Editorial

યુરોપનું સખત ગરમીનું મોજું: આખી દુનિયા માટે આંખ ઉઘાડનારી બાબત

આપણે આ વર્ષે એપ્રિલ-મેમાં સખત ગરમી વેઠી, હવે સદભાગ્યે સારા એવા વરસાદ સાથે ગરમી ખૂબ ઓછી થઇ ગઇ છે પરંતુ ઠંડા મુલક ગણાતા યુરોપમાં ગરમીનું મોજું ચાલી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ યુરોપના અનેક વિસ્તારોમાં સખત ગરમી પડી રહી છે. યુરોપમાં દિવસોથી ચાલી રહેલું કાળઝાળ ગરમીનું મોજું આ સોમવારે પણ ચાલુ જ રહ્યું હતું બલ્કે વધુ તીવ્ર બનેલું જણાતુ હતું જે ઉત્તરમાં આગળ વધીને બ્રિટન સુધી પહોંચેલું જણાતું હતું. બ્રિટનના ઇંગ્લેન્ડ વિસ્તારમાં આગાહી મુજબ જ સોમ અને મંગળવારના દિવસો સખત રહ્યા છે. ઠંડા પ્રદેશ યુરોપમાં આમ તો ઉનાળો એક ખુશનુમા અને આનંદની ઋતુ ગણાતી હતી. લાંબા અને સખત શિયાળા પછી હુંફાળો ઉનાળો ત્યાં આનંદ લાવનારો નિવડતો હતો પરંતુ છેલ્લા થોડાક વર્ષથી ત્યાં ખાસ કરીને દક્ષિણ યુરોપના દેશોમાં ઉનાળો આકરો બની રહ્યો છે અને તેમાં પણ આ વખતે તો ત્યાં ઉનાળો અસાધારણ રીતે ગરમ બની ગયો છે.

બ્રિટનમાં મંગળવારે તેના ઇતિહાસનો સૌથી ગરમ દિવસ નોંધાયો જ્યાં અનેક સ્થળે તાપમાન ૩૮ ડીગ્રી સેલ્સિયસને પાર જતું રહ્યું જે ત્યાંના ધોરણે ઘણુ વધારે કહેવાય અને લંડનના હીથ્રો એરપોર્ટ પર તો મધ્યાહનના સુમારે તાપમાન ૪૦.૨ ડીગ્રી જેટલું થઇ ગયું જે અભૂતપૂર્વ ઘટના છે. બ્રિટન સિવાય યુરોપની વાત કરીએ તો પોર્ટુગલ, સ્પેન અને ફ્રાન્સમાં સ્થિતિ ઘણી ખરાબ છે. ત્યાં સૂકાભઠ જંગલોમાં સખત ગરમી વચ્ચે અનેક સ્થળે આગ સળગી રહી છે. સ્પેનમાં દાવાનળમાં દાઝીને બેનાં મોત નિપજ્યા છે જેને આ દેશના વડાપ્રધાને ગ્લોબલ વૉર્મિંગ સાથે સાંકળીને કહ્યું હતું કે હવામાન પરિવર્તન મોત નિપજાવી રહ્યું છે. તાજેતરના દિવસોમાં અસાધારણ ઉંચા તાપમાને યુરોપના, ખાસ કરીને દક્ષિણ યુરોપના અનેક પ્રદેશો પર પકડ જમાવી છે જેમાં પોર્ટુગલથી માંડીને બાલ્કન પ્રદેશ સુધીના વિસ્તારોમાં દાવાનળ ભડભડી ઉઠ્યા છે. ફ્રાન્સમાં પણ દાવાનળો સળગી રહ્યા છે. ફ્રેન્ચ આગાહીકારોએ પણ સંભવિત વિક્રમી તાપમાનની આગાહી કરી છે જ્યારે ગરમ પવનોએ દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આગ સામે લડવાના પ્રયાસો મુશ્કેલ બનાવ્યા છે.

આગ જાણે વિસ્ફોટાઇ રહી છે એ મુજબ એક ફાયર અધિકારીએ જણાવ્યું હતું. ફ્રાન્સમાં સત્તાવાળાઓએ વધુ નગરોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવાનું શરૂ કર્યું છે અને જોખમી વિસ્તારોમાંથી સોમવારે વધુ ૧પ૦૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. આ સાથે ફ્રાન્સના ગિરોન્ડે પ્રદેશમાંથી ૧૨ જુલાઇએ આગ શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી સ્થળાંતર કરાવાયેલા લોકોની સંખ્યા ૩૧૦૦૦ જેટલી થઇ હતી. બાલ્કન પ્રદેશના દેશોમાં છૂટા છવાયા દાવાનળો જોવા મળી રહ્યા છે જેમાં સ્લોવેનિયા અને ક્રોએશિયા જેવા દેશોમાં નાના દાવાનળો જોવા મળ્યા છે. સ્પેનમાં કેટલાક સેંકડો મોત ગરમીને લગતી તકલીફોને કારણે નીપજ્યા હોવાનું કહેવાય છે. જર્મનીમાં પણ એક હજારથી વધુ લોકોનાં મોત ગરમીને લગતી તકલીફોને કારણે થયા હોવાનું જાણવા મળે છે. આ સ્થિતિ ભયંકર છે. સ્પેનના વડાપ્રધાનની વાત સાચી માનવાનું મન થાય છે કે હવામાન પરિવર્તન હવે લોકોનાં મોત નિપજાવવા માંડ્યું છે.

યુરોપનું આ ગરમીનું મોજું ફક્ત યુરોપ માટે નહીં પણ આખી દુનિયા માટે ચિંતાનું કારણ છે. યુરોપ જેવા ઠંડા મુલકમાં આટલી સખત ગરમી પડે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૫ ડીગ્રીની આસપાસ જતું રહે તે સ્થિતિ સ્પષ્ટપણે હવામાન પરિવર્તન અને ગ્લોબલ વૉર્મિંગની અસર સૂચવે છે. યુરોપના અનેક વિસ્તારોમાં ઘણુ ઔદ્યોગિકરણ થયું છે અને તેને કારણે પ્રદૂષણ પણ ઘણું થયું છે અને આ પ્રદૂષણ પણ યુરોપમાં સખત ગરમી નોંતરનારુ નીવડી રહેલું જણાય છે. યુરોપના દક્ષિણ ભાગોમાં આફ્રિકન સહારન પ્રદેશો તરફથી ફૂંકાતા ગરમ પવનોની પણ અસર થાય છે પરંતુ આ વખતે ગરમીની અસાધારણતા જોતા ક્લાઇમેટ ચેન્જથી અસર વધુ જણાય છે. હાલ તો દક્ષિણ યુરોપમાં અસર છે પરંતુ બ્રિટનમાં પણ બે દિવસ અભૂતપૂર્વ ગરમીના રહ્યા છે તે જોતા સ્પષ્ટપણે જણાય છે કે યુરોપમાં ગરમીના મોજાની સ્થિતિ હવે ઉત્તર તરફ પણ આગળ વધી રહી છે. જો ઉત્તર યુરોપમાં સખત ગરમી લાંબો સમય ચાલે તો ઉત્તર ધ્રુવના બરફના પીગળવાની ઝડપ ઓર વધી શકે છે અને તેની અસર આખી દુનિયાને થઇ શકે છે. યુરોપનું ગરમીનું આ મોજું આખી દુનિયા માટે આંખ ઉઘાડનારું છે.

Most Popular

To Top