ માટે આખરે વાલિયામાં મહિલા કોલેજનું બીજ રોપ્યું હતું.
અહેમદ પટેલને હરિસિંહ રાજકારણમાં લાવ્યા હતા
હરિસિંહ નાના પહેલાં અભ્યાસ કરીને ગરીબના ગૂંચવાયેલાં કામો કરવા માટે આગળ આવ્યા. એ સમયે હરિસિંહ નાના લોકમિજાજમાં નેતાગીરીમાં આગળ આવશે એવો લોકોનો ઉદ્દગાર હતો. તેઓ ગામના સરપંચ બન્યા. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય ભેગું હોવાથી દ્વિભાષી મુંબઈ સ્ટેટમાં બે વખત ધારાસભ્ય તરીકે રહ્યા. આખરે ૧૯૬૦માં ગુજરાત રાજ્ય અલગ પડતાં પંચાયત ધારામાં ૧૯૬૩થી ૧૯૬૪માં વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહ્યા. ત્યારબાદ ૧૯૬૪થી ૧૯૭૨ સુધી ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહીને આખી જિલ્લા પંચાયત સુપરે કાર્યરત કરી. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત યુનિવર્સિટીના સભ્ય હોય અને વીર નર્મદ યુનિવર્સિટીના સભ્ય તરીકે સમયાંતરે જોડાયેલા રહ્યા. ૧૯૭૨થી ૧૯૭૪માં ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય બની નાયબ મંત્રી બનીને પંચાયત અને સહકાર વિભાગમાં કામ કર્યું. તેઓ તત્કાલીન PM ઇન્દિરા ગાંધીમાં વિશ્વાસપાત્ર વ્યક્તિ હતા. ૧૯૭૫ તેમજ ૧૯૮૧માં બે વખત રાજ્યસભાના સભ્ય રહ્યા. ખાસ કરીને ૧૯૭૭માં લોકસભાની ચૂંટણી આવતાં ગુજરાત નિરીક્ષક તરીકે કાશ્મીરના નેતા મીર કાસીમ હતા. નિરીક્ષક તરીકે આવતાં ભરૂચ લોકસભા માટે ઈબ્રાહીમ મતાદારનું નામ પસંદ થયું. નામો ફાઈનલ સુધી ઈબ્રાહીમ મતાદારનું નામ જીપીસીસીના સેક્રેટરી પ્રબોધ રાવલે આગેવાનોને એ સમયે જણાવ્યું હતું કે આ નામ એક નેતા (હરિસિંહ મહિડા)ને પૂછ્યા વિના ફાઈનલ કરવામાં આવ્યું હતું. પણ આદિવાસી પટ્ટીમાં હરિસિંહ મહિડાનો ડંકો વાગતો હતો. જેથી તેઓ અકળાયા અને હરિસિંહે ગાઢ સંબંધ ધરાવતા માધવસિંહ સોલંકીનો સંપર્ક કરી ખાનગીમાં અહેમદ પટેલનું નામ આપ્યું હતું. માધવસિંહ બીજા દિવસે દિલ્હી પહોંચ્યા. અને ઈબ્રાહીમ મતાદારની ટિકિટ કપાવીને તેમની જગ્યાએ અહેમદ પટેલનું નામ આવતાં રાજકીય પ્રવેશ કરાવ્યો. દિગ્ગજ અહેમદ પટેલ જીવનપર્યંત રાજકીય ગુરુ તરીકે હરિસિંહ મહિડાનું નામ અચૂક આપતા. દેશાડમાં દિવ્યધામ દેશાડ મંદિર માટે તત્કાલીન મુખ્યમંત્રી સ્વ.માધવસિંહ સોલંકીને દેશાડની ધરતી પર લાવ્યા હતા. આ સાથે અનેક મહાપુરુષો દેશાડ ખાતે આવ્યા હતા. હરિસિંહ મહિડામાં વાગરા વિધાનસભામાં ૧૯૮૫થી ૧૯૯૦ ધારાસભ્ય રહીને રાજ્યના મહેસૂલ-પંચાયત કેબિનેટ મંત્રી રહ્યા. એ સમયે ગુજરાતમાં અભૂતપૂર્વ દુષ્કાળ પીડિત પ્રજાની સંવેદનાથી પ્રેમ સંપાદન કર્યો. ૧૯૮૯થી ૧૯૯૦ ગુજરાતમાં ઉદ્યોગમંત્રી તરીકે કામ કરવાનો મોકો મળતાં એક તબક્કે વાલિયા વિભાગમાં ઉદ્યોગો ધમધમતા થાય અને સ્થાનિક લોકોને રોજગારી મળે.
ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની સ્થાપનામાં હરિસિંહનો અમૂલ્ય ફાળો
હરિસિંહ નાનામાં ખૂબી એ હતી કે દરેક ક્ષેત્રના લોકો પર ધ્યાન આપતા હતા. એ સમયે ખેડૂતોને જીવનનિર્વાહ માટે કફોડી દશા હતી. એ માટે વાલિયા તાલુકાના વટારિયા ગામે પહેલી વહેલી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ઊભી કરીને ખેડૂતો અને ખેતમજૂરો માટે તારણહાર બન્યા. જો કે, હરિસિંહ નાનાએ તેમની રાજકીય કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, યુ.કે., યુ.એસ.એ., સિંગાપોર અને કેનેડાનો પ્રવાસ કરી દુનિયામાં લોકજીવન જાણવા માટે પ્રયાસ કર્યો. હરિસિંહ નાના શૈક્ષણિક સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ઊંડો રસ હતો. તેમને મૂળ એક અભિનેતામાંથી નેતા બનવાનો બહોળો અનુભવ હતો. તેમના બે દીકરામાં મહેન્દ્રસિંહ મહિડા એ સુરત શહેરમાં મોટું ગજું ધરાવે છે.
સ્વ.મોહનસિંહ રણાનું નામ અગ્રેસર
દેશાડ ગામમાં સ્વ.મોહનસિંહ રામસિંહ રણા એ રાજપીપળા સ્ટેટમાં સર્કલ ઇન્સ્પેક્ટર હતા. મોહનસિંહ એ ન્યાયપ્રિય અને બુદ્ધિક્ષશાળી હતા. દેશાડની બાજુમાં આવેલું મૂળ ઉમરગામ એ વાંસદા સ્ટેટના ભાયાતો હતા. ઉમરગામને ગરાસ આપવામાં આવ્યું હતું. આ પરિવારમાં ભાગ વહેંચવા માટે ન્યાયપ્રિય અને તજજ્ઞ જોઈએ, એમાં મોહનસિંહ રણાએ ભાગ પાડ્યો હતો. જો કે, સ્વ.મોહનસિંહ રણાના પરિવારમાં બે પૌત્રો (સગાભાઈ) ધર્મેન્દ્રસિંહ રણા અને વિરેન્દ્રસિંહ રણા ગૌરવસમાન ન્યાયાધીશ બન્યા છે. તેઓએ પરિવારમાં દાદાના ન્યાય આપવાની રીતને પણ જાળવી છે. આજે બંને ન્યાયાધીશ બેનમૂન ન્યાય આપી રહ્યા છે. સાથે આજ પરિવારના માંડવી એમબીએ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સિધ્ધરાજસિંહ વિજયસિંહ રણાએ હાલમાં ‘A STUDY ON CORPORATE GOVERNANCE PRACTICES IN INDIA WITH SPECIAL REFERENCE TO CO-OPERATIVE BANKS IN SOUTH GUJARAT RECION’ વિષય ઉપર સંશોધન અહેવાલ તૈયાર કરીને વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં રજૂ કરીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે.
સહકારી ક્ષેત્રે મોખરે દેશાડના પ્રભાતસિંહ મહિડા
દેશાડ ગામે ભગુબાવાના પરિવારમાં ૧૯૧૩માં પ્રભાતસિંહ જન્મ થયો હતો. તેમણે બાળપણમાં ૧૯૨૭માં ગુજરાતીમાં સાતમું અને અંગ્રેજીમાં બીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. પ્રભાતસિંહના મનમાં આગળ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા છતાં સંજોગોએ બળ ન આપતાં આખરે અભ્યાસ છોડવાનો વારો આવ્યો. માત્ર ૧૫ વર્ષની ઉંમરે જ પ્રભાતસિંહ ગુજરાતી શાળામાં માત્ર ૧૩ રૂપિયાના પગારથી આસિસ્ટન્ટ શિક્ષક તરીકે જોડાયા. પરંતુ નસીબે ઝાઝી યારી ન આપતાં માત્ર બાર મહિનામાં નોકરી છોડી પિતાજીનો પરંપરાગત ખેતી વ્યવસાય સ્વીકારી લીધો. ખેતી કરતાં પણ ક્યાંક નોકરીનું આકર્ષણ જાણે યાદ કરતું હોય એમ અહેસાસ થતો.
