નવી દિલ્હી: બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022ની (Commonwealth Games 2022) શરૂઆત પહેલા જ ભારતને (India) મોટો ઝટકો લાગ્યો છે. ઓલિમ્પિક (Olympic ) ગોલ્ડન બોય ભાલા ફેંક (Javelin throw ) રમતવીર (થ્રો પ્લેયર) નીરજ ચોપરાએ (Neeraj Chopra) આ વર્ષે કોમનવેલ્થ ગેમમાંથી બહાર થઈ ગયો છે. થોડા દિવસો પહેલા વર્લ્ડ એથ્લેટિક્સમાં (World Athletics) સિલ્વર મેડલ (Silver Medal) જીતનાર નીરજ ચોપરાને ફાઈનલમાં ઈજા પહોંચી હોવાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો નથી. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી રાજીવ મેહતાએ આ વાતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે WACના ફાઈનલ દરમિયાન નીરજને ઈજા પહોંચી હતી. તે હજુ સુધી સંપૂર્ણપણે ફિટ થયો નથી.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત છેલ્લા કેટલાક સમયથી સિલ્વર,ગોલ્ડ અને બ્રોન્ચ મેડલ મેળવે છે. અને ટોપ-3માં પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે. ત્યારે આ વખતે નીરજ ચોપરા ભારતને ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ અપાવશે તેવી સૌ કોઈની આશા હતી. પરંતુ નીરજ ચોપરાએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે કે તે ઈજાના કારણે આ ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં. જો કે ભારતની આશા હવે ડીપી મનુ અને રોહિત યાદવ પર રહેશે. જેવલિન થ્રોમાં આ બન્ને ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
શા માટે નીરજ ચોપરા ભાગ લઈ શકશે નહીં?
વર્લ્ડ એથ્લેટિક્સ ઈવેન્ટ બાદ નીરજ ચોપરાનું એમઆરઆઈ (MRI) સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રોઈન ઈંજરી થઈ હોવાની વાત બહાર આવી હતી. આવી સ્થિતિમાં નીરજ ચોપરાને લગભગ એક મહિના સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે, જેના કારણે તે કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી ભાગ લઈ શકશે નહીં. કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાની મેચ 5 ઓગસ્ટના રોજ યોજાવાની હતી.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હોય, પરંતુ તેણે ફાઇનલમાં 6 થ્રોમાં 3 વખત ફાઉલ કર્યા હતા. તેના પ્રથમ અને છેલ્લા બે થ્રો ફાઉલ હતા. તેણે ચોથા થ્રોમાં 88.13 મીટર ફેંકીને ભારત માટે સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો. નીરજ ચોપરાના ફાઉલ પાછળનું કારણ પગમાં દુખાવો હતો. નીરજે પોતે કહ્યું હતું કે તેને ચોથા થ્રોમાં ગ્રોઈન ઈંજરીમાં દુખાવો થયો હતો. તેના કારણે તે છેલ્લા બે થ્રોમાં સંપૂર્ણ બળ લગાવી શક્યો ન હતો. તેણે કહ્યુ હતુ કે, ‘મેં પટ્ટી બાંધી અને થ્રો કર્યો. અત્યારે મેડલ જીતવાનો જોશ છે એટલે કંઈ ખ્યાલ નથી. હવે સવારે જ ખ્યાલ આવશે કે ઈજા કેટલી ગંભીર છે! આશા છે કે ઈજા ગંભીર નહિ હોય અને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકીશ’
ટોક્યો ઓલિમ્પિક્સ અને વર્લ્ડ એથ્લેટિક્સમાં ઇતિહાસ રચાયો
24 વર્ષીય નીરજ ચોપરા પાસેથી દેશને ઘણી આશાઓ છે, તે 2019માં ઓપરેશન કરાવીને પાટા પર પાછો ફર્યો હતો અને ત્યારથી ઇતિહાસ રચાઈ રહ્યો છે. નીરજ ચોપડા ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો અને સિંગલ પર્સન કેટેગરીમાં ગોલ્ડ જીતનાર ભારતનો બીજો એથ્લેટ બન્યો. આ સિવાય નીરજ ચોપરાએ આ અઠવાડિયે અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
2003 પછી મેડલ જીતનાર નીરજ ચોપરા પ્રથમ ભારતીય બન્યો છે. નીરજ ચોપરાએ 88.13 મીટર દૂર સુધી ભાલા ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે આ વખતે ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ રમાઈ રહી છે, જે 28 જુલાઈથી શરૂ થવાની છે. ભારત તરફથી આ વખતે કોમનવેલ્થ ગેમ્સ માટે 200થી વધુ સભ્યોનું પ્રતિનિધિમંડળ મોકલવામાં આવ્યું છે, જેમાં લગભગ 150 ખેલાડીઓ સામેલ છે.