Columns

નિષ્ફળતાનો ડર સૌથી ભયાનક

મિત્રો, હજુ તો નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું, ત્યાં જ ગયા અઠવાડિયે સમાચાર વાંચ્યા કે B.B.A.માં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો. નિષ્ફળતા અને નિષ્ફળતાના ડર વચ્ચે ખાસ્સું અંતર છે. હજુ તો પરિણામ વાસ્તવમાં આવ્યું નથી પણ મનમાં એક ડર છે, ભય છે કે નાપાસ થઇશ તો શું થશે? આ જે ‘શું થશે?’ નો વિચાર છે જેનું ઘડતર અથવા તો માનસિક વિચારોમાં સંઘર્ષ ઉત્પન્ન થાય, જેમાં ભૂતકાળની કે જીવનમાં બનેલી નાની – મોટી નિષ્ફળતાની ઘટનાને લીધે જે અનુભવો થયા હોય, કુટુંબીજનોની દૃષ્ટિ, વલણ, સમાજની દૃષ્ટિ, વલણના આધારિત વર્તનને લીધે ધીરે – ધીરે વ્યકિત નિષ્ફળતાથી ડરતું થાય છે અને પછી તો કાર્ય કરવાથી પણ ડરે અને કદાચ કાર્ય કરી પણ લે પરંતુ સતત એક માનસિક સંઘર્ષમાંથી પસાર થતો હોય.

એ ડરની ભયાનકતા એને જિંદગીનો અંત લાવવા સુધી મજબૂર કરી દે. કદાચ વાસ્તવમાં નિષ્ફળતાના પરિણામ એ વિચારે એટલા ભયાનક ન પણ હોય શકે પણ કાલ્પનિક માનસિક સંઘર્ષ એના મનો – સામાજિક બળને તોડી નાંખે. પર્સનાલિટીને નકારાત્મક બાજુ લઇ જાય. આવા ડરને મનોવૈજ્ઞાનિક ભાષામાં એટીચી ફોબિયા (Atychi Phobia) એટલે કે નિષ્ફળતાનો તીવ્ર ભય, જે તમને અસફળ પરિણામની સંભાવના પછીની કોઇ પણ પ્રવૃત્તિ કે દૃશ્યને ટાળવા માટેનું કારણ બની શકે. આવી વ્યકિત નવી વસ્તુઓ અજમાવવા, જોખમ લેવા અથવા વૃધ્ધિ સ્વીકારવામાં ડરતી હોય છે.

એરિકશને જણાવ્યું છે કે  બાળપણથી પુખ્તાવસ્થા સુધી મનો – સામાજિક વિકાસના 8 તબકકામાં દરેક વ્યકિતનું વ્યકિતત્વ પૂર્વ નિર્ધારિત ક્રમમાં વિકાસ પામે છે. દરેક તબકકા દરમ્યાન વ્યકિત મનો – સામાજિક કટોકટીનો અનુભવ કરે છે, જે વ્યકિતત્વ વિકાસ માટે સકારાત્મક અથવા નકારાત્મક પરિણામ લાવી શકે છે. મનો – સામાજિક વિકાસના તબકકા દરમ્યાન કટોકટી મનો – સામાજિક પ્રકૃતિની છે કેમ કે તેમાં વ્યકિતની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો તેમ જ મનો – સામાજિક જરૂરિયાતો સામેલ છે, જે એકબીજાથી વિરોધાભાસી છે.

નિષ્ફળતાનો ડર કે સફળતાના વિશ્વાસનો પાયો જિંદગીના પ્રથમ 3 વર્ષમાં નંખાય છે. આ ગાળા દરમ્યાન વાલીઓ – કુટુંબીજનોને બહુ જ સાહજીકતાથી મોટે ભાગે એવી કોઇ જાણકારી નથી હોતી કે આપણા શબ્દો – વર્તનનું આગળ જતાં શું પરિણામ આવશે કેમ કે પર્સનાલીટી ઓવરનાઇટ ઘડી નથી શકાતી. એ તો બીજમાંથી અંકુર, છોડ અને વટવૃક્ષ થઇને પાંગરે છે માટે પર્સનાલીટીના 8 તબકકા બધા જ મહત્ત્વના છે પણ મૂળ પાયાનો પ્રથમ તબકકો – જે જન્મથી શરૂ થાય છે અને લગભગ 18 મહિના સુધી ચાલતો હોય છે.

