Feature Stories

શ્રાવણનો મહિમા કોઇનો આહાર બને સાત્વિક તો કોઇનો વ્યવહાર ધાર્મિક

શ્રાવણ મહિનો આજથી એટલે 29th જુલાઇથી શરૂ થઇ ગયો છે. ગુજરાતી મહિનાનો દસમો મહિનો જેને માટે એમ કહેવાય છે શિવજીએ વિષની અસર ઓછી થાય તે માટે માથે ચંદ્ર ધારણ કર્યા હતા અને દેવોએ પાણી વરસાવ્યુ હતું. આજ કારણોસર શ્રાવણમાં શિવજીની ભકિતનો મહિમા વધી જાય છે ને ભકતો શિવલીંગ પર પાણી, દૂધ, બરફ વગેરે ઠંડા દ્રવ્યોનો અભિષેક કરે છે. આ મહિનામાં ધાર્મિક પ્રવૃત્તિઓ જેમ કે ઉપવાસ, પૂજા-પાઠ વગેરેનું મહત્વ વધી જાય છે. ઘણાના ઘર – પરિવારમાં ધાર્મિક વાતાવરણ હોય છે અને ઘણી જગ્યાએ નથી પણ હોતું. ઘણા ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા ઇચ્છતા હોવા છતાં બિઝી શિડયુલમાંથી સમય નથી ફાળવી શકતા. ઘણા લોકોના જીવનમાં આ મહિનામાં ઘણા બદલાવો જોવા મળતા હોય છે. આ નિમિત્તે ચાલો આપણે મળીએ એવા સુરતી સેલિબ્રિટિઝને જેઓ શ્રાવણ મહિનો કેવી રીતે ઉજવે છે, શું પ્રવૃત્તિઓ કરે છે, અને એમના ઘરમાં કે અંગત જીવનમાં શું બદલાવ આવે છે એ વિશે જાણીએ…

શ્રાવણ મહિનામાં મટન ખાઇએ છીએ ચીકન નહીં : જીતુભાઇ વખારિયા (અગ્રણી ટેક્સટાઇલ ઉદ્યોગપતિ)
શ્રાવણ મહિનો શરૂ થાય એટલે મોટાભાગના હિન્દુ પરિવારોની રહેણીકરણીમાં કોઇને કોઇ ફેરફાર અવશ્ય આવતો હોય છે. ત્યારે ખત્રી સમાજના અગ્રણી અને સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુભાઇ વખારિયાએ જણાવ્યું હતું કે તેમના પરિવારમાં તેમના સિવાય કોઇ ધાર્મિક નથી. સામાન્ય સંજોગોમાં તેઓ પહેલા રોજ મંદિર જતાં હતા પરંતુ હાલમાં તો ઘરે જ અડધો કલાક કે કલાક પૂજા પાઠ કરી લે છે. શ્રાવણ મહિના અંગે તેમણે જણાવ્યું હતું કે, તેઓ ખત્રી સમાજમાંથી આવે છે અને સમાજની પરંપરાનું પાલન પણ કરે છે. તેઓ ખત્રી હોવાથી નોનવેજિટેરિયન હોય એ સ્વાભાવિક વાત છે. આ મહિના દરમિયાન તેઓ તેમજ તેમના પરિવારના લોકો ચીકન ખાવાનું છોડી દે છે. હા પરંતુ મટન ખાવાનું ચાલું રાખે છે. એટલું જ નહીં જ્યારે શ્રાવણ મહિનાની કાગડી ત્રીજ આવે છે ત્યારે, દાળવાળું મટન અને રોટલા અવશ્ય ખાઇ છે. જો કે આ તેમની કુળદેવીને માનવાની પરંપરા છે. તેમની જેમ જ ખત્રી સમાજના અન્ય લોકો પણ શ્રાવણ મહિના દરમિયાન જુદી જુદી ધાર્મિક પરંપરાનું પાલન કરે છે.

