પારડી: પારડીના (Pardi) આમળી ગામમાં નદી કિનારા પાસે 15 કલાકથી ઘરમાં ફસાયેલા ૧૪ લોકોનું ચંદ્રપુર માંગેલા લાઇફ સેવરની ટીમે (Life Saver’s team) રેસ્કયુ (Rescue) કર્યું હતું. ભારે વરસાદને (Heavy Rain) કારણે ત્રણ પરિવાર (Family) ઘરમાં ફસાયા હોવાની જાણ સરપંચે પારડી મામલતદાર આર.આર. ચૌધરીને જાણ કરતા ચંદ્રપુર માંગેલા લાઇફ સેવર ટ્રસ્ટને જાણ કરી હતી. આ તમામ 14 લોકોને હોડીમાં બહાર કાઢ્યા હતા.
કલેકટર અને ટીડીઓ એસ.ડી. પટેલની ટીમ અને ચંદ્રપુરની ટીમ તાત્કાલિક આમળી ગામે પહોંચી ચંદુભાઈ ચતુરભાઈ, દિનુબેન ચંદુભાઈ, બીપીનભાઈ ચંદુભાઈ, મનિષાબેન બીપીનભાઈ, ડીસન બીપીનભાઈ, મનીષ સુભાષભાઈ, ગીતાબેન મનીષભાઈ, અંશ મનીષભાઈ, મધુબેન સુભાષભાઈ, ત્વિશા મનીષભાઈ, રામુભાઈ અમરતભાઈ, સંગીતાબેન રામુભાઈ ઇન્દુબેન અમૃતભાઈ, રીપેશ રામુભાઇ મળી 14 લોકોને હોડીમાં બહાર કાઢ્યા હતા.
બારડોલીના ખરડ ગામ પાંચ દિવસથી સંપર્કવિહોણું
બારડોલી: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે. બારડોલી તાલુકામાં પણ ઠેર ઠેર પાણી થઈ ગયું છે. ત્યારે ખરડ છીત્રા ગામ છેલ્લાં પાંચ દિવસથી સંપર્કવિહોણું બન્યું છે. અહીં રહેતા 35 જેટલા લોકો પાંચ દિવસથી બહાર નીકળી શક્યા નથી. બીજી તરફ છીત્રા ગામ પણ છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે સંપર્કવિહોણું બની જતાં લોકોની હાલત દયનીય બની છે. તંત્ર સતત બંને ગામો પર નજર રાખી રહ્યું છે.
ભારે વરસાદને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તબાહી મચી ગઈ છે. ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદ થઈ રહ્યો હોય પૂર્ણા, અંબિકા નદી તોફાની બની છે. પૂર્ણા નદીની જળસપાટીમાં ફરી એક વખત વધારો થતાં બારડોલી તાલુકાના ખરડ અને છીત્રા ગામમાં પણ તેની અસર જોવા મળી હતી. ખરડ ગામનો બુધવારે ચાર દિવસ બાદ સંપર્ક થઈ શક્યો હતો. પરંતુ નદીની જળસપાટી વધતાં ચાર કલાક બાદ ફરી એપ્રોચ રોડ પર પાણી ફરી વળતાં ગામ સંપર્કવિહોણું બન્યું હતું. હાલ પણ ગામમાં જવાઈ એવી કોઈ સ્થિતિ ન હોવાથી ત્યાં વસતા લોકોની હાલત દયનીય થઈ ગઈ છે. પાંચ દિવસ સુધી ગામની બહાર નહીં નીકળી શકતા લોકોને રાશન પાણીની પણ મુશ્કેલી પડી રહી છે. જો કે, બારડોલી વહીવટી તંત્ર દ્વારા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બુધવારે થોડા સમય માટે રસ્તો ખૂલતાં જરૂરી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા.