અમદાવાદ(Ahmedabad): બોટાદ(Botad)ના બરવાળા(Barwala) અને અમદાવાદના ધંધુકા(Dhandhuka)માં 50થી વધુ લોકોનો ભોગ લેનારા લઠ્ઠાકાંડ(Lathakand)ની તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા રિપોર્ટ(Report) તૈયાર કરી લેવામાં આવ્યો છે અને આજે ગમે ત્યારે રાજ્ય સરકાર(Stat Government)ને સોંપી દેવામાં આવશે. રીપોર્ટમાં પોલીસ અને બૂટલેગરની સાંઠગાંઠ હોવાનો ખુલાસો થયાનો નિર્દેશ છે. લઠ્ઠાકાંડ વિશે આઈજીપી(IGP) સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં ત્રણ આઈપીએસ(IPS) અધિકારીઓની તપાસ ટીમ બનાવવામાં આવી હતી અને ત્રણ દિવસમાં જ રીપોર્ટ સોંપવા કહેવામાં આવ્યું હતું. સુત્રોનાં જણાવ્યા અનુસાર SITના રીપોર્ટમાં પાડોશી રાજયોમાંથી ઘુસતા દારૂને રોકવા વધુ કડક પગલા લેવા તથા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક પોલીસ તથા બૂટલેગરો વચ્ચે સાંઠગાંઠ તોડવા ભલામણ કરવામાં આવી છે.
પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠ
આ ઉપરાંત મિથેનોલ જેવા ઝેરી રસાયણોના વેચાણ અને કારોબાર નિયંત્રિત કરવા પણ સૂચવવામાં આવ્યું છે. લઠ્ઠાકાંડ ઝેરી રસાયણોને કારણે જ સર્જાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે લઠ્ઠાકાંડ ખુલ્લો પડ્યા બાદ દારૂની પોટલીઓ વેચાયા વગરની પડી હતી તેનો લેબ રિપોર્ટ કરાવવામાં આવતા તેમાં 99 ટકા મિથેનોલ હોવાનું બહાર આવ્યું હતું. SITના રીપોર્ટમાં એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે લઠ્ઠાકાંડમાં સસ્પેન્ડ થયેલા એક પોલીસ અધિકારીના કોલ રેકોર્ડની ચકાસણી કરવામાં આવતા તેમાં બૂટલેગર સાથે સંપર્ક હોવાનું બહાર આવ્યું છે. તેના આધારે બૂટલેગરો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠનો સંકેત મળી જાય છે.
બેદરકાર પોલીસ સામે ખાતાકીય તપાસ કરવા ભલામણ
સુત્રોના કહેવા પ્રમાણે લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા તમામ સામે અત્યંત આકરા પગલા લેવાની ભલામણ SIT દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં, બેદરકાર, લાપરવાહ રહેલા પોલીસ સામે પણ ખાતાકીય તપાસ યોજવા અને તેમાં કસૂરવાર સાબિત થવાના સંજોગોમાં તેઓની પોલીસ દળમાંથી હકાલપટ્ટી થવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત 148 લોકોના મોત નિપજાવનાર 2009ના લઠ્ઠાકાંડમાં આઈપીએસ અધિકારી જી.સી. રાયગરે સૂચવેલી ભલામણોનો પણ અમલ કરવા રીપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે. SITના અધિકારીઓ દ્વારા લઠ્ઠાકાંડમાં પકડાયેલા આરોપીઓ ઉપરાંત જેમના કાર્યક્ષેત્રમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે તેવા પોલીસની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
ફેકટરી માલિકો સાથે સાંઠગાંઠની શંકા : SITના રીપોર્ટના આધારે તપાસની શક્યતા
ગુજરાતભરમાં ખળભળાટ સર્જનારા લઠ્ઠાકાંડમાં હવે તપાસનો રેલો નશાબંધી અને આબકારી વિભાગ તરફ આવવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. નશાબંધી વિભાગ દ્વારા જ એવો ગર્ભિત નિર્દેશ કરવામાં આવ્યો છે કે ઝેરી રસાયણો વેચતી કંપનીઓનાં માલિકો સાથે નશાબંધી, અધિકારીઓની સાંઠગાંઠ છે. એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે લઠ્ઠાકાંડ વિશે SIT દ્વારા રીપોર્ટ સોંપવામાં આવે તેના આધારે નશાબાંધી વિભાગના કેટલાક અધિકારીઓ સામે પણ પગલા લેવામાં આવે તેવી શક્યતા છે. લઠ્ઠાકાંડ પાછળ ઝેરી કેમિકલ મિથેનોલનો ઉપયોગ જ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે તે અત્રે ઉલ્લેખનીય છે. પોલીસ દ્વારા જો કે એમ કહેવાયું છે કે સાદા પાણીમાં ઝેરી કેમિકલ ભોળવીને દેશી દારૂ રૂપે વેચી દેવામાં આવ્યો હતો પરંતુ સિનિયર પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે માનવીના મોત માટે જવાબદાર બનતું અને દારૂના સ્વરૂપે વેચાતુ કોઇપણ પ્રવાહી લઠ્ઠો જ હોય છે. દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ લઠ્ઠાકાંડમાં દોષિત લોકો સામે આકરા પગલા લેવાની અને સમગ્ર કેસ ઝડપથી ચલાવવાનું જાહેર કરવામાં આવ્યું છે.