આણંદ : રાજ્યભરમાં સહકારી બેંકમાં એક સમયે નામના મેળવનારી ચરોતર નાગરિક બેંક ફડચામાં ગયા બાદ રિકવરીની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જરૂરી ડિપોઝીટ ભેગી થયા બાદ તેને પુનઃ જીવન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે યોજાયેલી એક બેઠકમાં તેને ક્રેડિટ સોસાયટીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ નિર્ણય સામે વરિષ્ઠ નાગરિક બળવંતભાઈ પટેલે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મામલો છેક ગાંધીનગર સંયુક્ત રજીસ્ટ્રાર (ફડચા) સુધી પહોંચ્યો હતો. જેની ઉપરા છાપરી મુદતો બાદ 14મી જુલાઇના રોજ અંતિમ સુનાવણી રાખવામાં આવી છે.
આ સુનાવણીમાં ચરોતર નાગરિક સહકારી બેંકનું ક્રેડિટ સોસાયટીમાં રૂપાંતર થશે કે કેમ ? તેનો નિર્ણય જાહેર કરવામાં આવશે. ચરોતર નાગરિક કો. ઓપ. બેંક લી. સંદર્ભે બળવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચરોતર નાગરિક કો. ઓપ. બેંક લી. (ફડચામાં) નવ હજાર સભાસદો છે. સાધારણ સભામાં પાંખી હાજરી સભાસદોની માત્ર 35 સંખ્યા હતી, 15 મિનીટમાં જ ઠરાવ કરી બહાલમાં મારો વાંધો વિગતે જણાવેલી તેની નોંધ કરાવી છે. તેથી આ ઠરાવ અંગે પુનઃ વિચાર કરી તમામ નવ હજાર સભાસદોને લેખિત જાણ કરી પુનઃ સાધારણ સભા બોલાવી તેમાં સભાસદોને અવગત કરી ઠરાવ રજુ થાય.
આ સભા ઠરાવમાં જે તે પ્રક્રિયા સભાસદોને બોલાવવાનો અધિકાર બક્ષાય તો જ સહકારી માળખા પ્રમાણે આગળ વધાય તો સારૂ. ઘણી મોટી સંખ્યામાં સભાસદો વંચીત છે. ચરોતર નાગરિક કો. ઓપ. બેંક લી. (ફડચા)માં ઘણા વર્ષો વિત્યા પછી આ બેંકને આટોપી તેની તમામ જંગ – સ્થાવર મિલકત કરોડો રૂપિયાની છે. તેને વેચી સભાસદોને લેણદારોને જે તે ચુકવવી આ ન્યાયોચિત પગલું ગણાશે.
ચરોતર નાગરિક કો. ઓપ. બેંક લી.ની બેઠી મિલકતને રૂપાંતર અયોગ્ય છે. આથી, નવ હજાર સભાસદોને વિશ્વાસમાં લેવા જોઈએ. તેમના સૂચનો મેળવવા જોઈએ. બેંકે ગુમાવેલી પ્રતિષ્ઠા જોતા સભાસદોને યોગ્ય ન્યાય મળે તે જરૂરી છે. ચરોતર નાગરિક સહકારી બેંક લી. (ફડચામાં)ને ક્રિડેટ સોસાયટીમાં રૂપાંતરિત કરવા અંતિમ સુનાવણી 14મી જુલાઇ,2022 બપોરે રાખવામાં આવી છે. જેમાં બળવંતભાઈ પટેલ ઉપરાંત ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર ધી ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ બંક લી. વિગેરે હાજર રહેશે.
દરેક સભાસદને શેર મુડીના રૂપિયા પરત કરવા માંગ
ચરોતર નાગરિક સહકારી બેંક લી.ના સર્વે સભાસદોને એક પત્ર મોકલવામાં આવે, જેમાં દરેક સભાસદને કે જેઓ ચરોતર નાગરિક સહકારી બેંક લી. (ફડચામાં)ને ક્રેડિટ સોસાયટીમાં રૂપાંતરિત કરવા માટે સહમદ નથી. તેમને શેર મુડીના રૂપિયા હાલના મૂલ્યાંકન (ગર્વમેન્ટ માન્ય કોઇ પણ 3 વેલ્યુઅરના એવરેજ રિપોર્ટ)ના અનુસાર પરત આપવામાં આવે. તેવી માગણી બળવંતભાઈ પટેલે કરી છે.
બેંકની 800 કરોડની મુડી પર કબજો જમાવવાની કોશીષ છે
આણંદના બળવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, બેંકમાં ગેરરીતિઓ થવાથી આશરે 2002માં બેંક ફડચામાં ગઇ હતી અને ફડચા અધિકારીની નિમણૂંક કરવામાં આવી હતી. બાદમાં તેમના અથાગ પ્રયત્નોથી તેઓ બેંકના લેણદાર તેમજ થાપણદારોને તેમના રૂપિયા બેંકની રિકવરી કરીને ચુકવી આપેલ હતાં. બેંકની પાસે બધુ જ દેવુ ચુકવ્યા પછી જે વધારાની મુડી (સ્થાવર અને જંગમ) બાકી રહે છે, તે આશરે 9 હજાર સભાસદોની વચ્ચે વહેંચી આપવાના બદલે ફક્ત ગણ્યાં ગાંઠ્યા 50થી પણ ઓછા લોકો તે આશરે 800 કરોડથી વધુ મિલકતને પોતાના કબજામાં રાખી મુકવા માટે હવે તેને ક્રેડિટ સોસાયટીમાં રૂપાંતરિત કરવા માંગે છે. આ સંદર્ભે તેઓએ સભાસદોને લેખિતમાં ઠરાવની નકલ અને તેના સાથે બીજા વૈકલ્પિક ઉપાયો જણાવવાને બદલે ફક્ત 800 કરોડ જેટલી મુડી ઉપર તેનો ફરીથી કબજો જમાવવા માંગે છે.
છેલ્લા 18 વર્ષથી વાર્ષિક અહેવાલ કે ડિવિડન્ટ ચુકવાવમાં આવ્યું નથી
ચરોતર બેંકની શાખાઓ અને તેના સભાસદો આણંદની બહાર પણ છે. જેઓને આજદિન સુધી આ અંગેની જાણ નથી. આમ કાયદાની જોગવાઇ અનુસાર યોગ્ય રીતે સામાન્ય સભા બોલાવવાની પદ્ધતિનું પાલન થયું નથી. આ ઉપરાંત ક્યાંય મુડી, દેવા, લેણા સહિતની તમામ વિગતોનો અને તેની રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. છેલ્લા 18 વર્ષથી ક્યારેય બેન્કનો વાર્ષિક અહેવાલ સભાસદોને મળ્યો નથી. આ ઉપરાંત છેલ્લા 18 વર્ષથી શેર મુડી પર ડિવિડન્ડ પણ ચુકવવામાં આવ્યું નથી.