દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની ચણાસર ડુંગરા પ્રાથમિક શાળાના ૫૦ બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. એક ઓરડામાં આચાર્યની ઓફિસ છે જ્યારે મધ્યાન ભોજન રૂમમાં બાળકોએ ભણવા બેસવું પડે છે જેના પગલે વિદ્યાર્થીઓ જોખમમાં મુકાયા છે. 70 વર્ષ બાદ પણ શાળાનું નવીનીકરણ કરવામાં ન આવતા વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. ઝાલોદ તાલુકાના રણીયાર સરકારી ગામની ચણાસર ડુંગર ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાની તાલુકા સભ્ય રાધાબેન બીરેન કુમાર ભાભો સેર દ્વારા મુલાકાત લેવામાં આવતા શાળાની સ્થિતિ કફોડી હાલતમાં જોવા મળી હતી. આ પ્રાથમિક શાળામાં ગામના 50 ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે .
આઝાદી બાદ એક પણ વાર શાળાની રીપેરીંગ કે નવીનીકરણ કરવામાં ન આવતા શાળાનું મકાન આખું જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. તેમજ શાળામાં બે ઓરડાઓ કાર્યરત છે.જેમાં એક ઓરડામાં શાળાના આચાર્યની કચેરી, મધ્યાહન ભોજન નું રસોડું અને અંદર જ બાળકોનું શિક્ષણ ચાલી રહ્યું છે. જ્યારે બીજા ઓરડામાં બાળકો અભ્યાસ કરે છે. બંને ઓરડામાં બાળકોને અભ્યાસ કરવામાં અગવડતા પડતી હોવાથી વાલીઓમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો હતો.શાળાની સ્થિતિ બાબતે અનેકવાર શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ચોમાસાના સમયમાં બાળકોને ઓરડાઓમાં છતમાંથી પડતા પાણીએ અભ્યાસ કરવો પડી રહ્યો છે.સાથે અભ્યાસ માટે બે અલાયદા ઓરડા ન હોવાના લીધે મધ્યાન ભોજન રૂમમાં બાળકોને અભ્યાસ કરાવતા જોખમ જોવા મળ્યું છે.અને શાળાનું મકાન પણ આખું જર્જરિત બનતાં બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ગામના બાળકોને ઉત્સાહથી ભણવું છે પરંતુ શાળામાં ભૌતિક સુવિધા ન હોવાના કારણે બાળકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.આ મામલે ગામના જવાબદાર આગેવાનો,એસ એમસી કમિટી અને શાળાના આચાર્ય દ્વારા અસંખ્ય વાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં પણ શાળાની મરામત માટે કે નવીનીકરણની કાર્યવાહી કરવામાં આવતી નથી.જેના લીધે બાળકોને જર્જરીત અને સુવિધા વિના અભ્યાસ કરવો પડી રહ્યો છે.આ મામલે તાલુકા સભ્ય દ્વારા મુલાકાત લઇને સમગ્ર બાબતની અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. તંત્ર દ્વારા અદ્યતન સુવિધાથી સજ્જ જરૂરિયાત પ્રમાણેનું બહુમાળી શીક્ષણ ભવનનું નિર્માણ કરવામાં આવે તેવી લોક માંગ ઊઠી છે.