બીજમાંથી વૃક્ષની જેમ જન્મતા મનુષ્યનું આયુષ્ય શરૂ થઇ જાય છે, જેની મુદ્દત અનિશ્ચિત હોય છે, દરેકના આયુષ્યનો છેડો વિશ્વસર્જકે નિયત કર્યા મુજબ વિસ્તરી રહે છે. એકવીસમી સદીની દુનિયામાં જીવિત લોકોનું આયુષ્ય જાણે સવા તેર અબજ વર્ષને પાર કરી ગયું છે. ઇતિહાસના પાને લખાય કે ખગોળ વિજ્ઞાનની નોંધ દ્વારા જ્ઞાન મળે તે આયુષ્યની પ્રત્યક્ષ ઘટના બનતી નથી. સૃષ્ટિસર્જકે અસંખ્ય, અકલ્પ્ય બ્રહ્માંડો, સૂર્યમાળાઓ સર્જી અનાદિકાળથી ચોક્ક્સ રીતનું સંચાલન કર્યું છે. આજે બ્રહ્માંડનું આપણું દર્શન વધુ વિસ્તૃત અને જીવંત બન્યું છે. બિગબેન્ગની ઘટના પછીનો સવા તેર અબજ વર્ષ બ્રહ્માંડની ઉત્પત્તિનો કાળ માની શકાય, ‘નાસા’ના સ્પેસ ટેલિસ્કોપ, જેનું મૂલ્ય દસ અબજ ડોલર છે, તેણે અત્યંત દૂરથી ઝડપેલી તસવીરમાં અનેક આકાશગંગાઓ ઝળહળતી જોવાય છે, આવું અપૂર્વ ગહન દર્શન મનુષ્યના આયુષ્યનું એક વરદાન છે.
આ તસ્વીર જેને ‘ડીપ ફિલ્ડ દીપોત્સવ’ કહી શકાય, આ નયનરમ્ય તસવીર બ્રહ્માંડના ઇતિહાસના સૌથી જૂના દસ્તાવેજી પ્રકાશ તરીકે પણ ગણી શકાય. ‘નાસા’નું આ સ્પેસ ટેલિસ્કોપ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાના ટાપુ પરથી રવાના થયું હતું, તે પૃથ્વીથી વન પોઇન્ટ સીકસ મિલિયન કિલોમીટરના અંતરે આવેલ તેના લૂક આઉટ પોઇન્ટ પર આ સાલના જાન્યુઆરી માસમાં પહોંચ્યું હતું. આ સિધ્ધિ માનવ ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ ગણી શકાય. અતિ વિશાળ અને અતિ ગહન બ્રહ્માંડનો સંપૂર્ણ તાગ મેળવવો અશકયવત્ છે, આમ છતાં ડીપફિલ્ડ તસવીરના વધુ ગહન દૃશ્યે ખગોળપ્રેમીઓમાં અને આપણી પૃથ્વી, બ્રહ્માંડ, જીવ સૃષ્ટિ વગેરેની ઉત્પત્તિ બાબતોમાં રસ ધરાવનારાઓમાં ભારે ચર્ચા જગાડી છે.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.