World

શ્રીલંકા: રાનિલ વિક્રમસિંઘેને કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારવાનો વિપક્ષી દળોનો ઈન્કાર

શ્રીલંકા: શ્રીલંકામાં (SriLanka) થઈ રહેલા ભારે હંગામા વચ્ચે વડાપ્રધાન (PM) રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ (President) બનાવવામાં આવ્યા હતા. પરંતુ વિપક્ષી દળોએ બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં રાનિલ વિક્રમસિંઘેને કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. વિરોધ પક્ષોએ માંગ કરી છે કે રાનિલ વિક્રમસિંઘેએ પદ પરથી રાજીનામું આપવું જોઈએ. આ સિવાય તેમને આંદોલનકારીઓ પર કોઈપણ પ્રકારનું બળપ્રયોગ ન કરવા પણ સૂચના આપવામાં આવી હતી.વિક્રમસિંઘેને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવાના સમાચાર સામે આવતાની સાથે જ વિરોધીઓંમાં વઘુ રોષ ભરાઈ આવ્યો હતો અને તેઓએ રસ્તાઓ (Road) પર આંદોલન ઉગ્ર બનાવ્યું હતું. પ્રદર્શનકારીઓને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા હતા અને હવામાં ગોળીબાર (Firing) કરવામાં આવ્યો રહ્યો હતો. શ્રીલંકામાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ કારણોસર અહીં ઈમરજન્સી લાદવામાં આવી છે. કોલંબોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. બીજી તરફ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે હવે માલદીવથી સિંગાપોર જશે તેવી પણ માહિતી મળી છે.

ગોટાબાયા રાજપક્ષેના દેશ છોડવાના સમાચાર પછી દેશની જનતા રસ્તા પર આવી ગઈ હતી. કોલંબોમાં વડાપ્રધાનના આવાસની બહાર વિરોધ પ્રદર્શનને જોતા મોટી સંખ્યામાં સૈન્ય જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા પ્રદર્શનકારીઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કોલંબોમાં, સુરક્ષા કર્મચારીઓએ પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ છોડ્યા હતા કારણકે તેઓએ વડાપ્રધાન કાર્યાલય તરફ કૂચ કરી રહ્યા હતા. જણાવી દઈએ કે 22 મિલિયન લોકોની વસ્તી ધરાવતું શ્રીલંકા સાત દાયકાના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં લાખો લોકો ખોરાક, દવાઓ, ઈંધણ જેવી મૂળભૂત વસ્તુઓ માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે.

શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે ગોટાબાયા રાજપક્ષેએ બુધવારે વહેલી સવારે માલદીવમાં આશ્રય લીધો હતો. આનાથી માલદીવના લોકોમાં નારાજગી જોવા મળી છે અને તેઓ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શ્રીલંકાના નાગરિકો ગોટાબાયાને માલદીવમાં આશ્રય આપવાના સરકારના નિર્ણય સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. આ પ્રદર્શન માલદીવની રાજધાની માલેમાં કરવામાં આવી રહ્યું છે. વિરોધીઓ માલદીવની સરકાર પાસે “ગુનેગારો અને ચોરો” ને રક્ષણ આપવાનું બંધ કરવાની માંગ કરી રહ્યા છે. માલદીવ સરકાર સામે વિરોધ કરી રહેલા એક શ્રીલંકાના નાગરિકની પણ પોલીસે ધરપકડ કરી છે. માલદીવના લોકોના વિરોધને કારણે ગોટાબાયા હવે સિંગાપુર જાય તેવી ચર્ચા છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ગોટાબાયાને માલદીવની સંસદના સ્પીકર અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે શ્રીલંકામાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. ગોટાબાયા સરકાર વિરુદ્ધ જાહેરમાં થઈ રહેલા બળવા વચ્ચે બુધવારે વહેલી સવારે ગોટાબાયા તેમની પત્ની સાથે લશ્કરી વિમાન દ્વારા માલદીવ પહોંચ્યા હતા. શ્રીલંકાના વાયુસેનાએ દેશમાંથી ભાગી જવા માટે સૈન્ય વિમાનના ઉપયોગ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે રાજપક્ષે અને તેમની પત્નીને દેશની બહાર લઈ જવા માટે દેશના બંધારણ અથવા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.

Most Popular

To Top