Columns

પ્રિય સન્નારી

મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે એનો આનંદ તો હૈયે હોય જ પણ વરસાદમાં પૂરતી વ્યવસ્થાને અભાવે અનેક ગરીબ લોકોએ હેરાન થવું પડે છે. સૂતા હોય ત્યાં જ પાણી ટપકે, માંડ માંડ ઢંકાતો દરવાજો પવનના ઝપાટાથી તૂટી જાય. ઘરની સામે જ ગટરનાં ગંદા પાણીએ બેક મારીને તળાવ બનાવ્યું હોય. મચ્છર – માખી અને અન્ય જીવાતો ચોવીસ કલાક આજુબાજુ ભમરાતી હોય ત્યારે આ સાવનનો મહિનો દુશ્મન જેવો લાગે. ઘરમાં બેસીને કે ગાડીમાં ફરતાં – ફરતાં વરસાદને માણવો કે કોફી અને ભજિયાંની જયાફત ઉઠાવવી એ એક વાત છે અને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિમાં જીવવું એ બીજી વાત છે. તેમ છતાં આ આકાશની મહેર અને કહેર બંને સામે યોગ્ય વ્યવસ્થા હોય તો દુષ્પરિણામો ટાળી સુપરિણામો મેળવી શકાય.

સન્નારીઓ, વિકાસની બૂમરેંગ બે દિવસના મુશળધાર વરસાદમાં ઉઘાડી પડી જાય છે. લોકોને ઘરોમાં પડતી અંગત મુશ્કેલીઓની વાત જવા દો પરંતુ જાહેર રસ્તાઓને જુઓ. ઠેર – ઠેર ખાડાઓ જુઓ શું આપણે આ માટે ટેકસ ભરીએ છીએ? ટુ વ્હીલર્સ પર જાઓ કે કારમાં અડધો કલાક શહેરમાં ફરો તો કમરનો દુખાવો થઇ જાય. અકસ્માતની શકયતા તો ખરી જ. દર વર્ષે રીપેર થતાં રસ્તાઓ આ રીતે બિસ્માર થઇ જાય એનો અર્થ એ કે એ બનાવવામાં જ પોલમપોલ છે. શાસકો અને અધિકારીઓ આ અંગે મગનું નામ મરી પાડતા નથી. રસ્તા બનાવનાર કોન્ટ્રાકટરો, એ વિસ્તારના કોર્પોરેટરો અને ધારાસભ્યો આ માટે જવાબદેહી નથી?

આ બધાને ખુલ્લા પાડવા હોય તો રસ્તાનાં નામની સાથે કોન્ટ્રાકટર કે કંપનીનું નામ, ટેન્ડર પાસ કરનાર અધિકારીનું નામ લખો. એમની જવાબદારી છે તો એમની પાસે જવાબ માંગો, પગલાં લો, સજા આપો…. અને આ માટેનું આંદોલન પ્રજાએ જ કરવું પડશે. હજુ પણ આપણે રસ્તા, પાણી, ગંદકી જેવી ૧૯મી સદીની સમસ્યાઓ સામે જ લડતાં રહેવાનું છે? એક તરફ સ્વચ્છ અને કન્ટેનર ફ્રી શહેરની વાતો થાય છે પરંતુ કન્ટેનર હટવાથી સોસાયટીના નાકે કચરાના ઢગલા થાય છે. કચરો લેવાવાળી ગાડી નિયમિત સમયે આવતી ન હોવાથી જેતે એપાર્ટમેન્ટ કે સોસાયટીની કચરાવાળી બહેનો બહાર કચરાના થેલા ખડકી દે અને એકાદ કૂતરું એને ફાડે એટલે આખા રસ્તા પર કચરો ફેલાય અને મચ્છર – માખીનો ઉપદ્રવ વધારે.

સન્નારીઓ, આશ્ચર્યની વાત એ છે કે ધર્મ – સંપ્રદાય વગેરે મુદ્દે જરા ય આમતેમ બોલાય તો પણ લોકો ભડકી ઊઠે છે પરંતુ લોકોને રોજેરોજ થતાં અન્યાય સામે, ભોગવવી પડતી હાલાકી સામે કેમ કોઇ ભડકતું નથી? શું સોશ્યલ મીડિયા પર રાજકારણીઓ પરના જોકસ વાયરલ કરવાથી આપણી સમસ્યાઓ હલ થશે? એક તરફ મોંઘવારી – બેકારી અને બીજી તરફ આ બધી સમસ્યાઓ. ઘણી વાર તો એવું લાગે કે કોઇને કંઇ પડી જ નથી. પીડાને ગળે વળગાડીને જીવવું આપણને ગમે છે. આપણો અવાજ, આપણી શકિત ફાલતુ બાબતો પાછળ ખર્ચાય જાય છે. શું આપણે ઘુવડની જેમ સર્વત્ર અંધકારનું સામ્રાજય સ્વીકારી લીધું છે?

શું આપણે સમસ્યાઓથી ભાગનારા ભાગેડુ છીએ કે આ બધાથી આપણે એટલા ટેવાઇ ગયા છીએ કે આ સ્થિતિને જ આપણે આપણી નિયતિ માની લીધી છે? સેલ્ફી, રીલ્સ, અને લાઇકના આભાસી સુખથી આગળની દુનિયા સામે આંખ – મીંચામણા કઇ રીતે ચાલશે? માત્ર શહેરના અને સમાજના પ્રશ્નોની જ વાત નથી. અંગત કે પારિવારિક જીવનમાં પણ પલાયનવાદ નામનો રોગ ખૂબ ઝડપથી વકરી રહ્યો છે. લોકોને જેટલો સારું બતાવવામાં રસ છે એટલો રસ સારું કરવામાં નથી. વળી, આજકાલ લોકોને પોઝિટિવીટીનો રંગ એટલો ચડયો છે તેઓ એવું માનવા માંડયા છે કે સારું સારું વિચારવાથી કે સારા – સારા ફોટા પડાવીને મૂકવાથી બધું સારું થઇ જશે.

પોઝિટિવીટી એ ઇમ્પ્રુવમેન્ટ કે સકસેસની પ્રથમ સીડી છે. સફળતા માટે પ્રયાસ, પ્લાનિંગ, પ્રાયોરીટી, પરફેકશન, અને સ્ટ્રગલ જેવાં અનેક પગથિયાં ઓળંગવા પડે છે. વાત સંબંધની હોય કે વ્યવસાયની… માત્ર સારો વિચાર સ્થિતિને સુધારી શકતો નથી. એ માટે સારું, જરૂરી અને યોગ્ય કાર્ય કરવું જ પડે. વળી, કેટલાંક લોકો સંજોગોને દોષ આપી છટકી જાય છે આ દુનિયામાં 90% બાબતોનાં સારા કે ખોટાં પરિણામ માટે ખુદ આપણે જવાબદાર છીએ.

હર સમયે આપણી સમસ્યાઓ માટે બીજાને જવાબદાર ઠેરવવાની વૃત્તિ એ હારનો પહેલો ખાડો છે. એમાં પડયા પછી બહાર નીકળવાનું મુશ્કેલ છે. સન્નારીઓ કહેવાનો મતલબ એ છે કે ઘટના સમાજની, તંત્રની કે પરિવારની હોય, આંખ આડા કાન કરીને માત્ર પોતાનામાં જ મસ્ત અને વ્યસ્ત રહેવાની વૃત્તિ વિનાશકારી છે. વાજબી વિરોધ, એકશન અને જાગૃતિ લોકોને સક્રિય બનાવી શકે અને સારા માણસની સક્રિયતા સર્વ રીતે લાભકારક છે. તો જાગો અને ઊંઘતા લોકોને જગાડો અને તમારા અધિકાર માટે લડો. – સંપાદક

Most Popular

To Top