ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) કદાચ એવું માનતું થઇ ગયું છે કે ક્રિકેટ ટીમમાં ફેરફારો કરવાથી જ સફળતા મળે છે અથવા તો તેમણે કદાચ નક્કી કરી લીધું છે કે એક દિવસ ભારતની એવી ક્રિકેટ ટીમ બનાવવી કે જેમાં તમામ ખેલાડીઓ કેપ્ટન હોય. આવું એટલા માટે કહેવું પડે છે કે થોડા સમય પહેલાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવી ત્યારે રોહિત શર્માને આરામ આપીને કે. એલ રાહુલને કેપ્ટન બનાવાયો હતો. જો કે રાહુલ સીરિઝ શરૂ થવા પહેલાં ઘાયલ થતાં એ સીરિઝમાં ઋષભ પંતને કેપ્ટન બનાવાયો હતો. તે પછી ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટમાં રોહિત શર્માને કોરોના થયો અને ટીમનું સુકાન જસપ્રીત બુમરાહને સોંપવામાં આવ્યું. હવે વેસ્ટઇન્ડિઝ સામે રમાનારી વન ડે સીરિઝ માટે BCCIએ શિખર ધવનને કેપ્ટન બનાવ્યો છે.
હકીકતમાં તો BCCIએ શિખર ધવનને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વન ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે નિયુક્ત કરીને બધાને ચોંકાવી દીધા છે. ધવન અગાઉ ગયા વર્ષે શ્રીલંકા પ્રવાસમાં ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે. હવે ફરી એક વાર તે ટીમનું સુકાન સંભાળશે. નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ધવનને આ જવાબદારી મળી છે. રોહિતને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. રોહિત ઉપરાંત વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને પણ આરામ મળ્યો છે.
આવી સ્થિતિમાં હવે સવાલ એ થાય છે કે BCCIને એક કેપ્ટન તરીકે ધવન કેવી રીતે યાદ આવ્યો? ઓપનર તરીકે પોતાની આગવી ઓળખ બનાવનાર ધવનનું છેલ્લા કેટલાક સમયથી ટીમમાં નિયમિત સ્થાન રહ્યું નથી. એવું નથી કે તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. વનડેમાં છેલ્લા એક વર્ષમાં ધવનના પ્રદર્શન પર નજર કરીએ તો તે માત્ર 7 મેચમાં ટીમ માટે મેદાનમાં આવ્યો હતો. આ દરમિયાન તેણે 51.16ની એવરેજથી 307 રન બનાવ્યા, જેમાં ત્રણ અડધી સદી સામેલ છે.
ભારતીય ટીમે છેલ્લા કેટલાક સમયથી ટીમના સુકાનીપદ માટે ઘણા પ્રયોગ કર્યા છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન જ્યારે ધવનને ટીમનું સુકાન મળ્યું ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ધવન પણ ટીમની સાથે ગયો છે. તે ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં રમશે પરંતુ સવાલ એ છે કે BCCIએ એક કેપ્ટન તરીકે ધવનને કેવી રીતે યાદ રાખ્યો જ્યારે થોડા મહિના પહેલાં સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેની કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે કારણ કે રોહિત અને કે.એલ રાહુલ ફિટ હોય ત્યારે ટીમમાં તેના માટે સ્થાન રહેતું નથી.
ખરેખર, ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં ટીમનો નિયમિત ઓપનર બેટ્સમેન અને વાઇસ કેપ્ટન કે.એલ રાહુલ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો અને હવે તેણે સર્જરી કરાવ્યા પછી તેને સાજા થવામાં બે મહિનાનો સમય લાગી શકે છે. જેના કારણે ધવનની વન ડે ટીમમાં ઓપનર તરીકે એન્ટ્રી થઈ હતી. તે પછી વેસ્ટઇન્ડિઝ પ્રવાસની વાત આવી ત્યારે રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો અને ધવનને સુકાનીપદના વિકલ્પ તરીકે જોવામાં આવ્યો હતો, તેને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. આ વર્ષની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયામાં સતત આ જ બદલાવ જોવા મળી રહ્યા છે. આ નવા કેપ્ટનનો બદલાવ છે. વિરાટ કોહલીએ આ વર્ષની શરૂઆતમાં સુકાનીપદ છોડવાનો નિર્ણય લીધો હતો. આ પછી રોહિત શર્માને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ તે ઈજાના કારણે સતત બહાર છે.
આ સાથે જ ભારતે આવતા વર્ષે વન ડે વર્લ્ડકપની યજમાની કરવાની છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેપ્ટનશિપનો સતત પ્રયોગ કરી રહી છે. જો કે ભારતીય ટીમનો આ પ્રયોગ તેના ગળાનો ફાંસો પણ બની શકે છે. આ ઉપરાંત આની બીજી બાજુ એ છે કે ભારત ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T 20 વર્લ્ડ કપ માટે એક સંયોજન શોધી રહ્યું છે, જેના કારણે યુવા ખેલાડીઓને તક આપીને સીનિયર ખેલાડીને આરામ આપવામાં આવી રહ્યો છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટ પણ ઘણા ફેરફારો કરી રહ્યું છે.