Vadodara

અજબડી મિલ પાસેના દબાણો દૂર કરાયા

વડોદરા : ગુજરાત મિત્ર દ્વારા ગુરુવારના રોજ દબાણ મુદ્દે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમાં આજ રોજ પાલિકાના સ્થાયી અંધ્ય્ક્ષ ડો. હિતેન્દ્ર પટેલ અને દબાણ શાખાની ટીમે શહેરની મધ્યમાં આવેલ અજબડી મિલ પાસેના દબાણો આજ રોજ દુર કરવામાં આવ્યા હતા સાથે વિસ્તારની ગંદકી પણ દુર કરી હતી. અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે જણાવ્યું હતું કે શહેરમાં સલાટવાડા થી નાગરવાડા વિસ્તાર સુધીના વિસ્તારમાં ફૂડની લારીઓ તથા ફોર વ્હીલર અને ટુ વ્હીલર એસેસરીજ વાળાઓએ પાલિકાની જગ્યા પર મસમોટા દબાણો ઉભા કર્યા છે.

તેને પરિણામે તે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ઘણી વકરતી જોવા મળી રહી છે. જયારે આજ રોજ વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી અજબડી મિલ અને તેની ફરતે સ્ક્રેપ સંચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે. લાંબા સમય સુધી વાહનોનો ખડકલો રહેતા ગંદકી સાથે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. સ્થાનિકોની ફરિયાદના પગલે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજે ત્રાટકી વાહનોના દબાણો દૂર કર્યા હતા.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણ રૂપ થતા દબાણો પર પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાં વધી રહેલા દબાણને લીધે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાની દબાણ શાખાની ટીમ આજ રોજ શહેરની મધ્યમાં આવેલ યાકુતપુરા વિસ્તારમાં આવેલ અજબડી મિલના દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં દબાણને લીધે ગંદકીએ પણ મજા મૂકી છે અને શહેરમાં એકબાજુ રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે. અને દર્દીની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. યાકુતપુરાના અજબડી મિલના દબાણો દુર કરતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દુર કરીને પાલિકાની જગ્યાઓ ખુલ્લી કરી હતી. જેથી હવે ટ્રાફિકની સમસ્યા જોવા મળશે નહિ.

હવે જોવું રહ્યું કે વડોદરાની દબાણ શાખાની ટીમ સલાટવાડાથી જ્યુબેલી બાગ સુધીમાં મસ મોટા દબાણો દુકાન ધારકો દ્વારા કરવામાં આવ્યા છે. નાગરવાડાથી જ્યુબેલીબાગ અને જ્યુબેલીબાગથી અડાણીયા પુલ સુધી ફોર વ્હીલર અને ટુ વ્હીલર એસેસરીજ વાળાઓએ પાલિકાની જગ્યા પર દબાણો કર્યા છે અને પાલિકાની જગ્યા પર જાણે પોતાની જમીન હોય તેરીતે જાહેર રોડ રસ્તા પર ગાડીઓ ઉભી રાખીને એસેસરીજની કામગીરી કરતા હોય છે જેથી વાહનચાલકોને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાની ટીમ હવે આ વિસ્તારના દબાણ ક્યારે દુર કરશે તે હવે જોવું રહ્યું.

ટ્રાફિક એસીપી સહિતની ઓફિસ સામે પણ દબાણો
વર્ષોથી જ્યુબેલીબાગથી નાગરવાડા ચાર રસ્તાની વચ્ચે ટ્રાફિકની સમસ્યાઓ ખુબ વકરી રહી છે. તેવામાં આ રોડ રસ્તા પર ત્રણ પોલીસ સ્ટેશનોની ઓફિસો આવેલી છે. જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન અને ટ્રાફિક એસીપી સહિતની ઓફિસો આવેલી છે છતાં પણ ત્યાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર એસેસરીજ વાળાઓએ એટલું મસમોટું દબાણ કર્યું છે કે તે પાલિકાના કોઈ પણ પદાધિકારીઓને દેખાતું નથી વધુમાં અહિયાં તો બે પોલીસ સ્ટેશન અને ટ્રાફિક એસીપીની ઓફીસ પણ આવેલી છે છતાં પણ અહીના દબાણો દુર કરવા માટે પાલિકાના હાથ કેમ ધ્રુજે છે તે ખબર પડતી નથી. જો આ વિસ્તારમાં દબાણો દુર કરવામાં આવે તો શહેરની અડધી ટ્રાફિક સમસ્યા દુર થઇ જાય પણ પાલિકાના સત્તાધીશોને આ વિસ્તારનાં દબાણો કેમ દુર કરતા નથી તે એક પ્રશ્ન શહેરીજનો માટે માથાના દુખાવા સમાન છે.

Most Popular

To Top