૧૯૩૪માં પ્રભાતસિંહે ખૂબ નાની ઉંમરે પિતાજીના વહાલની છત્રછાયા સદાયે ગુમાવી દીધો. પરિવારમાં ત્રણ ભાઈઓ, બે બહેનો અને માતા સહિત પરિવારની જવાબદારી સૌથી મોટા પ્રભાતસિંહ મહિડાના શિરે આવી. નાનકડા ભાઈઓ અને પરિવારની જવાબદારી સુપેરે પાર પાડવા માટે નોકરી કર્યા વગર છૂટકો ન હતો. તલાટીની નોકરીમાં પગાર સારો હોવા છતાં પરિવારથી દૂર રહેવાનો અઘરું લાગતાં નોકરીને તિલાંજલિ આપી દીધી હતી અને પરિવારના સહવાસમાં જીનની નોકરી સ્વીકારી હતી. પોતાના નાના ભાઈ હરિસિંહને અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે એ માટે પ્રભાતસિંહે સઘળી જવાબદારી લીધી.
૧૯૩૭માં શેઠ લાલજી નારણજી કંપની જીનમાં નેત્રંગ અને કોસંબામાં નોકરી કરી. જો કે, વાલિયા તાલુકાના ખેડૂતો સહકારી ધોરણે કપાસનું કામ કરવાનું વિચારતા હતા. આમ, પ્રભાતસિંહને સહકારી જીનિંગ-પ્રેસિંગમાં બહોળો પ્રભાવ વધતાં વાલિયા તાલુકામાં ખેડૂતો શોષણમાંથી મુક્ત કરવા સહકારી પ્રવૃત્તિ સાદ દેતું હોય એલ લાગતું હતું. ૧૯૪૭ના વર્ષમાં હરિસિંહ મહિડા બી.એ.એલ.એલ.બી. થઇ જતાં પ્રભાતસિંહે આખરે કોસંબાની નોકરીને તિલાંજલિ દીધી. એ અરસામાં રાજપીપળામાં લોકલ બોર્ડની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ચુંટાઇ આવી સહકારી પ્રવૃત્તિ દ્વારા પ્રજા કલ્યાણ હૈયે વસી ગયા.
૧૯૪૮માં રાજપીપળા રજવાડું લોકશાહીમાં વિલીન થતાં ભરૂચ જિલ્લામાં સહકારી કાયદો પણ લાગુ પડ્યો. જેને કારણે વાલિયામાં સહકારી ધોરણે બે સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. દિવસે દિવસે સહકારી સંસ્થા કામ કરતા ખેડૂતોને આર્થિક ફાયદો થયો. સહકારી પ્રવૃત્તિ ગામડાંથી લઈ તાલુકા જિલ્લા સુધી સંકળાયેલી છે.
