શિવભક્તોનો પ્રિય શ્રાવણ માસ ગત શુક્રવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે. શ્રાવણ માસ દરમ્યાન આખો મહિનો ઉપવાસ-એકટાણાં અને રોજ શિવપૂજા કરવાવાળા ભાવિકોનો એક મોટો વર્ગ છે. ધંધા-રોજગાર અને નોકરી કરતા શિવભક્તો સમયની પ્રતિકૂળતા હોય રોજ શિવપૂજા નથી કરી શકતા તેઓ દર સોમવારે શિવમંદિરોમાં જઈ શ્રધ્ધા અને આસ્થા મુજબ શિવપૂજન કરતા હોય છે. આજે અને પ્રત્યેક શ્રાવણના સોમવારે શિવમંદિરોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળશે. શ્રાવણ માસમાં વિશેષ પ્રકારે શિવભક્તોમાં એક કાવડયાત્રાનો મહિમા છે.
જો કે આ પ્રણાલી ગુજરાતમાં જોવા નથી મળતી પણ ગુજરાતમાં વસેલા ઉત્તર ભારતના રાજ્યોનાં લોકો દ્વારા યોજાતી કાવડયાત્રા સુરત, વડોદરા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં જોવા મળે છે. શું છે આ કાવડયાત્રા ?! કાવડિયાઓની કાવડયાત્રા ગુજરાતીઓને ભાગ્યે જ જોવા મળતી હોય છે. આ કાવડયાત્રા પરંપરાને થોડી નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઉત્તરી રાજ્યો અને ગુજરાતી પંચાગ વચ્ચે લગભગ પંદર દિવસનો તફાવત જોવા મળે છે. UP, બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તરાંચલ, ઝારખંડ અને દિલ્હી-હરિયાણા જેવાં રાજ્યોમાં સંક્રાંતિ અને પૂર્ણિમાની તિથિઓની ગણના મુજબ મહિનાઓ બદલાય છે જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ જેવા રાજ્યોમાં અમાસ પછીની પ્રતિપદાથી નવા માસનો પ્રારંભ થતો હોય છે એટલે કે રક્ષાબંધનના પર્વ સમયે ઉત્તરી રાજ્યોનો શ્રાવણમાસ સમાપ્ત થઈ જાય છે અને ભાદ્રપદ ચાલુ થઈ જાય છે.
ઉત્તરી રાજ્યોમાં ગત તા. 14 જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. કાવડિયાઓની કાવડયાત્રા પણ શરૂ થઈને ગયા મંગળવારે તા. 26મીએ પૂર્ણ પણ થઈ ગઈ. ઉત્તરી રાજ્યોમાં શિવભક્તો માટે કાવડયાત્રા એક મહોત્સવ સમાન છે. ખૂબ જ આસ્થાપૂર્વક શણગારેલા વાંસની બંને બાજુ લટકાવેલ તાંબાની કે માટીની માટલીઓ પવિત્ર નદીઓનું જળ ભરીને શિવાલય સુધી ચાલતા પહોંચાડી શિવલિંગ પર અભિષેક કરવા સુધીની પ્રક્રિયાને કાવડયાત્રા કહે છે અને શિવભક્તોને કાવડિયા કહે છે. હજારોની સંખ્યામાં અલગ અલગ સમૂહમાં જોડાતા શિવભક્તોની હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથેની કાવડયાત્રા શિવાલયો પર પૂર્ણ થતી હોય છે.
કોરોના કાળને કારણે બે વર્ષથી સ્થગિત કરાયેલી કાવડયાત્રા આ વર્ષે ખૂબ હોંશભેર નીકળેલી. શિવજીની કૃપાને પામવા શિવભક્તો કાવડિયા બનીને કાવડયાત્રામાં જોડાતા હોય છે. કાવડયાત્રા એક પવિત્ર અનુષ્ઠાન સમાન છે જેમાં કર્મકાંડ અને પૂજનઅર્ચનની જટિલ વિધિ-વિધાનને બદલે આસ્થા અને ભાવનાને પ્રાધાન્ય અપાયું છે. એક લોટી જળથી પ્રસન્ન થતાં દેવાધિદેવ મહાદેવને પવિત્ર જળસ્ત્રોતથી જળપાત્ર ભરી શિવાલય સુધી પહોંચાડવા કાવડિયાઓનો આ અનોખો ભક્તિ મહોત્સવ છે. પ્રાંત મુજબ જ નર્મદાથી મહાકાલ સુધી, ગંગાથી બિહારના બૈજનાથ ધામ સુધી, ગંગાજીથી હરિદ્વારના નીલકંઠ મહાદેવ સુધી, ગોદાવરીથી ત્ર્યંબકેશ્વર સુધી તો ગંગાજીથી કેદારેશ્વર સુધી જળાભિષેક માટે કાવડિયાઓની લાંબી કતારો જોવા મળે છે. હજારો વર્ષથી ચાલતી કાવડયાત્રાની પરંપરા માટે અનેક કથાઓ છે.