મારા માટે મારું સંગીત જ મારો ધર્મ છે અને તેથી મારે બારેમાસ શ્રાવણ હોય છે :મેહુલ સુરતી (મ્યુઝિક કમ્પોઝર)
મેહુલભાઇ કહે છે કે મારા ઘરમાં શ્રાવણ મહિનામાં વાતાવરણ એકદમ શ્રાવણમયી હોય છે. મારા મમ્મી, મારા વાઇફ દ્વારા શ્રાવણ મહિનો ખૂબ સ્ટ્રીકલી પાળવામાં આવે છે. આમ તો આ મહિનામાં ઉપવાસ કરવાનો ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે કે આ સિઝનમાં રોગચાળો પણ ઘણો ફેલાતો હોય છે અને પાચનશકિત પણ મંદ પડી જાય છે. મારી વાત કરું તો હું વ્યવસાયે મ્યુઝિક કમ્પોઝર છું અને મારે આખો દિવસ ઘરની બહાર રહેતો હોઉં છું એટલે મારા માટે ઉપવાસ કરવું શકય નથી ને હું તો આમ પણ ખાવા-પીવાનો શોખીન હોવાથી ઘરમાં ફરાળી વાનગીઓ બની હોય તે પણ ખાઇ લઉં છું. હું નોન-વેજ પણ ખાઉં છું હું એવું નથી માનતો કે આવા સમયે આ નહીં ખાઇ શકાય પણ શ્રાવણ મહિનામાં ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણોથી ઉપવાસ અને બીજી પ્રવૃત્તિઓને ચોકકસ માન આપું છું. મારા માટે મારુ સંગીત જ મારો પ્રથમ ધર્મ છે. હું ભગવાનમાં ચોકકસ આસ્થા ધરાવું છું પરંતુ હું સારા આચરણમાં માનું છું અને હું મારું સંગીતમાં મારો જીવ પરોવીને એમાં જ મારો જીવ રેડીને આખું વર્ષ કામ કરું છું એટલે મારા માટે બારે માસ શ્રાવણ મહિનો હોય છે.

લોકોએ ઉપવાસનું અપભ્રંશ કરી નાંખ્યું છે : ડો. સમીર ગામી (ચેસ્ટ ફિઝિશ્યન અને એલર્જી સ્પેશ્યાલિસ્ટ)
ડો. સમીરભાઇ કહે છે કે શ્રાવણ મહિનામાં મારી લાઇફમાં ઘણા બદલાવ આવે છે. હું જુનાગઢનો છું જ્યાં શ્રાવણ મહિનાનો અલગ જ મહિમા હોય છે. સ્કૂલોમાં 5 દિવસની રજા હોય. આખાને આખા શહેરો બંધ થઇ જાય. શિવ મંદિરો સજાવવામાં આવે છે. મારા પપ્પા શંકર ભગવાનના ભક્ત હતા, મારી દિકરીનું નામ નંદિની છે અને મારા કિલનિકનું નામ પણ મેં શિવમ રાખ્યું. હું શ્રાવણ મહિનો ઉપવાસ કરીને કરું છું જેમાં હું એક ટાઇમ બધું ખાઉં છું અને બાકીનો સમય બ્લેક કોફી અને ગ્રીન ટી પીને કરું છું. તેઓ સદગુરુના ફોલોવર છે અને કહે છે કે સદગુરૂ પણ આ મહિનામાં થતાં રોગોને ધ્યાનમાં રાખી ફળાહાર કરવાનું કહે છે. સમીરભાઇ કહે છે કે લોકોએ ઉપવાસનું અપભ્રંશ કરી નાખ્યું છે. આ મહિનામાં સાદુ ખાવું જોઇએ એના બદલે લોકો ફરાળમાં પણ વેરાયટી શોધી કાઢે છે. હું જયારે સમય મળે ત્યારે શિવ મંદિર જવાનો પ્રયાસ કરું છું. મારા મમ્મી અને મારા વાઇફ સોમવારે ઉપવાસ કરે છે. મારા બાળકો હવે પછીની પેઢીના હોવાથી એ લોકો આનું મહત્વ નથી સમજતા. હું જુનાગઢ અને ત્યાંનો શ્રાવણ મહિનો ખૂબ યાદ કરું છું.

શ્રાવણ માસમાં શિવરાત્રિના દિવસે અચૂક મંદિરે જઈ શિવની પૂજા કરૂં છું: પૂર્ણેશ મોદી (માર્ગ-મકાન, પ્રવાસન મંત્રી)
રાજ્યના માર્ગ અને મકાન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ શ્રાવણ માસ વિશે જણાવ્યું હતું કે, રાજકારણની વ્યવસ્તતાને કારણે શ્રાવણ માસમાં હું રોજ મંદિર જઈ શકતો નથી પરંતુ હું શિવરાત્રિના દિવસે શિવમંદિરે જઈને પૂજા અવશ્ય કરૂં છું. સાથે સાથે શ્રાવણ માસમાં શક્ય હોય ત્યારે ભગવાન શિવના દર્શન પણ કરૂં છું. હું હંમેશા શુદ્ધ અને સાત્વિક ભોજન જ કરૂં છું. જેથી શ્રાવણમાં પણ મારી લાઈફ સ્ટાઈલમાં ખાસ કોઈ બદલાવ આવતો નથી પરંતુ મારી પત્ની શિવભક્ત છે અને આખા શ્રાવણ માસમાં તે શિવની ભક્તિ કરે છે. વર્ષોથી શ્રાવણ માસમાં પ્રદોષની તે પૂજા કરે છે.

Most Popular

To Top