વડોદરા: ગોત્રી નારાયણ ગાર્ડન વાળા રોડ પર આવેલ ખુલ્લી વરસાદી કાંસમાં બુલેટ સવાર યુવાન ખાબક્યો હતો.સદનસીબે કેનાલ ખાલી હોવાથી જાનહાની થતા ટળી હતી.આ પહેલા પણ અહીં અકસ્માતમાં જાનહાનીની ઘટના બની હતી.તેમ છતાં ખુલ્લી વરસાદી કાંસ મુદ્દે તંત્રએ ધ્યાન નહીં આપતા વધુ એક અકસ્માતની ઘટનાથી સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો.
વડોદરા મહાનગર સેવાસદન તંત્ર દ્વારા પ્રમોશન ની કામગીરી કરવામાં આવી રહી હોવાની ગુલબાંગો મારવામાં આવી રહી છે.પરંતુ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડ પર પડતા ભુવા, ગાબડા,ઉભરાતી ડ્રેનેજો, પાણી સહિતની સમસ્યાઓ પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. શહેરના પશ્ચિમ વિસ્તાર સ્થિત ગોત્રી નારાયણ ગાર્ડનવાળા રોડ પર ખુલ્લી વરસાદી કાંસ આવેલી છે.આ કાંસમાં સાફ-સફાઈ નો અભાવ જોવા મળ્યો છે.તેમજ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે વર્ષોથી આ કાંસ ખુલ્લી હાલતમાં પડી હોય વિસ્તારના રહીશોએ આ અંગે છાશવારે તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ આજ દિન સુધી આ વરસાદી કાંસમાં કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.
તેમજ તેની ફરતે કોઈ ફેનસિંગ, આળસ કે દિવાલ ઊભી કરવામાં આવી નથી.જેના કારણે નાના-મોટા અકસ્માતો અગાઉ બની ચૂક્યા છે.તેવામાં આજે આ માર્ગ પરથી પસાર થઈ રહેલ એક બુલેટ ચાલક આ ખુલ્લી વરસાદી કાંસમાં ખાબક્યો હતો. સદનસીબે આ કેનાલ ખાલી હોવાથી જાનહાની થતા ટળી હતી. નોંધનીય છે કે આ પહેલા પણ આ કેનાલમાં અકસ્માતની ઘટના બની હતી.જેમાં જાનહાનિ થઈ હતી.જે બાદ વિસ્તારના રહીશો દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.તેમ છતાં પણ આ મામલે તંત્રએ આંખ આડા કાન કરતા આજે વધુ એક અકસ્માતની ઘટના બનતા સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી હતી.