દાઊદી વોહરા સમાજના મિસરી કેલેન્ડર પ્રમાણે આ વરસે શુક્રવારે નવા વરસ 1444 ની શરૂઆત થશે. દાઊદી વોહરા સમાજમાં નવા વરસની પૂર્વ રાતનું અનેરું આગવું મહત્ત્વ હોય છે. ગુરુવારે રાતે મગરીબ ઈશાની નમાજ પોતાનાં ઘરોમાં અને મસ્જિદોમાં અદા કરશે. નમાજ બાદ પાક પરવરદિગાર પાસે દેશ અને દુનિયામાં એકતા સંપ ભાઈચારો માટે ખાસ દુવા કરશે.દેશ અને દુનિયામાં અમન શાંતિ હંમેશા કાયમ રહે તે માટે દુવા કરશે.દેશ અને દુનિયામાંથી આ મહામારીઓ જલ્દી નાબૂદ થાય તે માટે ખાસ દુવા માંગવામાં આવશે. પોતાના રૂહાની વડા વિશ્વના શાંતિદૂત માનવતાવાદી પરોપકારી ડોક્ટર સૈયદના આલી કદર મુફદલ સેફુદ્દીન સાહેબ ( “ત ઉ.સ.) ના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ખાસ દુવા કરવામાં આવશે. તે પછી નવા વરસનો થાળ ભરવામાં આવશે.સ્પેશ્યલ દિવસ માટે સ્પેશ્યલ ભોજન હોય છે.
તમામ ખારી મીઠી અવનવી ચટપટી વાનગીઓ હોય છે. ડ્રાયફ્રુટ ફ્રૂટ પણ હોય છે, જે યુવકની સગાઈ થઈ હોય એની મંગેતરને આ દિવસે ખાસ ભોજન માટે આમંત્રણ આપવામાં આવે છે. થાળ વધાવવાનો મોકો આપવામાં આવે છે. દરેક દાઊદી વોહરા પરિવારમાં આ દિવસે પરિવારનાં બધાં જ સભ્યો સાથે બેસી ભોજન કરવાની પરંપરા છે. ઘરનાં નાનાં મોટાં તમામ સભ્યો હાજર જ હોય છે. આનંદ મસ્તીભરી વાતચીત સાથે સામુહિક ભોજન લેવામાં આવે છે. ભોજન બાદ તમામ સગાં સંબંધીઓ મિત્રો પરિવારજનો વેપારી મિત્રોને રૂબરૂ અથવા મોબાઇલ પર નવા વરસની મુબારકબાદી પાઠવવામાં આવે છે. શનિવારથી દાઊદી વોહરા સમાજની આખી દુનિયાની ગામેગામ સહેરે સહેરે સમાજની મસ્જિદોમાં કરબલાના અમર 72 શહીદોની શહાદતને અશ્રુભીની આંખે યાદ સતત 9 દિવસ અને રાત યાદ કરવામાં આવશે.
સમાજના તમામ બિરાદરો આખી દુનિયામાં જ્યાં પણ વસતા હોય તે આ પવિત્ર 9 દિવસ પોતાનાં તમામ કામ વેપાર રોજગાર બંધ રાખશે ને માત્ર ને માત્ર ઇમામ હુસેન ( અ.સ.) ની શહાદતને યાદ કરીને ગમ મનાવશે.દુન્યવી તમામ પ્રવૃત્તિઓ 9 દિવસ બંધ રાખશે. આ વરસે સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડોક્ટર આલી કદર મુફદલ સેફુદ્દીન સાહેબ ( ત.ઉ.સ.) લંડનમાં મોહરમની વાએજ ફરમાવશે.આપ સાહેબ લંડનથી તમામ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને સમગ્ર સમાજને માર્ગદર્શન અને દોરવણી આપી રહ્યા છે.
આપ સાહેબની દુવાની બરક્તથી આ વખતે સવારે વાએજ બાદ અને રાતે મજલીસ બાદ તમામ દાઊદી વોહરા પરિવારનાં નાનાં મોટાં તમામ સભ્યો માટે બે ટાઈમના સામુહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામેગામની જમાત કમિટીઓ તનઝીમ કમિટીના સેવાભાવી ખીદમતગુજારો આ સેવા કરવા થનગની રહ્યા છે. આખી દુનિયાનાં તમામ સભ્યો માત્ર ને માત્ર ઇમામ હુસેન ( અ.સ.) ની શહાદતને આ દિવસોમાં યાદ કરી ગમગીન થશે. પાક પરવરદિગાર પાસે એમ દુવા કરીએ કે હમારા રૂહાની રહેબર આકા મૌલા ( ત.ઉ સ.)ની ઉંમર શરીફને કયામતના દિન તક દરાજ અને દરાજ કરે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.