દેશની આઝાદી બાદ સ્થાનિક કર્મઠ સહકારી આગેવાનોને વાલિયા જીન ઊભી કરવાનો વિચાર આવ્યો. આઝાદી પહેલા અગાઉ તો શેઠ લાલજી નારણજી કંપનીની જીનિંગ ફેક્ટરી વેચાણે લેવાની વાટાઘાટો કરી તેનો સોદો ૧૯૫૧માં (અક્ષય તૃતીયા)ના દિવસે મુંબઈ ઓફિસે કર્યો હતો. તા.૯-૧૧-૧૯૫૧ના રોજ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી અસ્તિત્વમાં આવી. આધુનિક સુખ-સગવડવાળા ૨૨ ચરખાથી તા.૧૭-૨-૧૯૫૨માં કસાયેલા અનોપસિંહ વિરમસિંહ કોસાડાના હસ્તે એ વખતના રાજપીપળા વિભાગના રત્નસિંહ મહિડાની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
રજવાડા વખતની ૧૩૧ વર્ષ જૂની, પણ હવે સ્માર્ટ ક્લાસ રૂમ ધરાવતી દેશાડ પ્રાથમિક શાળા
દેશાડ ગામે રજવાડા વખતની ૧૩૧ વર્ષની જીવંત પ્રાથમિક શાળા થકી હમણા સુધી દળદાર અને પ્રખર રાજકીય ક્ષેત્રે, સહકારી, આધ્યાત્મિક, ન્યાયપ્રિય અને અભ્યાસમાં શિરમોરવાળા વિશિષ્ટ વ્યક્તિઓ મળ્યા. જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનાર સ્વ.હરિસિંહ મહિડાની ૧૯૯૯માં પ્રતિમા મૂકવામાં આવી હતી. દેશાડ ગામની એ તાકાત છે કે ધૂળના નાનકડા રજકણમાંથી ઉચ્ચ કોટીનો હીરો પણ બનાવી દે. સમયાંતરે પ્રાથમિક શાળા ૧થી ૮ ધોરણ વધતાં દોઢ એકરમાં નવી જગ્યાએ પ્રાથમિક શાળા લઇ જવી પડી. આજે આ પ્રાથમિક શાળામાં ૨૪૧ વિદ્યાર્થી છે. ધો-૭ અને ૮માં સ્માર્ટ ક્લાસ ચલાવીને અનેક અન્ય પ્રવૃત્તિઓ થાય છે. આ શાળામાં ઔષધી ગાર્ડન બનાવાયું છે, જેમાં માનવીય ઉપયોગી વૃક્ષો રોપાયાં છે. શાળાના આચાર્ય ઉપેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ વાંસદિયા કહે છે કે, અમારી શાળાના સ્ટાફ ગણ દ્વારા કોરોના વખતે શેરીમાં પણ શિક્ષણ આપવામાં આવ્યું હતું. સાથે યોગ્ય શિક્ષણ થકી બાળકોની યોગ્ય માવજત થાય એ દિશામાં કામ કરીએ છીએ.
દેશાડ ગામ એ અમારા માટે અહોભાગ્ય કહેવાય: મહેન્દ્રસિંહ કરમરીયા
દેશાડના મહેન્દ્રસિંહ રત્નસિંહ કરમરીયા આજે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ છે. ૧૮ વર્ષની ઉંમરે ખેતીમાં કામે લાગ્યા બાદ મનોમન જીવનમાં કઈંક કરવું હોય તો ખેડૂતોના હિત માટે બિનરાજકીય રીતે કામે લાગવું એમ ધારી લીધું હતું. એ સમયે ૮૦ ટકા લોકો ખેડૂત સમાજમાં સંકળાયેલા મોભીઓ સંપર્કમાં આવતાં ખેડૂત સક્રિય થઇ ગયા. રાષ્ટ્રીય ખેડૂત નેતા સ્વ.શરદ જોષીના નેતૃત્વમાં ખભેખભા મિલાવીને ખેડૂતલક્ષી ના-કર આંદોલન અને દેવા નાબૂદીની લડત માટે મંડાણ કર્યાં. ૧૯૮૫માં ના-કર આંદોલનથી વેરો ભરવાનું બંધ કરતાં તેની અસર થઇ હતી. ત્યારબાદ દેવા નાબૂદી આંદોલન તત્કાલીન વડાપ્રધાન સ્વ.વી.પી.સિંઘ અને કૃષિમંત્રી સ્વ.દેવીલાલે દસ હજાર દેવું નાબૂદ કરતાં આંશિક સફળતા મળી હતી. તેઓ તાલુકાની સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. પીઢ ખેડૂત અગ્રણી મહેન્દ્રસિંહ કરમરીયા કહે છે કે, દેશાડ ગામ એ અમારા માટે અહોભાગ્ય કહેવાય. આખું ગામ તમામ સમાજ વચ્ચે એકતા રાખીને આગળ વધે એ મહત્ત્વનું પાસુ છે.
સ્વ.અંબુભાઈ મહિડા વહીવટમાં કુશળ હતા
સ્વ.અમરસિંહ હમીરસિંહ મહિડા ઉર્ફે અંબુભાઈનાં ૭૦ વર્ષના જીવનકાળમાં શૈક્ષણિક, સહકારી અને રાજકીય અનેક રીતે જોડાયેલા હતા. તેમનો જન્મ તા.૨૫ જૂન-૧૯૪૪ના રોજ દેશાડ ગામે થયા બાદ યુવાનીમાં રાજપીપળા અને વિદ્યાનગરમાં BA, CPAD, DPADનો અભ્યાસ કરીને ૨૧ વર્ષ વાલિયા શ્રી રંગનવચેતન વિદ્યામંદિરમાં શિક્ષક તરીકે નોકરી કરી. નોકરી દરમિયાન જાહેર જીવનના અંશ હોવાથી વાલિયા તાલુકા પંચાયતમાં સભ્ય તરીકે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરીને વિજેતા થતાં ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ૪૦ વર્ષ મહામંત્રી તરીકે અને તાલુકા કક્ષાએ સહકારી તમામ સંસ્થામાં આગવું સ્થાન હતું. ભરૂચ જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં પ્રમુખ તરીકે, ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ બેંકમાં ડિરેક્ટર, દૂધધારા ડેરીમાં ડિરેક્ટર, દિવ્યધામ દેશાડ મંદિરમાં ટ્રસ્ટી, અને ગણેશ સુગર ફેક્ટરીમાં ૬ વર્ષ પ્રમુખ પદે રહ્યા હતા. તેમનામાં વહીવટી કુશળતા અને સચોટ વાત કરવાની ત્રેવડ હતી. જો કે, તા.૯ જાન્યુઆરી-૨૦૧૪ના રોજ તેમનું અવસાન થયું હતું.
પહેલા MBBS ડિગ્રી ધારણ કરનાર ડો.વનરાજસિંહ મહિડા
દેશાડ ગામમાં તબીબી લાઈનમાં પહેલા MBBS ડિગ્રી ધારણ કરી હોય તો ડો.વનરાજસિંહ અમરસિંહ મહિડા હતા. ૫૪ વર્ષીય ડો.વનરાજસિંહ મહિડા પોતે પ્રાથમિક શિક્ષણ દેશાડ ગામે લઈ માધ્યમિક શિક્ષણ વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યાલયમાં લીધું હતું. ધો-૧૧ અને ૧૨ એ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરીને બોર્ડમાં અગ્રેસર માર્ક્સ લાવ્યા હતા. શિક્ષણ સાથે અનેક પ્રવૃત્તિમાં પણ ખડેપગે હતા. પરિણામ સારું આવતાં અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કર્યો. સાથે અભ્યાસ સાથે ચેરિટી ફંડ રેઝિન બે વખત પ્રોગ્રામમાં પણ આગળ પડતા રહ્યા હતા. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં MD થયા બાદ પ્રોફેસર માટે લગભગ ટૂંકા સમયમાં કામ કર્યું. ૧૯૯૭થી આખરે ભરૂચમાં પરિશ્રમ લેબ શરૂ કરીને આજપર્યંત ચાલે છે.
તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. અને તબીબી એસોસિએશન અનેક રીતે સંકળાયેલા છે. ૨૦૦૦ની સાલથી રોટરી ક્લબ સાથે જોડાઈને ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ બેલ્ટમાં ૨૦ જગ્યાએ R.O. પ્લાન્ટ અને ૩૦ સ્કૂલમાં બેન્ચિસ આપી હતી. તેમજ ડેડિયાપાડાના સો ટકા આદિવાસી વિસ્તારમાં ૨૦૧૧ની સાલમાં મેગા મેડિકલ કેમ્પમાં ૧૧૦ ડોક્ટર દ્વારા ૫૦૦૦ દર્દીનો લાભ આપ્યો, જેમાં ૭૦૦ દર્દીઓનાં ફ્રીમાં ઓપરેશન કરાવ્યાં. સાથે રાજપૂત સમાજ, વાલિયા નવચેતન એજ્યુકેશન સોસાયટીમાં ટ્રસ્ટી, આધ્યાત્મિક રીતે પણ જોડાયેલા રહ્યા છે. આજે પણ ૫૦૦ જેટલાં જરૂરિયાતમંદ બાળકોને નોટબુક વિતરણ, શૈક્ષણિક સાધનો આપવામાં આવે છે. તેઓ ટ્રસ્ટી તરીકે જોડાયા બાદ હમણા સુધી રંગ નવચેતન વિદ્યાલયમાં ૬ MBBS, ૬ ડેન્ટલ, ૧૨ ફાર્મસી અને ૧૫ BSC નર્સિંગમાં બાળકો અભ્યાસમાં ગયાં છે. ડો.વનરાજસિંહ મહિડા કહે છે કે દરેક ભલે વ્યવસાય માટે શહેરોમાં જતા હોઈએ. તો પણ તેમની સ્મૃતિપટલ પર ગામડું યાદ આવે. દેશાડ ગામમાં અમારા પરિવારમાં વડવાઓ હંમેશાં લોકો માટે કામ કરવાની ખેવનાથી એ જ સંસ્કારો અમારામાં પડ્યાં છે.
