Columns

શિક્ષણ ક્ષેત્રે કેટલીક ઘટનાઓ માત્ર ચિંતાજનક નહીં, દુ:ખદ પણ છે

ગુજરાતના શિક્ષણજગતમાં જાણે ઘડિયાળના કાંટા ઉલટા ચાલી રહ્યા છે. એક બાજુ લોકો, સામાજિક આગેવાનો, રાજકીય નેતાઓ સરકારની એ મુદ્દે ટીકા કરી રહ્યા છે કે ગુજરાતમાં ખાનગી શિક્ષણ સંસ્થાઓ વધતી જાય છે. પણ સરકારી કે અનુદાનિત શિક્ષણ સંસ્થાઓ વધતી નથી. રાજયમાં શાળા – કોલેજ – યુનિવર્સિટીની કુલ સંખ્યામાં વધારો થતો જાય છે પણ તેમાં સરકારનો કોઇ ફાળો નથી.

જે કાંઇ વધ્યું છે તે તો ખાનગી છે. પણ, આ હકીકતની વચ્ચે સામે આવેલા સમાચાર એ છે કે અમદાવાદનાં કેટલાંક ટ્રસ્ટોએ પોતાની ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો બંધ કરવા સરકાર પાસે મંજૂરી માંગી છે. આ ટ્રસ્ટો તેમની ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો બંધ કરવા માંગે છે. વળી તાજેતરમાં સરકાર દ્વારા અનુદાનિત કોલેજોમાં અધ્યાપકોની ભરતી માટે જે પ્રક્રિયા ચાલે છે તેમાં પણ આવી કોલેજો ભાગ લેતી નથી. મતલબ, નવા અધ્યાપકોની ભરતી કરતી નથી. એટલે જૂના અધ્યાપકો નિવૃત્ત થવા સાથે આપોઆપ આ સંસ્થા બંધ થશે.

એક ઉશ્કેરાયેલા માણસે ગાંધીજીની હત્યા કરી હતી. પણ ગાંધીના ગુજરાતમાં લાલચુ – ગણતરીબાજ લોકો ગાંધીવિચારને રોજ મારી રહ્યા છે ‘તેન ત્યકતેન ભૂંજીથા:!’ તેને તું ત્યાગીને ભોગવ એ ઉપનિષદ વાકયમાંથી ગાંધીજીએ દેશ – સમાજ સમક્ષ ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત મૂકયો! અનેક દાતાઓ, શ્રેષ્ઠીઓએ સમાજના કલ્યાણ માટે પોતાની સંપત્તિનું દાન કર્યું, ટ્રસ્ટ બનાવ્યું. આ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલો, બાગ-બગીચા, શાળા, કોલેજોનું નિર્માણ થયું! આવાં જાહેર ટ્રસ્ટો દ્વારા જયારે શિક્ષણ, આરોગ્ય જેવી જાહેર સેવાઓ માટે સંસ્થાઓ સ્થપાઇ તો દાતાઓએ, સરકારોએ જમીન કે નાણાં ભેટમાં આપ્યા.

આ સંસ્થાના કર્મચારીઓને પગાર માટે ગ્રાન્ટ આપી. હવે આ જ ટ્રસ્ટોમાં નવી પેઢી આવી છે તેને ખાનગીકરણની હવા લાગી છે. આ જ ટ્રસ્ટોની અબજોની મિલકત હવે તેમને પોતાના માટે વાપરવી છે. આ મફતમાં મળેલી જમીન અને દાનમાં મળેલા નાણાંમાંથી જ ઘણાએ ‘સેલ્ફ ફાયનાન્સ કોલેજો, ખાનગી હોસ્પિટલોનો  ધંધો શરૂ કર્યો છે અને હવે તેમને આ ‘ગ્રાન્ટ ઇન એઇડ’ સંસ્થાઓ ગમતી નથી!

કારણ કે સરકાર ગ્રાન્ટ આપે તો હિસાબ માંગે, નિયમ બનાવે, કર્મચારીઓનું શોષણ ન કરવા દે! એટલે અમદાવાદનાં સંપન્ન ટ્રસ્ટો એ ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવાનું શરૂ કર્યું છે. ખરેખર તો સરકારે આવાં ટ્રસ્ટોને કહેવું જોઇએ કે તમે ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા બંધ કરવા મંજૂરી માંગો છો એના બદલે ટ્રસ્ટ જ રદ કરાવો! તમારી સંસ્થાઓ કંપની ધારા મુજબ નોંધાવી વેરા ભરો! અને આ ટ્રસ્ટની મિલકતો તમારી વ્યકિતગત નથી માટે સરકારમાં જમા કરાવો!

શિક્ષણ ક્ષેત્રે નાના ગામ તાલુકાનાં ટ્રસ્ટો કેટલી મથામણ કરીને સંસ્થાઓ ચલાવે છે. અનેક શાળા કોલેજ વગરનાં ગામો – નગરો સરકાર પાસે ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ માંગે છે ત્યારે શહેરનાં સમૃધ્ધ ટ્રસ્ટોનું આ વલણ દુ:ખદાયક છે. આ રોગ ઊગતો ડામવા જેવો છે. આ ટ્રસ્ટોના ‘ટ્રસ્ટીઓએ’ સમાજનો ‘ટ્રસ્ટ’ ગુમાવ્યો છે! આવા જ બીજા દુ:ખદ સમાચાર છે સાંપ્રદાયિક વિચારને શિક્ષણના અભ્યાસક્રમમાં યેનકેન પ્રકારે ઘુસાડવામાં!