કેટલાક વિદ્વાનોનું માનવું છે કે ભગવાન પરશુરામ સહસ્ત્રબાહુના વધ માટે પશ્ચાત્તાપરૂપે શિવજીને પ્રસન્ન કરવા ગઢમુકતેશ્વર પાસે પ્રવાહિત ગંગાજીમાંથી જળ ભરીને પૂરા મહાદેવ મંદિરે જળાભિષેક કરે છે. કાવડ પરંપરા ખરેખર તો ત્રેતાયુગમાં શ્રવણકુમારે ચાલુ કરી હતી એવું વિદ્વાનો અને પંડિતો માને છે. અંધ માતા-પિતાને કાવડમાં બેસાડીને ધર્મયાત્રા કરાવતા હરિદ્વાર પહોંચેલા શ્રવણે માતા-પિતાની ઈચ્છા મુજબ ગંગાજળ ભરેલ પાત્રો સાથે લઈ જઈને રસ્તામાં આવતા શિવલિંગો પર અભિષેક કરેલો. સમુદ્રમંથન સાથે જોડાયેલી એક કથાનુસાર સમુદ્રમંથન દરમ્યાન નીકળેલું હળાહળ વિષ શિવજીએ પી લીધું હતું.
હળાહળ વિષના નકારાત્મક પ્રભાવોથી શિવજીને મુક્ત કરવા કાવડમાં ગંગાજળના પાત્રો ભરી પૂરા મહાદેવ મંદિરમાં જળાભિષેક કરેલો અને એજ પ્રકારની માન્યતાનુસાર હળાહળ વિષ પીધા પછી તેનો પ્રભાવ દૂર કરવા દેવી-દેવતાઓએ અનેક પવિત્ર નદીઓના શીતળ જળ લાવી શિવજીના પ્રતીક શિવલિંગો પર અભિષેક કરેલો. આ પ્રકારની માન્યતાઓેને અનુસરી કાવડિયાઓ પરંપરાગત કાવડયાત્રા દ્વારા શિવ મંદિરોમાં જળાભિષેક કરે છે. કાવડયાત્રા માટે કાવડિયાઓ માટેના પણ કેટલાક નિયમો હોય છે. પવિત્ર નદીઓમાંથી જળ લાવી શિવમંદિરોમાં અભિષેક સુધીની કાવડયાત્રા દરમ્યાન એક સાધુની જેમ વ્યવહાર જરૂરી હોય છે. મતલબ કે ખુલ્લા પગે આ કાવડયાત્રા કરવાની હોય છે. યાત્રા દરમ્યાન માત્ર સાત્ત્વિક ખોરાક જ લેવાનો હોય છે. વાણી-વર્તન પવિત્ર રાખવાનું અને યાત્રા દરમ્યાન કાવડના જળપાત્રો જમીનને સ્પર્શે નહિ તે કાળજી જરૂરી હોય છે. કાવડયાત્રા દરમ્યાન રાતવાસો કરવાનો હોય તો ખાટલા-પલંગનો ઉપયોગ નહિ કરતાં જમીન પર જ સૂવાનું હોય છે.
2 વર્ષના વિરામ બાદ આ વર્ષે યોજાયેલી કાવડયાત્રાને પ્રોત્સાહિત કરવા ઉત્તરી રાજ્યોના મુખ્ય મંત્રીઓએ ખૂબ જ સહયોગ કર્યો છે. વિવિધ સ્થળો પર ચા-પાણી, નાસ્તો અને ભોજનના પ્રબંધ સાથે યાત્રા દરમ્યાન થતા વિધર્મીઓના હુમલા સામે સબળ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી હતી. કેટલીક ધાર્મિક સંસ્થાઓ કાવડયાત્રાના માર્ગો પર પણ ભોજન પ્રબંધ સાથે સેવા કેન્દ્રો ખોલી પુણ્ય કમાવવા સહભાગી બન્યાં હતાં. સુરત ખાતે પણ ઉત્તરી રાજ્યોના સુરતમાં વસેલા હજારો શિવભક્તોએ તાપી મૈયાના જળ લઈ જઈ ઓલપાડના સિધ્ધનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કર્યો હતો. ગત 24મીને રવિવારે ભગવા વસ્ત્રોમાં સજ્જ હજારો કાવડિયાઓને ઓલપાડ-જહાંગીરપુરા રોડ પર હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે જોવાનો એક અદ્દભુત લહાવો હતો.