SURAT

સુરતનાં કતારગામ વિસ્તારના ડભોલી લેક ગાર્ડનની તસવીર બદલાઈ જશે

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા શહેરનાં જે જૂનાં તળાવો છે તેનાં ડેવલપમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ઘણાં લેક ગાર્ડન (Lake Garden) ડેવલપ કરાયાં છે. હાલના બજેટમાં મનપા કમિશનર દ્વારા 15 તળાવનાં ડેવલપમેન્ટની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ શહેરનાં તમામ 38 તળાવ ડેવલપ કરવાનું મનપાનું આયોજન છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તળાવોનાં ડેવલપમેન્ટ સાથે તેની આસપાસનો વિસ્તાર ડેવલપ કરવા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવના આસપાસની જે રાજ્ય સરકાર હસ્તકની જમીનો હશે તેનો કબજો મેળવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત કતારગામ વિસ્તારમાં આવેલા ડભોલી લેક ગાર્ડનની મનપા દ્વારા રિડેવલપમેન્ટ કામગીરી કરવામાં આવશે. જે માટે કુલ 2.13 કરોડના અંદાજના ખર્ચની દરખાસ્ત ગાર્ડન વિભાગ સમક્ષ મૂકવામાં આવી છે.

  • ડભોલી લેક ગાર્ડનને કુલ રૂ.2.13 કરોડના ખર્ચે રિ-ડેવલપ કરાશે
  • મનપાના ગાર્ડન વિભાગ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી

કતારગામ વિસ્તારમાં ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં.51(ડભોલી), ફા.પ્લોટ નં. 121 અને 149 ખાતે આવેલા ડભોલી લેક ગાર્ડનનું તા.5/10/2009માં લોકાર્પણ કરાયું હતું. ડભોલી લેક ગાર્ડન કુલ 18,681 ચો.મી. વિસ્તારમાં છે. આ લેક ગાર્ડનમાં ચોમાસા દરમિયાન તળાવના માટીના પાળાનું ધોવાણ થાય છે અને જેને કારણે તળાવની પેરીફરીમાં આવેલા પેવર બ્લોકના વોક-વેનું સેટલમેન્ટ થાય છે. જેથી આ લે-ગાર્ડનને રિ-ડેવલપ કરવાનું આયોજન કરાયું છે.

જેથી હવે રિ-ડેવપમેન્ટ કામગીરી અંતર્ગત તળાવના પાળાના પ્રોટેક્શન માટે ગેબિયન લેવિંગની કામગીરી કરાશે. તેમજ અન્ય સિવિલ અને ઈલેક્ટ્રિફિકેશનનાં કામો પણ કરાશે. જે માટે કુલ રૂ.2.13 કરોડનો અંદાજ ગાર્ડન સમિતિમાં મુકાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં 1 હેક્ટરથી મોટાં તળાવો છે તેવા લેકના ડેવલપમેન્ટ પર ભાર મુકાશે. શહેરમાં નાનાં-મોટાં કુલ 192 તળાવ છે. જે પૈકી મોટાં 38 તળાવની આસપાસનો વિસ્તાર ડેવલપ કરાશે. અને પ્રથમ તબક્કામાં હાલમાં 15 તળાવનાં ડેવલપમેન્ટ પર ભાર મુકાશે.

Most Popular

To Top