ભારત પાંચ હજાર વર્ષથી વધુની સભ્યતા – સંસ્કૃતિ ધરાવતો દેશ છે. જેને આપણે હિન્દુ પરંપરા કહીએ છીએ તેમાં પણ અનેક મત – વિચારધારાઓ છે. વ્યકિતમાં નૈતિક મૂલ્યોનું ઘડતર થાય, તેના વ્યકિતત્વનો વિકાસ થાય તે માટે સમાજ કક્ષાએ અનેક લોકો કામ કરે જ છે. જેમ કે સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય વગેરે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ફાંટા છે. મૂળ જૂના કાલુપુર સંપ્રદાય, પછી પ્રમુખસ્વામીના બોચાસણવાળા. વગેરે. હવે આમાંથી બોચાસણવાળા સંપ્રદાય કે જે બાપ્સ (BAPS) ના નામે ઓળખાય છે.

તેમણે વ્યકિતત્વ ઘડતરનો એક કાર્યક્રમ ઘડી નાખ્યો છે. અંગ્રેજીમાં ‘પર્સનાલીટી ડેવલપમેન્ટ’. હવે આ કાર્યક્રમ ઘડાય, સમાજ કક્ષાએ સ્વૈચ્છિક રીતે લોકો ઉમટે, જાતિના બાધ વગર તેમાં જોડાય તેનો કોઇને વાંધો ન હોય. પણ આ સંપ્રદાયના અહોભાવથી પ્રેરાઇને કોઇ યુનિવર્સિટીના સત્તાવાળા તેને પોતાના ગ્રેજયુએટ કક્ષાના અભ્યાસક્રમમાં નિયમિત રીતે ભણાવવા માંડે તો વિચારવું પડે! અને અભ્યાસક્રમ, વૈકલ્પિક કે સ્વૈચ્છિક પેપર તરીકે હોય તો પણ વાંધો નથી. પણ, યુનિવર્સિટી સત્તાવાળા આ સંપ્રદાયના વડાઓ સાથે મળીને આ વિષય પોતપોતાની કોલેજોમાં બધા ભણાવે તે માટે સેમિનારો કરે, સેમિનારોમાં હાજર રહેવા માટે આચાર્યશ્રીઓ અધ્યાપકોને ફરજ પાડે અને વિદ્યાર્થીને પરાણે આ કોર્ષ ભણાવવામાં આવે તો તે ચિંતાજનક છે.

કાલે હિન્દુ વિચારધારાના જ અન્ય સંપ્રદાયો, મતો યુનિવર્સિટીને કહેશે કે અમારા વિચારો પણ ભણાવો? તો? દરેક યુનિવર્સિટીને પોતાને ત્યાં વિદ્યાર્થી માટે અભ્યાસક્રમ ઘડવાનો હકક છે. પણ આ મોટી જવાબદારી છે. જે યુનિ.ના સત્તાવાળાઓએ નિષ્ઠા અને નિસ્બતપૂર્વક બજાવવી જોઇએ. વિવેક જાળવવો જોઇએ. વિવેક એટલે સારાનરસાનો ભેદ! હવે સારાનરસાનો ભેદ એટલે એક રીતે ન્યાય! સમાન લોકો સાથે સમાન રીતે વર્તવું જોઇએ. સરકારે તો આ કરવું જ જોઇએ. આપણી આજની ત્રીજી ચિંતાનો વિષય છે ફિકસ પગારમાં જોડાયા હોય તેવા અધ્યાપકો!

અત્યારે શિક્ષણ ક્ષેત્રે પડતર પ્રશ્નોના ઉકેલની મોસમ ચાલે છે. અધ્યાપકોના ઘણા પ્રશ્નો ઉકેલાયા, ખંડ સમયના અધ્યાપકોને પૂર્ણ સમયમાં પણ મૂકયા. પણ ફિકસ પગારમાં (અધ્યાપક સહાયક તરીકે જોડાયા હોય તેવા અધ્યાપકોનાં નોકરીનાં પાંચ વર્ષ, નોકરીના વર્ષની ગણતરીમાં લેવા મતલબ કે નોકરી સળંગ ગણવી! તે બાબત હજુ ઊકલી નથી. શાળા કક્ષાએ શિક્ષકોમાં શિક્ષક સહાયક તરીકેના ફિકસ પગારનાં પાંચ વર્ષ સળંગ ગણવાના નિયમ થઇ ગયા છે. ઘણાં ક્ષેત્રોમાં ફિકસ પગારની નોકરીના વર્ષ ગણવાના પરિપત્ર થયા છે. બાકી છે તો માત્ર અધ્યાપક સહાયકના પાંચ વર્ષની નોકરી સળંગ ગણવાનું! સરકાર ન્યાયને અનુસરે અને અન્ય વિભાગની જેમ અહીં પણ સળંગ નોકરી ગણે તો આ પ્રશ્ન પણ ઉકલે અને ન્યાય થાય!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top