Gujarat

બોટાદ લઠ્ઠાંકાડની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ: ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરશે

ગાંધીનગર : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બોટાદ લઠ્ઠાંકાડની (Botad latthakand) તપાસ હવે ત્રણ સભ્યોની બનેલી કમિટીને સોપાઈ છે. જેમાં સીઆઈડી (CID) ક્રાઈમ – રેલવેના આઈજી સુભાષ ત્રિવેદી, એસટી નિગમના એમડી, ડાયરેક્ટર પ્રોહીબીશન એન્ડ એક્સાઈઝ એમ એ ગાંધી તથા ગાંધીનગરની (Gandhinagar) ફોરેન્સિક સાયન્સના લેબોરેટરીના ડાયરેક્ટર એચ પી સંઘવીને કમિટીમાં સમાવાયા છે. આઈજી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ટીમે બોટાદ પહોચી જઈને તપાસ પણ શરૂ કરી દીધી છે.

ત્રિવેદીએ બોટાદ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે અમે પગલા સૂચવીશુ. આ ઉપરાંત હાલમાં જો કોઈની પણ પાસે ઝેરી કેમિકલ હોય તે તો શોધીને આરોપીઓની સામે પગલા લેવાય તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય પણ પોતાના સિનિયર અધિકારીઓની ટીમ સાથે બોટાદના રોજિદ ગામે પહોચી ગયા હતા. આજે રાજ્યભરમા દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.

બોટાદ – ધંધુકાના ગામોમાં માતમ – આખે આખા ગામો હિંબકે ચડયા
ગાંધીનગર : બોટાદ તથા ધંધુકાના ગામોમાં પૈકી રોજિદ, નભોઈ, રાણપરી, વૈયા, પોલરપુર, ચોકડી, ઉચડી, અણિયાળી, આકરૂ, ચંદરવા, રાણપુર અને રામપરા સહિતના ગામોમાં સીધે સીધુ મિથાઈલ આલ્કોહોલ પાણીમાં મિક્સ કરીને પીવાથી 36 લોકોનાં મોત થયા છે. જેના પગલે આ તમામ ગામો આજે હિંબકે ચડયા હતાં. ખાસ તો રોજિદમાં પણ 9 મોતનાં પગલે ગામમાં એક તબક્કો તો અગ્નિ સંસ્કાર માટે લાકડા ખૂટી પડયા હતાં. ચારે બાજુ રોકકળ ચાલી રહી હતી. આ સ્થિતિની વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર સંગઠનની ટીમ સાથે પહોંચી ગયા હતા. એટલું જ નહીં મૃતકોની નનામીને કાંધ પણ આપી હતી. આકરૂ ગામે તો બે સગા ભાઇના મોત થયા છે.

લઠ્ઠાકાંડનું અમદાવાદ કનેક્શન
આ સમગ્ર ઘટનાનાં મુખ્ય આરોપી જયેશ ખાવડિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીની કડક પૂછપરછ કરતા તેણે કબૂલ્યુ હતું કે, દારૂ બનાવવામાં મિથેનોલ કેમીકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ATS અને SITની તપાસમાં ખુલાસો થયો છે કે દારૂ બનાવવા માટે મિથેનોલ નામના કેમિકલનો ઉપયોગ થયો હતો. આ કેમિકલ અમદાવાદના પીપળજ વિસ્તારમાં આવેલી કંપનીમાંથી ચોરવામાં આવ્યું હતું. અને આરોપી જયેશે કેમિકલ ચોરીને તેમાંથી નશાકારક પદાર્થ બનાવ્યો હતો. બોટાદ ઝેરી દારૂ કાંડમાં મિથેનોલ સપ્લાય કરનાર જયેશ અને કેમિકલ મેળવનાર સંજય નામના શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તે AMOS કંપનીમાં ભાડે રહીને કેમિકલનું કામ કરતો હતો. 3 દિવસ પહેલા જ જયેશે 600 લીટર મિથેનોલ બોટાદના બુટલેગર સંજયને આપ્યું હતું. સંજયે કબૂલાત કરી છે કે તેણે અમદાવાદથી મિથેનોલ કેમિકલ મગાવ્યું હતું. ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં જયેશે કબૂલ્યું કે, અગાઉ પણ મિથેનોલ મોકલાઈ ચૂક્યું છે.

Most Popular

To Top