જેમ લતા મંગેશકર વિશે પ્રશંસાના નવા શબ્દો ખૂટી પડેલા તેમ અમિતાભ બચ્ચનનું થયું છે. આમ છતાં પણ તેના વિશે કહેવાનું અટકતું નથી. તેઓ હવે 79માં વર્ષ પૂરું કરવામાં છે અને ત્યારે દશથી વધુ ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સીઝન સુધી પહોંચી ગયા છે. આવતા મહિને તો તેઓ ગુજરાતી ફિલ્મ ‘ફકત મહિલાઓ માટે’માં પણ દેખાશે. અમિતાભ સ્ટાર તરીકેની પોતાની કમર્શીઅલ વેલ્યુ બરાબર જાણે છે અને પરદા પર એટલી બધી ઉર્જાથી કામ કરે છે કે તેમના વૃધ્ધત્વને લોકો ભૂલી ગયા છે.
ફિલ્મોમાં સ્ટારડમ કોઇ સરકારી નોકરીના નિવૃત્તિના માપદંડથી ચાલતુ નથી, બસ સ્ટારમાં શકિત હોવી જોઇએ કે પ્રેક્ષકો તેની ઇચ્છા કરતા રહે. અમિતાભથી પ્રેક્ષકો હજુ થાકયા નથી. અમિતાભના સ્ટારડમની આ મોટામાં મોટી જીત છે. તેની ‘બ્રહ્માસ્ત્ર’ સપ્ટેમ્બરમાં તો ‘ગુડબાય’ ડિસેમ્બરમાં રજૂ થશે. અમિતાભ સાથે કામ કરવાની ઇચ્છા દરેક અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શકની હોય છે અને તેમાં સાઉથના દિગ્દર્શકો પણ છે એટલે જ પ્રભાસ હવે અમિતાભ સાથે ‘પ્રોજેક્ટ કે’માં આવશે. અમિતાભની તમે કોઇ પણ ફિલ્મ જુઓ તો મોટી સ્ટારકાસ્ટ જ હોય છે. ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર, આલિયા, નાગાર્જૂન, મૌની રોય તો ‘પ્રોજેકટ કે’માં દિપીકા પાદુકોણ, દિશા પટની પણ કામ કરે છે. ‘ગુડબાય’માં સેન્સેશન બનેલી રશ્મિકા મંદાના છે.
અમિતાભ જે ફિલ્મમાં હોય તેની વેલ્યુ તરત જ મોટી થઇ જાય છે. સાઉથની ફિલ્મો ભલે જોર મારી ગઇ હોય પણ તેની સામે ટક્કર લેનારી સેનામાં સૌથી આગળ અમિતાભ જ છે. સાઉથવાળા હિન્દી ફિલ્મોના બીજા સ્ટાર્સની શરણે વહેલા નથી આવતા પણ અમિતાભને શરણે જાય છે એટલે જ તમિલવનન દિગ્દર્શીત ‘ધ ગ્રેટ મેન’માં રામ્યા ક્રિષ્ના, એસ.જે. સૂર્યા સાથે અમિતાભ છે. સુરજ બડજાત્યાએ આ પહેલાં અમિતાભ સાથે કોઇ ફિલ્મ નથી બનાવી પણ હવે ‘ઊંચાઇ’ બનાવે છે. આવી મહત્વાકાંક્ષી ફિલ્મોની લાઇન લાગી છે.
અમિત શર્મા ‘ધ ઇન્ટર્ન’ના આધારે જે ફિલ્મ બનાવે છે તેમાં પણ અમિતાભ અને દિપીકા પાદુકોણે છે. અત્યારની અભિનેત્રીઓમાં કદાચ દિપીકા સાથે જ અમિતાભની વધુ ફિલ્મ આવે છે. ‘પિકુ’ પછી જાણે જોડી જ બની ગઇ છે. ભલે, તે હીરો-હીરોઇન પ્રકારની ન હોય. અમિતાભને કારણે જો કે નિવૃત કહેવાય તેવી અભિનેત્રીઓ પણ સક્રિય થાય છે. જેમ કે અભિનેતા પ્રાણના દિકરા સુનીલ સિક્રેક્ષ્ની કરિશ્મામાં તે શર્મિલા ટાગોર સાથે દેખાશે. પણ અહીં અન્ય એક ફિલ્મનો ઉલ્લેખ કરવો જોઇએ જે છે ‘વિઝડમ ફોર હીરોઝ’ જે હોલીવુડની ફિલ્મ છે. અમિતાભને હિન્દી ફિલ્મોમાંથી ફૂરસદ નથી હોતી છતાં આ વખતે હોલીવુડની ફિલ્મમાં મોટી ભૂમિકા ભજવે છે.
અમિતાભ જાણે કે અનેક નિર્માતા-દિગ્દર્શકમાં નવા વિષયનું કારણ બને છે. તેમના કારણે પૌઢપાત્રો પણ ફિલ્મના કેન્દ્રિય પાત્ર બનતા થયા છે અને આ તેમના સ્ટારડમનું પ્રદાન ગણાવું જોઇએ. બાકી પૌઢ પાત્રો હોય તે પિતા યા નાના અધિકારી કે પોલીસ અધિકારી, ડોકટરના પાત્રોમાં જ દેખાતા. અમિતાભના કારણે અનિલ કપૂર જેવાને, અનુપમ ખેરને જૂદા પાત્રો મળતા રહે છે. અમિતાભે ઉંમરનો ખ્યાલ જ જાણે બાદ કરી નાંખ્યો છે. બીજું કે તેઓ અભિનય સિવાય કશું કરતા નથી. હા, ‘કૌન બનેગા કરોડપતિ’નું સંચાલન આઇકોનિક છે. અમિતાભે જે નવી શકયતાઓ ખોલી આપી છે તેને એકસ્પ્લોર કરવા જો કે તેમના જેવો સ્ટાર જ જોઇએ અને એમના જેવી એનર્જી જોઇએ.
અત્યારે શાહરૂખ, સલમાનખાન હીરો તરીકેની નિવૃત્તિ પાસે છે પણ તેઓ પૌઢ દેખાવું પસંદ કરશે કે નહીં તે સવાલ છે. અમિતાભની ઇમેજ માત્ર ફિલ્મોથી જ નથી બની, અંગત જીવનથી પણ બની છે. એ બધું બીજામાં હોવું જોઇએ. અમિતાભ એક એવું ઉદાહરણ છે જે અપવાદ છે, બધા કોઇ અપવાદ નહીં સર્જી શકે. હા, સંજય દત્ત જેવા હવે ખલનાયકના પાત્રો સ્વીકારી નવી શકયતા ઉઘાડી છે. આવું કરવું સહેલું નથી. અમિતાભ આજે પણ ફિલ્મજગતને જાણે નેતૃત્વ આપે છે. ‘ઝંઝીર’, ‘દિવાર’થી લોકોને લાગવા માંડેલું કે અમિતાભ જૈસા કોઇ નહીં અને આજે પણ લોકો એમજ કહે છે. કોઇ સ્ટાર પોતાની ઇમેજ આટલા વર્ષ જાળવી ન શકે. હો, અમિતાભ હો તો મુમકીન હૈ. •