આચાર્ય કુંજવિહારી મહેતાની જન્મ શતાબ્દીની ઉજવણીના સમાચાર જાણીને એમની કોલમ ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યા’ઓના એક વાચક તરીકે અમને ખૂબ આનંદ, રાજીપાનો અને ગર્વનો અનુભવ થયો છે. હિમાંશીબેન શેલતે ‘ગુજરાતમિત્ર’માં મહેતાનાં કાર્યો અને કવન વિશે વિદ્વત્તાપૂર્ણ લેખ લખ્યો છે. એમના જીવનનાં તમામ પાસાંઓને હિમાંશીબેન શેલતે બારીકાઇપૂર્વક આલેખ્યાં છે. ગુજરાતભરમાં જ નહિ, મુંબઇ બાજુ પણ જાણીતી એવી સુરતની એમ.ટી.બી. આર્ટસ કોલેજના એમના એ કાળના સંવર્ધક અને બાગબાન એવા મહેતા પોતાની ‘ગુજરાતમિત્ર’માંની કોલમ ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’થી શિક્ષણજગતમાં એક બળવાન પ્રહરી તરીકે ખૂબ જાણીતા થયા હતા.
જે લોકોને શિક્ષણ અને કેળવણી સાથે ઝાઝો નાતો નહોતો એ લોકો પણ ‘ગુજરાતમિત્ર’ની એ મંગળવારીય કોલમ હોંશે હોંશે વાંચતાં હતાં. મહેતાના માર્ગદર્શક અને પિતાતુલ્ય એવા સાક્ષરવર્ય, આચાર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના તેઓ આદરપાત્ર વ્યકિત હતા. એમના સાથીદાર એવા જયંત પાઠક તથા બી.એ. પરીખ જેવા અનેક સાક્ષરોના સાથ અને સહકારથી મહેતાએ એમ.ટી.બી. કોલેજને આગળ પડતું સ્થાન અપાવ્યું હતું. જયારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માટેના મુખ્ય મથક માટેની પસંદગીની ચર્ચા ચાલતી હતી ત્યારે મોડાસા, વિસનગર અને પાટણ એમ ત્રણ સ્થળોનાં નામ બોલાતાં હતાં.
તે વખતે મહેતાએ ગુર્જર નગરી પાટણના નામ ઉપર એમની પસંદગી, કોલમ દ્વારા દર્શાવી હતી. એટલું જ નહિ, એ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યનું નામ જોડવાની પણ હાકલ એમણે અત્રેથી કરેલી અને પાટણના નસીબે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક પાટણ જ બન્યું અને એની યુનિવર્સિટીનું નામ પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રાખવામાં આવ્યું હતું. ‘ગુજરાતમિત્ર’ અને મહેતા એકબીજાના પર્યાય તરીકે ઓળખાતા રહ્યા છે. સુરત અને ગુજરાતના કેળવણી ક્ષેત્રના ધ્રુવ તારક સમાન કુંજવિહારી મહેતાની જન્મ શતાબ્દી પર્વની ઉજવણીના તમામ આયોજકો, ખરેખર ધન્યવાદના હકદાર ઠરે છે.
સુરત – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.