ડિપ્લોમા સિવિલ થયેલા કૃષ્ણકુમાર મહિડા સહકારી ક્ષેત્રે મોટું નામ
ડો.વનરાજસિંહ મહિડાના લઘુબંધુ કૃષ્ણકુમાર અમરસિંહ મહિડાએ ભલે અભ્યાસ ડિપ્લોમા સિવિલનો કર્યો હોય તો પણ ખેતીમાં જોતરાઈ ગયા. પરિવારમાં પિતાજીના અવસાન બાદ ૨૦૧૫થી પરિશ્રમ ખેડૂત સેવા સહકારી મંડળીમાં અંદાજે ૫ કરોડનું ટર્નઓવર કરે છે. સાથે તાલુકાની સહકારી મંડળીમાં જોડાયેલા છે.
પ્રોટેક્શન વોલની કામગીરીને અગ્રીમતા આપીશું: લક્ષ્મીબેન વસાવા
દેશાડ ગામનાં મહિલા સરપંચ લક્ષ્મીબેન વિનોદભાઈ વસાવા આ વખતે બીજીવાર ચુંટાયાં છે. પહેલા ૧૯૮૪માં સરપંચ પદે ચુંટાઈ આવ્યા બાદ આખા ગામને પૂરતું પાણી મળે એ માટે પહેલા ૨૦ ટકાના ખર્ચે ઊંચી ટાંકી બનાવી હતી. ત્યારબાદ ૨૦૧૨માં સભ્ય તરીકે ચુંટાયાં હતાં. મૂળ લક્ષ્મીબેન આશાવર્કર તરીકે ૨૦૦૭થી જવાબદારી નિભાવે છે. મહિલા સરપંચ લક્ષ્મીબેન વસાવા કહે છે કે ગામમાં હજુ પ્રોટેક્શન વોલ અને બાકી રહેલું કામ કરવા માટે અમારી અગ્રીમતા હશે.
પ્રખર રામાયણી અને લોકશિક્ષક પૂ.મોરારિબાપુના હસ્તે વિક્રમસિંહ વશી શ્રેષ્ઠ શિક્ષકથી સન્માનિત
માદરે વતન દેશાડ પ્રાથમિક શાળામાં ૨૬ વર્ષ સુધી કોઈ કલ્ચરલ પ્રોગ્રામ થાય તો મદદનીશ શિક્ષક વિક્રમસિંહ વશી અડીખમ હોય. ગરવા ગુજરાતનાં લોકગીત, ગરબા અને ભજનના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઢોલક વગાડવા જાતે જ બેસી જાય. શિક્ષણ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિક્રમસિંહ વશીનો હાથ બેસી જાય. રીટાયર્ડ શિક્ષક ૬૧ વર્ષીય વિક્રમસિંહ જસવંતસિંહ વશીનું વતન દેશાડ ગામ. અભ્યાસ પીટીસી સહિત સંગીત ક્ષેત્રનો હતો. ત્યારબાદ તા-૧લી સપ્ટેમ્બર-૧૯૭૯ના રોજ કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત (સમગ્ર ગુજરાતની પ્રથમ) તત્કાલીન વાલિયા તાલુકામાં આવેલી આશ્રમશાળા ચાસવડમાં દોઢ વર્ષ સુધી શિક્ષક તરીકે કામ કર્યું. આશ્રમશાળા હોવાથી બુનિયાદી પ્રાર્થના, ખાદી, ખેતીમાં શ્રમદાન, સ્વચ્છતા, સમૂહજીવનના પાઠો જેવી બાબતો તેઓ શીખ્યા અને બાળકોને શીખડાવ્યા. બાદ ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં ગુંદિયામાં શિક્ષક જોડાયા બાદ ૧૯૯૩માં માદરે વતન દેશાડ ગામે બદલી થતાં પોતાનું ગામ હોય ત્યારે હરખ અલગ જ હોય. સાડા છવ્વીસ વર્ષ સુધી દેશાડ પ્રાથમિક શાળામાં બાળકોના શિક્ષણ કાર્યને સહેજે પણ નુકસાન કર્યા વિના સતત પ્રવૃત્ત રહ્યા. વિક્રમસિંહે પોતે આજુબાજુની વિદ્યાલયોમાં મોટિવેશન સ્પીચ આપવાનું કામ કર્યું. તેમજ સાહિત્ય લેખનનો અલગ શોખ હોવાથી ગુજરાતી માધ્યમમાં “બાલસૃષ્ટિ” અને “જીવન શિક્ષણ”માં નાના લેખો છપાયા.
જો કે વિક્રમસિંહ વશી માટે વિશેષ સન્માન જાન્યુ-૨૦૦૪માં પ્રખર રામાયણી અને લોકશિક્ષક પ.પૂ.મોરારિબાપુના હસ્તે તલગાજરડા ખાતે રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે ચિત્રકૂટ એવોર્ડ તરીકે થયું હતું. ચિત્રકૂટ એવોર્ડ મળ્યા બાદ “મારી શિક્ષણગાથા” ચિત્રકૂટ એવોર્ડ બાદ શિક્ષકોનો અનુભવ આધારિત નોંધનો લેખ રાઘવજી માધડ સંપાદિત પુસ્તકમાં છપાયો. તેમજ શિક્ષક જ્યોત મેગેઝિનમાં તત્કાલીન આચાર્ય ગેમલસિંહ વાંસદિયાએ વિક્રમસિંહ વશી ઉપર “શિક્ષક બને છે સર્જક” લેખ છપાયો હતો. વિક્રમસિંહ વશીએ જણાવ્યું હતું કે, નવી પેઢીને યોગ્ય શિક્ષણ સાથે અધર એક્ટિવિટી તૈયાર કરાઈ છે. શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પણ બાળકોને મળે એ મારો હેતુ હતો.
સહકારી ક્ષેત્રે ધર્મેન્દ્રસિંહ મહિડા સતત સક્રિય
૭૨ વર્ષીય અગ્રણી ધર્મેન્દ્રસિંહ હરિસિંહ મહિડા છેલ્લાં ૨૭ વર્ષથી સહકારી ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે. ગણેશ સુગર ફેક્ટરીમાં ત્રણ વખત ડિરેક્ટર પદે રહ્યા છે. મૂળ તો તાલુકાની રુદ્રપુરી કો.ઓ,મંડળીમાં ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. મહાવીર કો.ઓ. ક્રેડિટ સોસાયટીમાં ડિરેક્ટર પદે સંકળાયેલા છે. શૈક્ષણિક સંસ્થામાં રંગ નવચેતન સોસાયટીમાં ઉપપ્રમુખ અને સહકારી પ્રવૃત્તિ સાથે આજે પણ અવિરત કામગીરી કરી રહ્યા છે.
ગૂંચવાયેલા કામ માટે લોકો બળવંતસિંહ માંગરોલાને યાદ કરે
આજે પણ કોઈ સમસ્યા હોય તો તેના સમાધાન માટે દેશાડ ગ્રામજનોના મોઢામાં એક શબ્દો નીકળે “સાહેબ”ને બોલાવો તો ઉકેલ આવી જશે. સાહેબ એટલે રીટાયર્ડ શિક્ષક ૬૯ વર્ષીય બળવંતસિંહ નાથુસિંહ માંગરોલા. બળવંતસિંહ માંગરોલા રીટાયર્ડ થયા બાદ ૨૦૧૨થી દેશાડ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રહ્યા હતા. તેમજ ૨૦૧૧થી કરજણ સિંચાઈ આધારિત પરિશ્રમ પિયત મંડળીમાં પ્રમુખ પદે કામ કરી રહ્યા છે. તેમના વખતમાં લોકફાળો ભરી ૮ લાખનો પાણીનો સમ્પ બનાવ્યો છે.