SURAT

સુરતના કતારગામમાં પાંચ વર્ષની બાળકીને બાંધીને તેની સગી માતાએ બીડીના ડામ દીધા

સુરત: (Surat) કતારગામમાં પાંચ વર્ષની બાળકીને તેની જનેતા તેમજ સાવકા પિતાએ (Father) મળીને બાંધી દીધી હતી, આ ઉપરાંત બાળકીને બીડીના ડામ તેમજ ગાલ ઉપર તમાચા અને પીઠના ભાગ બચકા ભરવામાં આવ્યા હોવાની ઘટના બહાર આવી હતી. આ બાબતે પોલીસે (Police) ગુનો નોંધી નિષ્ઠુર માતા-પિતાની ધરપકડ કરી હતી.

  • નિષ્ઠુર માતા-પિતા : કતારગામમાં પાંચ વર્ષની બાળકીને બાંધીને બીડીના ડામ દેવાયા
  • ચાઇલ્ડ હેલ્પ લાઇન ઉપર જાગૃત વ્યક્તિએ ફોન કરતા સમગ્ર ઘટના બહાર આવી : પોલીસે બાળકીની માતા અને સાવકા પિતાની ધરપકડ કરી

બાળકોના કલ્યાણ, બાળકોની સુરક્ષા અને તેના વિકાસને ધ્યાને રાખીને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર – 1098માં એક ફોન આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, કતારગામમાં એક માતા-પિતા તેના પાંચ વર્ષના બાળકનું શોષણ કરીને તેની ઉપર અત્યાચાર કરી રહ્યો છે. આ બાબતે ચાઇલ્ડ હેલ્પ લાઇનમાં ફરજ બજાવતા રેખાબેન હરીશભાઇ નેમાડે અને તેમની ટીમ દ્વારા કતારગામ પોલીસને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. પોલીસે પાંચ વર્ષની બાળકી નામે યશ્વી અને તેની નામે મોનાલીબેન અને બાળકીના સાવકા પિતા પરેશભાઇ હિંગુને પોલીસ મથકે લઇ આવ્યા હતા. બાળકીના શરીર ઉપર ઠેર-ઠેર ઇજા જોવા મળી હતી.

માતા-પિતાએ કશું કહ્યું ન હતું, ત્યારબાદ બાળકીને એકલામાં લઇ જઇને પુછવામાં આવતા બાળકીએ રડતા રડતા કહ્યું કે, મારા માતા-પિતાએ બે દિવસથી મારા હાથ-પગ બાંધીદીધા છે, મને ગાલ ઉપર ચીમટા ભરે છે અને તમાચા પણ મારે છે, મારા પિતાએ મારી પીઠના ભાગે બચકા ભર્યા છે, તેમજ હાથ ઉપર બીડીના ડામ દીધા છે. ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ આ વાત સાંભળીને ચોંકી ઉઠી હતી. તેઓએ બાળકીને તાત્કાલીક સારવાર કરાવી હતી અને નિષ્ઠુર માતા-પિતાની સામે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી મોનાલીબેન તેમજ પરેશભાઇની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Most Popular

To Top