સુરત(Surat): સુરતના કતારગામ (Katargam) વિસ્તારમાં આજે મંગળવારે સવારે એક ડાયમંડ (Diamond) કંપનીના (Company) ચોથા માળે આગ (Fire) લાગી હતી. કોલ મળતા જ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને બુઝાવી હતી. કંપનીના સર્વર રૂમમાં શોર્ટ સર્કિટ થવાના લીધે આગ લીધી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 6 વાગ્યે કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલી સી દિનેશ ડાયમંડ કંપનીની ફેક્ટરીના ચોથા માળે આગ લાગી હતી. અહીં ચોથા માળે સર્વર રૂમ હતો, જેમાં શોર્ટ સર્કિટ થવાના લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગ્યાની થોડી જ ક્ષણોમાં ફેકટરીનું ફર્નિચર, કાગળિયા અને કોમ્પ્યૂટર ઝપેટમાં આવી ગયા હતા. સવારે 6 વાગ્યાનો સમય હોય ફેક્ટરીમાં વધારે સ્ટાફ નહોતો, જેના લીધે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સામાન બળીને ખાક થઈ ગયો હતો. ફાયર બ્રિગેડને કોલ મળતા કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.
નોંધનીય છે કે સી દિનેશ ડાયમંડ કંપની જીગર દોષીની માલિકીની છે. સવારના સમયે આગ લાગી ત્યારે કર્મચારીઓની સંખ્યા ઓછી હોય કોઈ મોટી દુર્ઘટના ટળી હતી.
દેવું વધી જતા લિંબાયતની 58 વર્ષિય આધેડ મહિલાનો આપઘાત
સુરત : લિંબાયત સુમન સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતી આધેડ મહિલાએ દેવુ વધી જતા આર્થિક સંકડામણ અનુભવતા ફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ડુંભાલ વિસ્તારના સુમન સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા વેંકટેમસ નારાયણ મોટેના પત્ની લક્ષ્મીબેન મોટે (ઉ.વ.58)એ ગત રાત્રે પોતાના ઘરે બાથરૂમની બારી સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતક લક્ષ્મીબેન સિલાઈકામ કરી પરિવારને મદદરૂપ થતી હતી. પરિવારને દેવું થઇ જતા આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા હતા. દેવું ચુકવવા તેમણે મકાન પણ ગિરવે મુક્યું હતું અને ભાડેથી રહેવા ગયા હતા. આ સ્થિતિમાં તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું.