બારડોલી: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહારાષ્ટ્રના (Maharashtra) નવાપુરના કુખ્યાત બુટલેગર (Bootlegger) ગોરખ ઉર્ફે પીન્ટુને મુંબઈ (Mumbai) એરપોર્ટ (Airport) પરથી ઝડપી લેતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના પોલીસ અધિકારીઓ અને વહીવટદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રના નવાપુરથી વિદેશી દારૂનો સપ્લાય કરનાર મોસ્ટ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ ગડરી વર્ષ-2017માં ઝડપાયા બાદ જામીન પર છૂટ્યો હતો.
ત્યારબાદ ફરી વિદેશી દારૂનું કાર્ટિંગ શરૂ કરી દીધું હતું. પીન્ટુ વર્ષ-2019થી વોન્ટેડ હતો અને સ્થાનિક પોલીસને હાથે ચઢતો ન હતો. આ બુટલેગરને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. પીન્ટુ ગોવાથી મુંબઈ એરપોર્ટ આવી રહ્યો હોવાની બાતમી મળતા જ પોલીસે તેને મુંબઈ એરપોર્ટ પર આવતા જ દબોચી લીધો હતો. તેની સામે દક્ષિણ ગુજરાતના અલગ અલગ પોલીસમથકમાં અનેક ગુના નોંધાયા છે, ત્યારે હાલ માંડવી પોલીસમથકના દારૂના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. જેના પગલે સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કહેવાય છે કે, દક્ષિણ ગુજરાતના વહીવટીદારો અને અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. નિર્લિપ્ત રાયની તપાસ કઈ દિશામાં રહે એ જોવું રહ્યું.
અંકલેશ્વરમાં દારૂ સાથે બે ઝડપાયા
અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન સ્ટાફને બાતમીદારથી બાતમી મળી હતી કે, અંકલેશ્વરમાં આવેલી મૌર્યા રેસિડન્સી આગળ રોડ પર એક મારુતિ સ્વિફ્ટ કાર નં.(GJ-16-CS-2975) શંકાસ્પદ રીતે મળી આવી હતી. જેની તલાશી લેતાં કિં.રૂ.51,000નો દારૂ તથા બિયર ટીન નંગ-36 કિં.રૂ. 3600 મળી કુલ રૂ.54,600 તથા મારુતિ કાર કિં.રૂ.5,00,000, મોબાઈલ નંગ-3 કિં.રૂ.20,500 મળી કુલ રૂ.5,75,100નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ દિવ્યેશ દિલીપ કાનાણી, મૌલિક મધુ ઊંજિયાની ધરપકડ કરી વોન્ટેડ આરોપી સંદીપ સુધાકરને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
અંકલેશ્વર પ્રતીન ચોકડી નજીક શંકાસ્પદ બાઈક સાથે એક ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વર પ્રતીન ચોકડી નજીક શંકાસ્પદ બાઈક સાથે ઈસમ ઝડપાયો હતો. અંકલેશ્વર શહેર પોલીસની ટીમ અંકલેશ્વર પ્રતીન ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા ભાવેશ ભીખા પરમાર પાસે ચોરીની બાઈક છે. જે આધારે પોલીસે એ ચેકિંગ હાથ ધરાતાં ભાવેશ ભીખા પરમારને પોલીસે ઝડપી પાડ્યો હતો. બાઇક અંગે પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેમજ ગાડીનો નંબર પણ ન હતો. જેના આધારે પોલીસે એન્જિન નંબર અને ચેચિસ નંબર આધારે ગાડીના માલિક કોણ છે તેની તપાસ શરૂ કરી ભાવેશ ભીખા પરમારની અટક કરી હતી તેમજ તેની પાસે રહેલ 30 હજારની બાઇક જપ્ત કરી હતી. અને બાઈક ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો એ અંગે પૂછપરછ શરૂ કરી હતી.