Comments

‘પહેલો સગો પાડોશી’ નીતિ અંર્તગત ભારત શ્રીલંકાની શક્ય તે બધી જ સહાય કરી રહ્યું છે

શ્રીલંકા અત્યારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. અભૂતપૂર્વ આર્થિક તંગીથી ઘેરાયેલા શ્રીલંકામાં ઘણા સમયથી હિંસક દેખાવો થઈ રહ્યા હતા જેણે ગયા અઠવાડિયે જનવિદ્રોહનું સ્વરૂપ લઈ લીધું અને રાષ્ટ્રપતિભવનથી લઈને વડાપ્રધાન નિવાસ સુધીની ઇમારતો પર લોકોએ કબજો લઈ લીધો. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને રાજીનામા આપી દીધા. હવે નવા રાષ્ટ્રપતિ ચૂંટાશે અને સર્વપક્ષીય સરકાર બનશે. જોકે આ બધુ થયા પછી પણ શ્રીલંકાની પરિસ્થિતી તાત્કાલિક તો પૂર્વવત થાય એવી કોઈ શક્યતા નથી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શ્રીલંકાની આ કટોકટી ‘ખૂબ જ ગંભીર’ હોવાનું સ્વીકારતા કહ્યું હતું કે હાલમાં ભારતનું ધ્યાન રાજકોષીય ઉથલપાથલમાંથી શ્રીલંકાને બહાર કાઢવામાં મદદ કરવા પર છે.

જ્યારે આપણો પાડોશી અને મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે આપણે મદદ માટે આગળ વધવું પડશે અને તેમને ટેકો આપવા માટે આપણે જે કંઇ કરી શકીએ તે કરવું પડશે. અત્યારે IMF અને અન્ય સાથી દેશો સાથે મળીને શ્રીલંકાને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. એસ જયશંકરે કહ્યું હતું કે ભારત શ્રીલંકાને સરકારની ‘પહેલો સગો પાડોશી’ નીતિના ભાગરૂપે મદદ કરી રહ્યું છે. ભારતે શ્રીલંકાને ‘લાઈન ઓફ ક્રેડિટ’ ઓફર કરી છે જેથી શ્રીલંકા માટે ભારતમાંથી આવશ્યક ચીજવસ્તુઓનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવામાં અને ઈંધણ ખરીદવામાં મદદ કરી શકાય. જોકે, જયશંકરે સ્વીકાર્યું હતું કે અર્થતંત્રના મેનેજમેન્ટને લગતા અને વિવેકપૂર્ણ ફિસ્કલ પોલિસીને લગતા જે મોટા મુદ્દાઓ છે તે શ્રીલંકાએ જાતે જ ઉકેલવા પડશે. વિદેશમંત્રીએ કબૂલ્યું હતું કે શ્રીલંકાની વર્તમાન કટોકટી પછી થોડા લોકો ભારત આવ્યા છે પરંતુ આ સમયે શરણાર્થી સંકટનો કોઈ મુદ્દો ન હોવાનું તેમણે જણાવ્યુ હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતના નેતૃત્વમાં વિશ્વ પર્યાપ્ત સમર્થન આપે તો શ્રીલંકાની આ સમસ્યાનો સામનો કરવાની સક્ષમતા આપણામાં છે.

શ્રીલંકામાં પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ અને જટિલ છે અને રોજેરોજ બદલાઈ રહી છે. પાડોશી હોવાને નાતે ભારત શ્રીલંકાના લોકોને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. શ્રીલંકાના લોકો પણ ભારત માટે મૈત્રીપૂર્ણ છે. ભારત અત્યારે શ્રીલંકા પર નજર રાખી રહ્યું છે અને હાલ તો માત્ર આર્થિક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત થયેલું છે. વિદેશમંત્રીની ટિપ્પણીઓ પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે મુશ્કેલ સમયમાં ભારત તેના પાડોશીઓ સાથે ઊભું રહે છે.

શ્રીલંકા અત્યારે જે અભૂતપૂર્વ રાજકીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે તે પરિસ્થિતીમાં તેમની ટિપ્પણી ખાસ કરીને વધુ મહત્વ ધરાવે છે. ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ હેઠળ, ભારતે શ્રીલંકાની મુશ્કેલીઓને દૂર કરવા માટે મદદની વિનંતીનો તાકીદે પ્રતિસાદ આપ્યો છે જેના પગલે બંને દેશો વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી અને રિન્યુએબલ એનર્જી દ્વારા આર્થિક જોડાણને વધારવામાં આવી રહ્યું છે. ભારતે આશરે ૩.૫ બિલિયન ડોલરની સહાય પહોંચાડી છે જે ચલણની અદલાબદલી અને ખાદ્યસામગ્રી, ઇંધણ, દવાઓ અને ખાતર પૂરા પાડીને આપવામાં આવી છે.

ભારત શ્રીલંકાને તેની આર્થિક કટોકટી દરમિયાન મદદ કરવા માટે અત્યંત સક્રિય છે. છેલ્લા બે મહિનામાં ભારત સરકાર અને લોકો દ્વારા દાનમાં આપવામાં આવેલી ૨૫ ટનથી વધુ દવાઓ અને તબીબી પુરવઠો જેનું મૂલ્ય ૩૭૦ મિલિયન SLR જેટલું થાય તે શ્રીલંકાને પહોંચાડી છે. ઉપરાંત ચોખા, દૂધ પાવડર, કેરોસીન જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ભારતે પહોંચાડી છે. મહામારી અને ખાતરની અરાજકતા દરમિયાન સહાય ઉપરાંત ભારત શ્રીલંકાને મૂળભૂત ઉત્પાદનોનું દાન પણ કરી રહ્યું છે. આ માનવતાવાદી સહાય ઉપરાંત ભારત સરકાર દ્વારા શ્રીલંકાના લોકોને નાણાકીય સહાય, ફોરેક્સ સપોર્ટ, મટીરીયલ સપ્લાય અને અન્ય રૂપે મદદ કરવાનું ચાલુ જ છે. હાલના સંયોગોમાં ભારતે શ્રીલંકાને આપેલી મદદની માત્ર શ્રીલંકાના લોકો જ નહીં પરંતુ વૈશ્વિક સમુદાય પણ ખૂબ કદર કરે છે. ભારત શ્રીલંકા માટે વધુ મજબૂત અને પરસ્પર ફાયદાકારક ભાગીદાર બની રહ્યું છે.
       – ડૉ. જયનારાયણ વ્યાસ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top