ભારતીય સિનેમામાં (Indian Cinema) ઘણા એવા કલાકારો છે, જેમણે પોતાની આવડતથી ફિલ્મી (Film) દુનિયામાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. ફેમસ એક્ટ્રેસ (Actress) ઝોહરા સેહગલ ફિલ્મ જગતના આવા જ રત્નોમાંથી એક છે. ભારતની પ્રથમ મહિલા અભિનેત્રી અને નૃત્યાંગના (Dancer) ઝોહરા સહગલે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની ઓળખ બનાવી હતી. ઝોહરા સહગલ સાથે જોડાયેલી ઘણી પ્રસિદ્ધ વાતો છે, જેમણે જીવનભર જીવંતતાનો દાખલો બેસાડ્યો.
જોહરા સહગલનો જન્મ 27 એપ્રિલ 1912ના રોજ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં પરંપરાગત મુસ્લિમ પરિવારમાં થયો હતો. જોહર સહગલની માતાનું મૃત્યુ જયારે તેઓ નાના હતા ત્યારે જ થયું હતું. તેણીએ ક્વીન મેરી કોલેજ લાહોરમાંથી તેઓનો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારબાદ તે 1930 માં યુરોપમાં રહેવા ગયા હતા. અહીં તેમણે જર્મનીના ડ્રેસ્ડનમાં મેરી વિગમેનની બેલે સ્કૂલમાં અભ્યાસ કર્યો. તે યુગમાં, ઝોહરા સહગલ આવું કરનાર પ્રથમ ભારતીય બન્યા હતા. તેઓએ બેલે સ્કૂલમાં ત્રણ વર્ષ સુધી મોડર્ન ડાન્સનો અભ્યાસ કર્યો હતો.
નૃત્યનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, ઝોહરાએ 1935માં ઉદય શંકર સાથે નૃત્યાંગના તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 1935 અને 1940 ની વચ્ચે, તેમણે જાપાન, ઇજિપ્ત, યુરોપ અને અમેરિકામાં તેમની કુશળતા દર્શાવી. આ સમય દરમિયાન તેમણે ઉદય શંકર સાથે ભારતની એક એકેડમીમાં ડાન્સ શીખવવાનું શરૂ કર્યું. અહીં તેઓ કામેશ્વર સહગલને મળ્યા, જેમની સાથે ઝોહરાએ થોડા વર્ષો પછી લગ્ન કર્યા અને લાહોર શિફ્ટ થઈ ગયા. લગ્ન બાદ અભિનેત્રીએ તેના પતિ સાથે મળીને લાહોરમાં એક ડાન્સ ઈન્સ્ટિટ્યૂટ ખોલી હતી.
દેશના વિભાજન પછી, ઝોહરા બોમ્બે શિફ્ટ થઈ ગઈ, જ્યાં તેની બહેન ઉજરા બટ્ટ પૃથ્વી થિયેટરમાં કામ કરતી હતી. બાદમાં જોહરા પણ 1945માં એક અભિનેત્રી તરીકે થિયેટર સાથે જોડાઈ, ત્યારબાદ તેણે 1945 થી 1959 સુધી દેશના તમામ મોટા શહેરોમાં પ્રવાસ કર્યો. આ દરમિયાન તેમણે 1986માં ધરતી કે લાલથી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તેઓએ ચેતન આનંદની ફિલ્મ નીચા નગરમાં અભિનય કર્યો હતો. આ ઉપરાંત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ પણ જીત્યો હતો.
અભિનય અને નૃત્ય ઉપરાંત ઝોહરા સહગલે કોરિયોગ્રાફી પણ કરી હતી. અભિનેત્રીએ ગુરુ દત્તની બાઝી અને રાજ કપૂરની આવારામાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત, તેઓ બ્રિટિશ ટેલિવિઝન શો જેમ કે લંડનમાં ડોક્ટર હૂન અને 1984ની મીની-સિરીઝ ધ જ્વેલ ઇન ધ ક્રાઉનમાં પણ જોવા મળ્યા હતા. બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ, ઝોહરા સહગલે લગભગ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવી હતી. તેમણે દિલ સે, હમ દિલ દે ચૂકે સનમ, વીર ઝરા, સાંવરિયા, ચીની કમ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને કાલિદાસ સન્માનથી સમ્માનિત ઝોહરા સહગલે વર્ષ 2014માં આ દિવસે દુનિયામાંથી વિદાય લીધી હતી. પરંતુ તેઓની જીવંતતા અને શાનદાર રીતે જીવન જીવવાના કારણે તે આજે પણ લોકોની વચ્ચે હાજર છે.