બારડોલી : બારડોલી (Bardoli) ટાઉન પોલીસ મથક વિસ્તારમાં ફરી વખત તસ્કરોએ (smugglers) તરખાટ મચાવ્યો છે. તેનની સહયોગ નગર સોસાયટી અને મારુતિ કોમ્પ્લેક્સમાં અને બારડોલીની સાઈ ક્રિષ્ના સોસાયટીમાં (Society) ચાર મકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો CCTV કૅમેરામાં કેદ થઈ ગયા હતા.
- તેનગ ગામની સહયોગ નગર સોસાયટી, મારુતિ કોમ્પ્લેક્સમાં અને બારડોલીની સાઈ ક્રિષ્ના સોસાયટીમાં તસ્કરો ધાપ મારતાં સીસીટીવી કેમેરામાં દેખાયા
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીમાં વરસાદ બંધ થતાંની સાથે જ તસ્કરો ફરી સક્રિય થઈ ગયા છે. શનિવારે મધ્યરાત્રી બાદ બારડોલી તાલુકાના તેન ગામે આવેલા મારુતિ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 201નું તાળું તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. આ ફ્લેટ ચાર વર્ષથી બંધ હોય કંઈ હાથ લાગ્યું ન હતું. જ્યારે સહયોગ નગર સોસાયટીમાં રહેતા રમણભાઈ કેસૂરભાઈ ચૌહાણ તેમની પત્નીનું ઓપરેશન કર્યું હોય ઘર બંધ કરી બાબેન ખાતે રહેતા પુત્ર હેમંતને ત્યાં રહેવા ગયા હતા. આ દરમ્યાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો કબાટમાં મુકેલા દાગીના અને રોકડા રૂપિયા 25 હજારની મત્તા ચોરી કરી ગયા હતા. તસ્કરોએ બારડોલીના સાઈ ક્રિષ્ના સોસાયટીને પણ નિશાન બનાવી હતી. હાલ અમેરિકામાં રહેતા રાજેન્દ્ર જોશીના બંગ્લા નંબર સી-28ના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જો કે તસ્કરો ખાલી હાથે પરત ફર્યા હતા.
આ ઉપરાંત સામેના જ સી-71માં બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘરમાં સુતેલી યુવતી જાગી જતા તસ્કરો અને યુવતી સામસામે થઇ જતા તસ્કરો નાસી છૂટ્યા હતા. ચોરોની હરકતો સોસાયટીમાં લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.
અંકલેશ્વરના આત્મીય રેસિડેન્સીના મકાનમાંથી એક લાખની ચોરી: બે મહિનામાં સોસાયટીમાં ચોથીવાર ચોરી થઈ
અંકલેશ્વર : અંકલેશ્વરના રાજપીપલા રોડ સ્થિત સારંગપુરની આત્મીય રેસીડેન્સીના એક બંધ મકાનનુ તાળુ તોડી તસ્કરો પલાયન થઇ ગયા હતા.તસ્કરોએ ઘરમાં પ્રવેશ્યા બાદ તિજોરી તોડી તેમાંથી સોનાની એક ચેઇન, બે વીંટી તેમજ ૧૦ હજાર રોકડ મળી અંદાજે ૧ લાખની મતાની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી અંગે મકાનમાલિકે જણાવ્યું કે, છેલ્લા બે મહિનામાં આ સોસાયટીમાં ચોરી થયાનો ચોથો બનાવ છે. અગાઉની ચોરીનો હજુ ભેદ પોલીસ ઉકેલી શકી નથી, જેથી પોલીસ ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી.