ભારતમાં રિઝર્વ બેંકએ બે વખત રેપોરેટ અને રિવર્સ રેપોરેટ વધારવાની ફરજ પડી છે. અમેરિકામાં પણ ફેડરલ બેંકએ રેપોરેટ વધારવાની ફરજ પડી છે. યુક્રેન અને રશિયાના યુદ્ધ પછી આખા દુનિયામાં મંદીના વાદળો ઘેરાયા છે. અમેરિકામાં તો અર્થતંત્ર પણ સંકોચાવાની શરૂઆત થઈ ગઈ છે. તાજેતરમાં દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ પર એક સરવે પણ કરવામાં આવ્યો હતો. આ સરવે પ્રમાણે આખી દુનિયા પર હાલમાં ભયંકર મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. આગામી વર્ષમાં મંદી વધુ ઘેરી બનશે. મંદીને કારણે વધનારી મોંઘવારીને કાબુમાં લેવા માટે અનેક દેશોની કેન્દ્રીય બેંક દ્વારા વ્યાજદર વધારવામાં આવી રહ્યા છે. જેને કારણે હવે ભારતે પણ જાગીને મંદીનો સામનો કરવા માટેના પ્રયાસો શરૂ કરી દેવા જોઈએ.
બ્લૂમબર્ગ દ્વારા આ સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં દુનિયાભરના અર્થશાસ્ત્રીઓએ એવું જણાવ્યું હતું કે, મંદીને કારણે હાલમાં જ ખૂબ નબળી આર્થિક હાલતમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકા માટે આગામી વર્ષ વધુ ખરાબ સાબિત થશે.
શ્રીલંકામાં મંદીનો આંક 85 ટકા સુધી પહોંચે તેવી આશંકા છે. આ જ રીતે ન્યુઝીલેન્ડ, તાઈવાન, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઈન્સમાં પણ મંદીની ભારે અસર થવાની સંભાવના છે. ન્યુઝીલેન્ડમાં 33 ટકા, તાઈવાનમાં 20 ટકા, ઓસ્ટ્રેલિયામાં 20 ટકા તેમજ ફિલિપાઈન્સમાં મંદીનો આંક 8 ટકા સુધી પહોંચે તેવી સંભાવના છે. ચીન પણ મંદીમાં સપડાશે અને તેના ચાન્સ 20 ટકા છે. જોકે, યુરોપ અને અમેરિકાની તુલનામાં એશિયાનું અર્થતંત્ર ફ્લેક્સિબલ હોવાને કારણે એશિયાને એટલી અસર થાય તેવી સંભાવના નથી.
આમ તો, સામાન્ય નિયમ એવો છે કે પૈસો ફરે તો તેજી અને પૈસા ફરતો અટકી જાય તો મંદીનો માહોલ છવાય છે. હાલમાં આખા વિશ્વમાં નાણાંની તરલતા ઘટી જવા પામી છે. મંદીનું મોટું કારણ આ છે. લોકોમાં ભયનો માહોલ છે કે રોકેલા પૈસા પાછા આવશે કે કેમ? આ કારણે લોકો પોતાના નાણાં બેંકોમાં મુકી રહ્યા છે અને તેને કારણે નાણાં ફરતા અટકી ગયા છે. ખાલી ગુજરાતની જ વાત કરવામાં આવે તો ગુજરાતની બેંકોમાં એટલા નાણાં જમા થઈ ગયા છે કે બેંકોમાં રોકડ રાખવા માટે જગ્યા નથી. આરબીઆઈએ વિવિધ બેંકોમાં ફરીને નાણાં મુકવા માટેની વ્યવસ્થાઓ કરવી પડી રહી છે. લોકો ઓનલાઈન નાણાંકીય વહેવાર કરતાં થઈ ગયા છે. જેને કારણે પણ બેંકોમાં નાણાં મોટી સંખ્યામાં જમા થઈ રહ્યા છે.
આમ તો સરવે પ્રમાણે આવતા વર્ષે વૈશ્વિક મંદીમાં પણ ભારતના અર્થતંત્રને એટલો મોટો ફટકો પડે તેવી સંભાવના નથી પરંતુ જે રીતે અર્થશાસ્ત્રીઓ દ્વારા ભય વ્યક્ત કરવામાં આવ્યો છે તે જોતાં ભારત સરકારે તાકીદના ધોરણે મંદીને ખાળવા માટે પગલાઓ લેવાની શરૂઆત કરી દેવી જોઈએ. બેંકોમાં પડેલા નાણાં કેવી રીતે લોકો સુધી પહોંચે તેની ધિરાણ યોજનાઓ પણ સરકારે તૈયાર કરવાની જરૂરીયાત છે. જ્યાં સુધી નાની વ્યક્તિની ખરીદશક્તિ વધશે નહીં ત્યાં સુધી મંદીને અટકાવવી અઘરી થઈ પડશે. ભારત સરકારે રેપોરેટમાં વધારો કરવાની સાથે સાથે બેંકોમાં પડેલા નાણાંનો ઉપયોગ કરીને દેશમાં વધુને વધુ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામોને પ્રોત્સાહન આપવું જોઈએ કે જેથી નાણાંની તરલતા વધે. અત્યાર સુધીની જેટલી પણ વૈશ્વિક મંદીઓ આવી તેમાં ભારત બચી જવા પામ્યું છે. 2008ની મંદીને ભારત સરળતાથી પાર કરી ગયું છે. જો ભારત સરકાર દ્વારા અત્યારથી પગલાઓ લેવાની શરૂઆત કરી દેવામાં આવશે તો જ ભારત આ સૂચિત મંદીને પણ વળોટી શકશે તે નક્કી છે.