વલસાડ : વલસાડમાં (Valsad) ઔરંગા નદીમાં (River) આવેલા પૂરની (Flood) સૌથી માઠી અસર ઔરંગા નદી પર બનાવેલા પુલની થઇ છે. વલસાડ શહેરના દ્વાર સમા બે પુલ જર્જરિત થઇ ગયા છે. જેના કારણે અહીં વાહન વ્યવહાર શરૂ થવો મુશ્કેલ બન્યો છે. જેમાં કૈલાસ રોડનો સ્મશાનભૂમિ પાસેના પુલ પરથી વાહન પસાર થવા અશક્ય બન્યા છે. વલસાડમાં પૂરના કારણે ઔરંગા નદીના બે પુલની હાલત બગડી ગઇ છે.
કૈલાસ રોડના ડૂબાઉ પુલની હાલત વધુ કથળી છે. અહીંના રોડ ઉખડી ગયા છે. આ પુલ પર તમામ પ્રકારના વાહનોની અવર જવર પર 12 તારીખ સુધી પ્રતિબંધ ફરમાવાયો હતો. જોકે, હજુ બે થી ત્રણ દિવસ આ પુલથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ બંદર રોડથી લીલાપોર ગામને જોડતા બ્રિજની હાલત પણ બગડી ગઇ છે. અહીં નદીનો કચરો પુલ પર આવી ગયો છે. તેમજ અહીં પણ રોડને નુકશાન થયું છે. ત્યારે આ પુલની મરામત અને સફાઇ જરૂરી બની છે.
સતત ચોથા દિવસે ચીખલી પંથકના નવ માર્ગો વાહન વ્યવહાર બંધ
ઘેજ: ચીખલી પંથકમાં સતત છઠ્ઠા દિવસે મેઘમહેર યથાવત રહેવા સાથે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તાલુકામાંથી પસાર થતી કાવેરી સહિતની લોકમાતાઓના પાણીની સપાટીમાં ઘટાડો થતા કંઇક અંશે રાહત થવા પામી હતી. જો કે સતત ચોથા દિવસે નવ માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ રહ્યો હતો.
ચીખલી તાલુકામાં છ જુલાઇથી સતત મેઘમહેર યથાવત રહી છે અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી તાલુકામાંની કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓ અને સ્થાનિક કોતરોમાં પણ ઘોડાપૂરની સ્થિતિ રહેતા જનજીવન પણ પ્રભાવિત થયું હતું. આ દરમ્યાન મંગળવારના રોજ વરસાદનું જોર ઘટતા કાવેરી નદીની સપાટીમાં ઘટાડો થતા 14 ફૂટે વહી રહી હતી. તાલુકામાં ચોવીસ કલાકમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સીઝનનો કુલ વરસાદ 42.84 ઇંચ નોંધાયો હતો. જો કે બપોરબાદ વરસાદનું જોર ઘટ્યું હતું. પરંતુ ઝરમર વરસાદ ચાલુ જ રહ્યો હતો.
ચીખલી તાલુકામાં વરસાદથી અનેક ઘરોને નુકશાન
ચીખલી તાલુકામાં વરસાદ વચ્ચે ગોડથલમાં ચીમન પટેલ, ખરોલીમાં બાબુભાઇ હળપતિ, શરદભાઇ હળપતિના ઘરોને નુકશાન થયું હતું. મલવાડાના પટેલ ફળિયામાં પ્રકાશ બાલુ અને મહેશ પટેલનું ઘર નમી જતા જોખમી બન્યું હતું. માંડવખડકના પટેલ ફળિયામાં મીનાબેન પટેલના ઘરનો પાછળનો ભાગ તૂટી પડ્યો હતો. રૂમલાના આંબાપાડામાં નાનુભાઇ પવારનું ઘર જમીનદોસ્ત થયું હતું. ઉપરાંત માણેકપોરના ખાડી ફળિયાના અનિસ મૂન્સીના ઘરની પેજોરી તૂટી પડી હતી. દેગામના દેસાઇ ફળિયામાં રાકેશ રાઠોડના ઘરને નુકશાન થયું હતું. ઉપરાંત ખાંભડાના દેસાઇ ફળિયામાં વિનોદ મુકેશ પટેલના ઘર પર ઝાડ પડતા મકાનને મોટુ નુકશાન થયુ હતું.
ચીખલી તાલુકામાં સતત ચોથા દિવસે બંધ કરાયેલા માર્ગ
રૂમલા-નડગધરી રોડ, દોણજા નાની ખાડી પ્રતાપનગર રોડ, દોણજા હાથીનગર, સાદડવેલ રોડ, રૂમલા-મોગરાવાડી રોડ, સોલધરા-નાયકીવાડ રોડ, ટાંકલ હનુમાન ફળિયા રોડ, સૂંથવાડ-બારોલીયા રોડ, ટાંકલ-બોડવાંક દાદરા ફળિયા રોડ, બામણવેલ-દોણજા રોડ