નડિયાદ: ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં ડભાણ રોડ પર આવેલ કલેકટર કચેરી પાસે એસ.ટી બસનુ સ્ટોપેજ હોવા છતાં કેટલીક લોકલ અને એક્સપ્રેસ બસો ઊભી રખાતી ન હોવાથી મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલું એક્સપ્રેસ બસના સ્ટોપેજનાં બોર્ડ ફ્કત શોભાના ગાંઠિયા સમાન બન્યાં હોય તેવુ જણાઈ રહ્યું છે. નડિયાદ શહેરના ડભાણ રોડ ઉપર જિલ્લા કલેક્ટર કચેરી આવેલી છે. જ્યાં નડિયાદ સહિત સમગ્ર જિલ્લાભરમાંથી રોજેરોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ અર્થે જતાં હોય છે.
અરજદારો એસ.ટી બસ મારફતે છેક કલેક્ટર કચેરીના ગેટ સુધી પહોંચી શકે તે માટે તંત્ર દ્વારા કલેક્ટર કચેરી બહાર જ લોકલ અને એક્સપ્રેસ એસ.ટી બસનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે અને ત્યાં ‘‘બસ થોભો’’ નું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. જોકે, છેલ્લાં ઘણાં સમયથી કેટલીક લોકલ અને એક્સપ્રેસ બસના ડ્રાઈવર અને કંડક્ટરો પોતાની મનમાની ચલાવી કલેક્ટર કચેરીના સ્ટોપેજ પર બસ ઉભી રાખતાં નથી. તેમજ જો કલેક્ટર કચેરીએ જવા માટેનો કોઈ મુસાફર બસમાં ચઢે તો મનસ્વી વર્તન ધરાવતાં ડ્રાઈવર-કંડક્ટરો તેવા મુસાફરને અધવચ્ચે જ ઉતારી મુકે છે. જેને પગલે કલેક્ટર કચેરીએ કામ અર્થે જતાં મુસાફરોને રઝળપાટ થાય છે. ત્યારે આ મામલે એસટી વિભાગ કોઈ નક્કર પગલાં લે તેવી માંગ ઉઠી છે.