Comments

બિનશૈક્ષણિક સ્ટાફ એ શિક્ષણ સંસ્થાનું ઉપયોગી માળખું છે

શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણ એ આધુનિક આર્થિક વિકાસનું અગત્યનું  પરિબળ અને લક્ષણ છે. આર્થિક પ્રગતિ શ્રમવિભાજનના સિધ્ધાંતને કારણે જ  ઝડપી બની છે. ‘‘ જેનું કામ જે કરે’’- એ કામમાં નિષ્ણાત બનાવનારું પરિબળ  છે.
આપણી ઔપચારિક શિક્ષણની વ્યવસ્થામાં કામની વહેંચણી બે રીતે થઈ છે.
1) શૈક્ષણિક કાર્ય
2) બિનશૈક્ષણિક કાર્ય

જૂની આશ્રમવ્યવસ્થા અલગ બાબત છે. પણ આધુનિક શિક્ષણ સંસ્થાઓમાં  કામ વહેંચાયેલાં છે અને દરેકે પોતાનું કામ કરવાનું છે. ઉચ્ચ શિક્ષણમાં તો  શિક્ષણમાં પણ વિશિષ્ટીકરણ છે. ગુજરાતીના અધ્યાપક ગુજરાતી જ ભણાવે,  કેમેસ્ટ્રીના અધ્યાપક કેમેસ્ટ્રી ભણાવે. હવે કેમેસ્ટ્રીના અધ્યાપકને સારામાં સારી  રીતે ગુજરાતી ભણાવતાં આવડતું હોય તો પછી તે કાયમ માટે ગુજરાતી  ભણાવી શકતા નથી. જેમ શિક્ષણમાં કાર્યવહેંચણી છે તેમ શૈક્ષણિક સંસ્થામાં પણ કામ વહેંચાયેલાં છે.  શૈક્ષણિક અને વહીવટીય અથવા બિનશૈક્ષણિક

ઔદ્યોગિકીકરણની અસરમાં શિક્ષણ ક્ષેત્ર પણ કાર્યવહેંચણી મુજબ ચાલે છે. જેમ  ચાંપ પાડ્યા વગર પંખો ફરતો નથી. સિગ્નલ ન પડે તો ગાડી ઉપડતી નથી.  બટન ના દબાવો તો લીફ્ટનું બારણું ખૂલતું નથી. તેમ, શાળા કોલેજમાં બેલ  ના પાડો તો વર્ગ શરૂ થતો નથી, પૂરો થતો નથી. વ્યવસ્થા, સંચાલનની  દૃષ્ટિએ જોઈએ તો શાળા કોલેજને ચલાવવા માટે જેમ શિક્ષક-અધ્યાપક જોઈએ  તેમ પટાવળા જોઈએ, સફાઈ કર્મચારી જોઈએ, વહીવટી કર્મચારી જોઈએ! સેલ્ફ  ફાયનાન્સ કોલેજો તો શૈક્ષણિક સ્ટાફ પછી ભરે છે. પહેલાં વહીવટીય સ્ટાફ ભરે  છે. કોલેજોમાં ફી ભરવાની પ્રક્રિયા પહેલાં થાય છે. ભણવવાનું પછી શરૂ થાય  છે.

આ વાત આજે એટલા માટે લખવી પડે છે કારણ કે ગુજરાતમાં સરકારી અને  ગ્રાન્ટેડ શાળા કોલેજોમાં બિનશૈક્ષણિક સ્ટાફની લાંબા સમયથી જગ્યાઓ ખાલી  છે તે ભરવામાં આવતી નથી. અમદાવાદ જેવા શહેરમાં જૂની અને જાણીતી  કોલેજોમાં એક માત્ર સેવક વધ્યાના કિસ્સા છે. ઓફીસ સ્ટાફમાં ચાર વહીવટીય  જગ્યાઓમાં એક જ ભરાયેલી છે. સાયન્સ કોલેજમાં લેબરેટરીવર્ક હોય છે જ્યાં  લેબ આસિસ્ટન્ટની જગ્યા જ ભરવામાં આવતી નથી! વાંચે ગુજરાત અભિયાન  ચલાવનારા રાજ્યમાં ‘લાયબ્રેરીયન’ ની ભરતી બંધ. ખેલકુંભના આયોજન  પછી ‘‘ રમતગમતના સાહેબ કે અધ્યાપકની ભરતી થતી નથી!

ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ બે પ્રકારની છે. એક શહેરના પ્રતિષ્ઠિત-મોટા  કેમ્પસો જ્યાં ગ્રાન્ટેડ સંસ્થા સિવાય અનેક સંસ્થા ચાલે છે. વિદ્યાર્થી સંખ્યા ખૂબ  મોટી છે. જેમની પાસેથી અનેક પ્રકારની ફી ઉઘરાવી શકે છે. દાન મેળવી શકે  છે. આવા ટ્રસ્ટની કોલેજમાં સંચાલકો પોતાના ખર્ચે વહીવટીય સ્ટાફ રાખી શકે  છે. જ્યારે બીજા પ્રકારની કોલેજો છે નાનાં શહેરો, ગ્રામ્ય વિસ્તારનાં નાનાં ટ્રસ્ટો  દ્વારા ચલાવાતી કોલેજો, જ્યાં મંડળો પાસે આર્થિક સાધનો નથી, બહુ મોટાં દાન  મળતાં નથી. વિદ્યાર્થીઓ પણ વધારાની કોઈ ફી કે કશું આપી શકે તેમ નથી. 

અને ત્યાં સેલ્ફ ફાયનાન્સ કલ્ચર પણ નથી!  કોલેજમાં પટાવાળા,  સફાઈ કર્મચારી, વહીવટીય સ્ટાફ આ બધું જ જો મંડળના ખર્ચે રાખે તો તેમને  લાંબા ગાળાનું આર્થિક નુકસાન થાય! હાલમાં છેલ્લાં દસ-દસ વર્ષથી બિનશૈક્ષણિક કર્મચારીની જગ્યાઓ ભરવામાં આવતી નથી. આવનારા સમયમાં  શાળા કોલેજોમાં મોટા વહીવટીય પ્રશ્નો ઊભા થવાના છે. કારણ અત્યારે  સેમેસ્ટર સિસ્ટમને કારણે વહીવટીય કામગીરી બેવડી થઈ ગઈ છે. દરેક  સેમેસ્ટરમાં ફી ઉઘરાવો, આંતરિક પરીક્ષા લો, તેના માર્કસ યુનિ.ને મોકલાવો  શાળા કક્ષાએ તો સર્વગ્રાહી મૂલ્યાંકનની વિગતો એકઠી કરો અને સરકારના  નિત નવા કાર્યક્રમો-તેના મેલ અને ‘‘તત્કાળ વિગત મોકલાવો’’ ના આદેશો-  આ બધાની કામગીરી વધતી જાય છે, સામે કામ કરનારાની સંખ્યા ઘટતી જાય  છે. વળી ગુજરાતમાં 1988 થી 1990-91 દરમ્યાન મોટા પાયે શૈક્ષણિક કર્મચારી  સ્ટાફની ભરતીઓ થઈ હતી(છેલ્લે)આ બધા જ આ ચાર-પાંચ વર્ષમાં નિવૃત્ત  થવાના છે. હવે શાળા કોલેજો પાસે આ નિવૃત્ત થતા કર્મચારીના પેન્શન પેપર  તૈયાર કરે તેવા અનુભવી વહીવટીય કર્મચારીઓ નથી!

ગુજરાતમાં ચૂંટણીની મોસમ આવતાં અધ્યાપકમંડળો જાગૃત થયાં અને  ઘણા પડતર પ્રશ્નો ઉકેલાયા, લાંબા સમયથી ખાલી પડેલી અધ્યાપકોની  જગ્યાઓ પણ હાલમાં ભરાવા લાગી છે. શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી  અટકેલી પડી છે પણ વહીવટીય કર્મચારી મંડળ હજુ પોતાની માંગણીઓ રજૂ  કરી શક્યું નથી. આખી લડતમાં પૈસાદાર ટ્રસ્ટો વહીવટીય સ્ટાફ પોતાનો રાખી  શકે છે. વળી બે કોલેજ વચ્ચે એક માણસ રાખી ગાડું ગબડાવી શકે છે ત્યારે  તેમને સરકાર પાસે વહીવટીય સ્ટાફ માંગવામાં કોઈ રસ નથી.

ઉલટાનું આવાં  કેટલાંક મંડળો તો હવે સરકારની ભરતી પ્રક્રિયાથી કંટાળી શૈક્ષણિક સંસ્થા જ  બંધ કરવા માંગે છે! ટૂંકમાં ગુજરાતના શિક્ષણજગતમાં બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવી ખૂબ  જરૂરી છે. ‘‘સ્વચ્છતા અભિયાન’’માં કરોડો રૂપિયા ખર્ચતી સરકાર શાળા  કોલેજમાં સફાઈ કર્મચારીઓની ભરતી કેમ નહીં કરતી હોય? યાદ રાખો, નાનાં  પદો કામ મોટાં કરતાં હોય છે. પાયાનાં કરતાં હોય છે. ‘‘જો બેલ નહીં વાગે  તો શિક્ષણ સંસ્થા શરૂ નહીં થાય’’-આ વાત સૌ એ સમજવાની જરૂર છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top