બર્મિંઘમ : ભારતીય મહિલા બોક્સીંગ (Boxing) ટીમના (Team) મુખ્ય કોચ ભાસ્કર ભટ્ટે ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલિસ્ટ લવલીના બોરગોહેનની અંગત કોચ સંધ્યા ગુરુંગ કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં રહી શકે તેના માટે પોતાને ફળવાયેલો રૂમ છોડી દીધો છે. ભાસ્કર ભટ્ટ નજીક જ આવેલી એક હોટલમાં (Hotel) રહેવા ચાલ્યા ગયા છે. સંધ્યા ગેમ્સ વિલેજમાં ભટ્ટને ફળવાયેલા રૂમમાં રોકાઇ છે. ભટ્ટે પીટીઆઇને કહ્યું હતું કે હું અહીં 10 મીનિટના અંતરે આવેલી હોટલમાં ચાલ્યો ગયો છું. આ તરફ 12 બોક્સરો વચ્ચે એકમાત્ર ડોક્ટર કરણજીત ચિબનો કાર્ડ રદ કરી દેવાયો છે અને તેથી તેઓ પણ ગેમ્સ વિલેજમાંથી આઉટ થઇ ગયા છે.
- ભારતીય મહિલા બોક્સીંગ ટીમના નેશનલ કોચ ભાસ્કર ભટ્ટ લવલીનાની કોચ માટે રૂમ ખાલી કરી ગેમ્સ વિલેજથી થોડે દૂર આવેલી હોટલમાં રોકાયા
- ભારતના 12 બોકસરો વચ્ચેના એકમાત્ર ડોક્ટર કરણજીત સિંહ ચિબનો કાર્ડ સંઘ્યા ગુરુંગને કારણે રદ થતાં તેમણે પણ હોટલમાં રોકાવા જવું પડ્યું
તેમણે કહ્યું હતું કે મેં સ્વેચ્છાએ મારો રૂમ સંધ્યાને આપી દીધો, કારણકે આ ઘરની બાબત છે અને સારું એ જ છે કે આ બધી બાબતોને પરસ્પર ઉકેલી લેવામાં આવે. ભટ્ટે ગત વર્ષે જ સીનિયર મહિલા બોક્સીંગ ટીમના મુખ્ય કોચ તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો હતો. તેમને હજુ પણ બધા જ સ્ટેડિયમ અને ગેમ્સ વિલેજમાં જવાની મંજૂરી છે. માત્ર ફેરફાર એટલો જ થયો છે કે તેઓ રાત્રે ગેમ્સ વિલેજમાં રોકાઇ શકશે નહીં. ભટ્ટના માર્ગદર્શનમાં ભારતીય મહિલા બોક્સીંગ ટીમે મેમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીત્યા હતા. ટીમ ડોક્ટરનો એક્રિડિટેશન કાર્ડ બદલીને પી-કોચ કરી દેવાયો છે. તેના કારણે તેઓએ હવે દરરોજ ભારતીય ટુકડીના શેફ ડિ મિશન પાસે સવારે ગેમ્સ વિલેજમાં પ્રવેશવાનો મંજૂરી પત્ર/પાસ મેળવવો પડશે.