તમે કહેશો કે આમાં શું ટ્રેઇનીંગ કરવાની? નવજાત શિશુ માટે વિશ્વ એની માતા અથવા સારસંભાળ રાખવાવાળી વ્યકિત છે. એની માટે આખું વિશ્વ અનિશ્ચિત છે. માત્ર ને માત્ર શિશુને મળતી સાર – સંભાળ જે સુસંગત, અનુમાનિત તેમ જ ભરોસાપાત્ર હોય તો તેઓ વિશ્વાસની ભાવના કેળવશે. જે તેમની સાથે અન્ય સંબંધોમાં લઇ જશે અને જ્યારે તે અસુરક્ષિતતા જોશે ત્યારે પણ સુરક્ષિતતાનો અનુભવ કરશે. આપણે સૌએ અનુભવ્યું જ છે કે બાળક રડે ત્યારે જો થોડી વારમાં એની માતા કે કેરટેકર એને નજીક લેશે તો એના સ્પર્શથી હૂંફ મળે છે અને છાનું રહે છે. ધીરે ધીરે ચાલતું થાય, પડે ત્યારે આપણા હાવભાવ, શબ્દો, બધુ જ બાળકના માનસપટ પર અંકાઇ જાય છે.

ખાસ કરીને માતાનું ધાવણ છોડાવવાની પ્રક્રિયા જો સહજ ન બને, ત્યારે કરાયેલા ધમકીના પ્રયત્નો પણ બાળમાનસને અવિશ્વાસ તરફ લઇ જાય છે. આવા નાજુક તબકકે જો શારીરિક જરૂરિયાતો, સાર – સંભાળ સંતોષવામાં અંગતતા ન અનુભવાય ત્યારે અવિશ્વાસ, શંકા અને ચિંતા વિકસી શકે છે. આ પરિસ્થિતિમાં શિશુને તેની આસપાસની દુનિયામાં અથવા ઘટનાઓને પ્રભાવિત કરવાની તેમની ક્ષમતામાં વિશ્વાસ રહેશે નહીં. જ્યારે વિશ્વાસની ભાવના વિકસાવવાથી, શિશુ એવી આશા (Hope) વિકસાવે છે કે જેમ જેમ નવી કટોકટી ઊભી થાય છે, ત્યાં મને વાતાવરણમાંથી સમર્થનના નવા સ્ત્રોત્ર મળી રહેશે. બાળક ચાલતું, દોડતું, બોલતું થતાં બીજા જોડે પોતે પણ સંવાદ રચતું થાય છે. 

દોઢ વર્ષની આજુબાજુ જિંદગીનો બીજો અતિ મહત્ત્વનો તબકકો શરૂ થાય છે, જેમાં સ્વાયત્તતા વિ. શંકા / શરમ જે 3 વર્ષની વય સુધી વિકસિત થતો હોય છે. આ સમયગાળા દરમ્યાન બાળકોનું શારીરિક કૌશલ્યો પર વ્યકિતગત નિયંત્રણ અને સ્વતંત્રતાની ભાવના વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત થાય છે. બાળક શારીરિક રીતે વિકાસ કરી રહ્યું છે. એને બધું જાતે કરવું છે. બોલવું છે, ખાવું છે, રમકડાં સાથેની દુનિયા અનોખી છે. એને પોતાની આજુબાજુના પુખ્ત લોકોની જેમ બધી જ ક્ષમતાઓ અને કુશળતા વિકસાવવી છે.

કોઇ બિલ્ડીંગ બાંધકામની સાઇટ હોય ત્યાં થોડી વાર નજર કરજો. મજૂરનું બાળક નાના તગારામાં રેતી ભરીને ઊંચકવાની કોશિશ કરે એ દ્રશ્ય જ પૂરતું છે કે ભગવાને દરેકમાં ક્ષમતાઓ ભરીને આપેલી છે. આ ઉદાહરણ એટલા માટે કે આજના મોટાભાગના કામો ઓટોમેટેડ થઇ ગયા. બાળક મમ્મી – પપ્પા કે ભાઇ – બહેનો  કરતાં TV, મોબાઇલ વધુ જુએ છે કેમ કે એને પણ જમવાની થાળી સાથે કાર્ટૂન સીરિયલ કે મોબાઇલ YouTube આપી દેવાથી શું ખાય? કેટલું ખાય? શા માટે? વગેરે માથાકૂટમાંથી મમ્મીઓને છૂટકારો મળી જાય. હજી ઘણાં ઘરોમાં TV વગર જમવાનું જોવા મળે એ દુર્લભ સીન છે. હવે જો આ સમય દરમ્યાન બાળકની વધુ પડતી ટીકા કરવામાં આવે કે વધુ પડતું નિયંત્રણ મૂકવામાં આવે તો જીવનમાં ટકી રહેવાની તેમની ક્ષમતામાં અપૂરતું અનુભવવા લાગે છે. ધીરે ધીરે બીજાઓ પર આધારિત થતાં જાય છે. પોતાનામાં આત્મસન્માનનો અભાવ શરમ / શંકાની લાગણી અનુભવે છે.
મિત્રો, તો શું કરવાથી નિષ્ફળતાનાં બીજ અંકુરિત ન થાય? આવતા અંકે ચર્ચા…..
(ક્રમશ:)

Most Popular

To Top