મોદીજીએ વડાપ્રધાન બનતા પહેલા એવું કહ્યું હતું કે, જ્યારે પણ રૂપિયો ડોલરની સામે તૂટે છે ત્યારે માત્ર રૂપિયો જ નહીં પરંતુ કેન્દ્ર સરકારની ઈજ્જત પણ તૂટે છે. જોકે, મોદીજી આવું બોલીને હવે ભૂલી ગયા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે રૂપિયો તૂટી-તૂટીને હવે પ્રતિ ડોલર 80 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આમ તો એવું કારણ આપવામાં આવે છે કે વૈશ્વિક બેંકો દ્વારા વ્યાજદરમાં કરવામાં આવી રહેલા વધારાને કારણે રૂપિયો તૂટી રહ્યો છે. સાથે સાથે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારોમાં વેચવાલી કરી રહ્યા છે તેની પણ અસર છે. જોકે, રૂપિયો તૂટવાને કારણે મોંઘવારી આગામી દિવસોમાં વધુ વકરશે અને તેને કારણે તમામ પ્રકારની આયાત મોંઘી થશે. સાથે સાથે વિદેશ પ્રવાસ તેમજ વિદેશ સાથે જોડાયેલી વસ્તુઓમાં પણ ભાવ વધારો જોવા મળશે. ગુરૂવારે ભારતીય ચલણ બજારમાં ડોલરની સામે રૂપિયાએ એક નવો જ વિક્રમ બનાવ્યો હતો અને ચાર દિવસથી સતત તૂટીને 79.89 એટલે કે 80 રૂપિયા પ્રતિ ડોલર થઈ ગયો હતો. રૂપિયાની આ ઓલટાઈમ લો સપાટી છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે, ચાલુ વર્ષે રૂપિયામાં 6.7 ટકા જેટલો ઘસારો જોવા મળ્યો છે. ભારતમાં જથ્થાબંધ મોંઘવારીના આંકડા જૂન મહિનામાં સતત 15માં મહિને 10 ટકાની ઉપર અને સતત ત્રીજા મહિને 15 ટકાની ઉપર જોવા મળ્યા છે. આ કારણે રૂપિયામાં મંદીનો માહોલ સર્જાઈ ગયો છે. વર્ષ 2022ની જ્યારે શરૂઆત થઈ ત્યારે પ્રતિ ડોલર રૂપિયાનો ભાવ 73-74 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો હતો. આજે જ્યારે રૂપિયો 80ની નજીક પહોંચી ગયો છે ત્યારે એવું માની શકાય કે રૂપિયામાં 8થી 9 ટકાનો કડાકો જોવા મળ્યો છે. એક અંદાજ પ્રમાણે, વિદેશી રોકાણકારો દ્વારા ભારતના શેરબજારોમાંથી આશરે 30 અબજ ડોલર જેટલું રોકાણ પરત ખેંચી લેવાયું છે. એટલે કે વેચવાલી કરાઈ છે.
વિદેશી રોકાણકારો દ્વારા એ કારણથી વેચવાલી કરવામાં આવી છે કે અમેરિકામાં મંદીનો માહોલ છે. અમેરિકામાં વધી રહેલા ફુગાવાની અસરથી પણ વેચવાલી કરવામાં આવી છે. અમેરિકાની મંદી આગામી દિવસોમાં આખા વિશ્વમાં મંદીનો માહોલ પ્રસરાવશે. અમેરિકાની આ સ્થિતિના ડરથી પણ આગામી દિવસોમાં ભારતીય રૂપિયો વધુ નીચે જાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. અગાઉ રૂપિયાને ગગડતો અટકાવવા માટે આરબીઆઈ દ્વારા રેપોરેટ વધારવાની સાથે અન્ય પગલાઓ લેવામાં આવ્યા હતા પરંતુ તેની અસર જોવા મળી નથી.
રૂપિયો ગગડવાને કારણે ભારતને મોટું નુકસાન થાય તેમ છે. સામાન્ય રીતે જો નિકાસ વધારે હોય તો રૂપિયા ગગડવાનો ફાયદો થાય પરંતુ ભારત મોટાભાગે વિદેશોમાંથી આયાત પર નિર્ભર છે. આ સંજોગોમાં રૂપિયા ગગડે તે ભારતને પાલવે તેમ નથી. આયાત માટે જે ચૂકવણી કરવામાં આવે છે તે ડોલરમાં કરવાની રહે છે. રૂપિયા તૂટવાને કારણે તેની સીધી અસર ફુગાવામાં જોવા મળે છે. રૂપિયો ગગડવાને કારણે વિદેશ સાથે જોડાયેલી અનેક બાબતોમાં તેની અસરો જોવા મળશે. રૂપિયો ગગડવાને કારણે ભારતનું વિદેશી હુંડિયામણ ઘટે છે. હાલમાં પણ વિદેશી હુંડિયામણમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આ ઘટના ‘પડતા પર પાટું’ સમાન છે. ભારતમાંથી વિદેશી રોકાણકારો દ્વારા જે રોકાણ પરત લેવામાં આવ્યું છે તે તાઈવાન બાદના બીજા નંબરે છે. રૂપિયો તૂટવા પાછળના કારણો ગમે તે પણ હોય પરંતુ કેન્દ્ર સરકારે હવે આ મુદ્દે ગંભીરતા બતાવવી ખૂબ જ જરૂરી છે.
રૂપિયો તૂટતો રહેશે તો ભારતને મોટો માર પડશે. ભારતના વિદેશી હુંડિયામણને વ્યાપક નુકસાન થશે અને તેવા સંજોગોમાં ફુગાવાનો વધારો દેશમાં મોંઘવારી વધારશે. જેનો સીધો બોજો નાગરિકો પર આવશે. કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડોલરની સામે રૂપિયો ગગડવાની બાબતે ધ્યાન આપવામાં નહીં આવે તો જે રીતે મોદી વિપક્ષો પર સરસંધાન કરતાં હતા તેવી જ રીતે વિપક્ષો પણ મોદી પર પ્રહારો કરશે તે નક્કી છે.