વડોદરા: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. જેના કારણે કેટલાક જિલ્લાઓમાં પૂર (Flood) જેવી સ્થિતિ સર્જાય હતી. જો કે જિલ્લાઓમાં પૂરના પાણી ઓસર્યા બાદ તબાહીના (Devastation) દ્રશ્યો સામે આવી રહ્યા છે. વડોદરા (Vadodara) નજીક છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના બોડેલીમાં (Bodeli) પણ ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું. માત્ર બોડેલી પંથકમાં પડેલા 22 ઈંચ વરસાદે સમગ્ર બોડેલી પંથકમાં ભારે તારાજી સર્જી છે. વરસાદના પાણી ઓસર્યા બાદ ભારે નુકસાનનાં દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદના પ્રકોપથી કબ્રસ્તાન (cemetery) પણ બાકાત રહ્યું નથી. ભારે વરસાદના કારણે 100થી વધુ કબર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
- છોટાઉદેપુર જિલ્લામાં પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા
- બોડેલીમાં 22 ઈંચ વરસાદ ખાબકતા ભારે નુકસાન
- પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા
છેલ્લા પાંચ દિવસમાં ભારે વરસાદે છોટાઉદેપુર જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. બોડેલી તાલુકામાં 22 ઈંચ વરસાદ વરસતા ઘણું નુકસાન થયું છે. હવે જ્યારે નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ઓસરતા ધીમે ધીમે નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બોડેલીના રજાકનગર દિવાન ફળીયા, વર્ધમાન નગરમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ હતી. તો બીજી તરફ હરખલી કોતર કબ્રસ્તાનમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ઓસરતા જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા કબ્રસ્તાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મુસ્લિમ સમાજના જણાવ્યા અનુસાર પાણીના કારણે 100 જેટલી કબરો પાણીમાં તણાઈ ગઈ હતી. તેમજ કબ્રસ્તાનની ચારોતરફ બનાવેલી દિવાલ પણ તૂટી ગયું હોવાનું સામે આવ્યું હતું. નિરીક્ષણ બાદ યુદ્ધના ધોરણે મુસ્લિમ સમાજના યુવાનોએ કામગીરી શરૂ કરી દીધી હતી. સમાજના અગ્રણી અશરફભાઇ મેમણે જણાવ્યું હતું કે, પાણીના કારણે કબ્રસ્તાનમાં બેસી ગયેલી કબરોનું પૂરાણ કરવા માટે કબ્રસ્તાનની બહારથી માટી લાવી પૂરાણ કરવામાં આવી રહ્યું છે. તેમજ કબ્રસ્તાનની તૂટી ગયેલી સંરક્ષણ દિવાલ બનાવવા માટે સરકાર પાસેથી સહાયની અપીલ કરાઈ હતી. કબ્રસ્તાનમાં અંદાજે 70થી 80 ટકા વ્યાપક નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. પ્રભારી મંત્રી નિમિશા સુથારે બોડેલી તાલુકાની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે બોડેલી પંથકમાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાઇ છે. જેમાં કબ્રસ્તાનને પણ ભારે નુકશાન થયું છે. તેથી વહેલી તકે કબ્રસ્તાનની ચારે તરફની નવી દિવાલ બનાવવા માટે રકમ ફાળવી આપવાની મુસ્લીમ સમાજને હૈયાધારણા આપી છે.