સુરત: (Surat) અમરનાથ યાત્રામાં (Amarnath) વાદળો ફાટતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે અમરનાથની યાત્રાએ ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ ગયા છે, જેમાં સુરતમાંથી ગયેલા લોકો અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. સુરત જિલ્લામાંથી યાત્રાએ ગયેલા તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. સુરતના કાંઠા વિસ્તારનાં ગામો જેવાં કે ભીમપોર, ડુમસ, મગદલ્લા, આભવા, વેસુ અને દરિયા ગણેશ ફિટનેસ ગ્રુપના પણ 47 યાત્રાળુ અમરનાથ ગયા હતા. જે પૈકી આ ગ્રુપના તમામ યુવાનો સુરત નીકળી આવ્યા છે. વેસુના કિશન પટેલે કહ્યું હતું કે, તેમના જૂથે ગયા સપ્તાહમાં યાત્રા પતાવી શ્રીનગરની મજા લીધી હતી. અને બે દિવસ પહેલાં તેઓ સુરત આવી ગયા છે. આ ઉપરાંત અડાજણ વિસ્તારમાંથી એક ગ્રુપ પણ યાત્રાએ ગયું હતું. જો કે, આ તમામ 15થી 18 લોકો સહી સલામત સુરત આવી પહોંચ્યા છે. જેના પગલે પરિવારજનોએ રાહત અનુભવી હતી. સુરત કલેક્ટર (Surat Collector) આયુષ ઓકે ગઇકાલ રાતથી આ માટે ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ધમધમતો કરી દીધો હતો.
- સુરત કાંઠાના દરિયા ગણેશ ફાઇટર ગ્રુપના 47 યુવાન અમરનાથ યાત્રાએથી સહીસલામત પરત ફર્યા
- સુરત જિલ્લામાંથી 85 લોકો યાત્રાએ ગયા હતા
- ભીમપોર, ડુમસ, મગદલ્લા, આભવા, વેસુ અને દરિયા ગણેશ ફિટનેસ ગ્રુપના પણ 47 યાત્રાળુ અમરનાથ ગયા હતા
સુરત જિલ્લામાંથી અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓના પરિવારજનોને તબાહીના સમાચાર મળતાં ચિંતિત થઇ ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 9 જિલ્લામાંથી 85 જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાંથી યાત્રાએ ગયા હતા, જેમાં કુલ 4 જેટલી બસ શ્રીનગર પહોંચી હતી. જો કે, વાદળ ફાટવાની ઘટનાના સમાચાર મળતાં આ તમામ લોકોને શ્રીનગર પાસે જ અટકાવી દેવામાં આવ્યા છે. ત્યાંથી આગળ કોઈને જવા દેવામાં આવ્યા નથી. આ તમામ લોકો હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત સરકાર સતત કેન્દ્રના સંપર્કમાં
અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટવાની ઘટનામાં ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ ફસાયા હોવાનું સામે આવતાં રાજ્ય સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર હાલમાં કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે. આ સાથે જમ્મુ-કાશ્મીરના સ્થાનિક તંત્ર સાથે પણ અધિકારીઓ સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
સુરત કલેક્ટર આયુષ ઓકે કન્ટ્રોલ રૂમ ચાલુ કરાવ્યો
અમરનાથ યાત્રા દરમિયાન ભારે વરસાદના કારણે અમરનાથ બેઝ કેમ્પ તેમજ અન્ય ઘાટીમાં સુરત જિલ્લાના કોઈપણ વ્યકિત ત્યાં ફસાયેલા હોય તો નીચેના નંબર ઉપર માહિતી આપવા અને સંપર્ક કરવા વિનંતી છે. સુરત કલેક્ટર આયુષ ઓકે કહ્યું હતું કે, અમરનાથ યાત્રાની હોનારતમાં સુરતમાં કોઇ યાત્રાળુ ફસાયા નથી. હજી સુધી એ અંગે કોઇ વાવડ મળ્યા નથી. તેમણે કહ્યું હતું કે, તેઓ સતત જમ્મુ સરકાર સાથે સંપર્કમાં જ છે. સુરતમાંથી બાયરોડ ગયા હોય તેવા યાત્રીઓના પણ ડેટા ટ્રાવેલ એજન્ટ પાસે મંગાવવામાં આવી રહ્યા છે. મોટા ભાગે સુરતથી સ્વતંત્ર રીતે લોકો પોતાના ગ્રુપ બનાવી અમરનાથ જાય છે. ટ્રેન મારફત મોટી સંખ્યામાં મુસાફરી ખેડી યાત્રાળુઓ અમરનાથ પહોંચે છે.
- જિલ્લા કંટ્રોલ રૂમ
- નં: 0261 1077
- નં: 0261 2663200
- મામલતદાર ડિઝાસ્ટર: પી.આર.દેસાઇ 9825178951
- નાયબ મામલતદાર: એચ.એચ.કાકલોતર9537235978
- નાયબ મામલતદાર:એમ.એ.જાદવ 9979965152
- નાયબ મામલતદાર: એસ.વી.ગોલ 9537796935