‘વળગ્યું વ્યસન, સળગ્યું જીવન, છોડો વ્યસન, બચાવો જીવન.’ વ્યસન એટલે કેફ – નશો. નશા અંગે યુવાનોને કહે, ‘ચિંતામાંથી છુટકારો મળે છે.’ આ નશો જોખમરૂપ બને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. કેફી દ્રવ્યોનું સેવન એ યુવાનોનો શોખ બન્યો છે, જે ચિંતાનો વિષય છે. હવે ધુમ્રપાન, મદ્યપાન સામાન્ય કહેવાય. આજે ડ્રગ- ગાંજો, ચરસ, બ્રાઉન સુગર જેવા ઉગ્ર નશીલા પદાર્થોનું સામ્રાજ્ય છે. ડ્રગ્સથી માનસિક નબળાઈઓ આવતા વિવિધ બીમારીઓ વધે છે. ગુજરાત ડ્રગ માટેનું હબ બની ગયું છે. દેશમાં ડ્રગ્સનું નેટવર્ક પ્રસરી રહ્યું છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને એન્ટી ટેરરિસ્ટ સ્કોવોડ દ્વારા થતાં ઓપરેશનમાં ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડવામાં આવે છે.
ગુજરાતનો દરિયો પાકિસ્તાન અને અન્ય અરબ દેશોથી નજીક હોવાને કારણે ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક માટે કડક કાર્યવાહી થવી જોઈએ. દેશમાં NDPS એક્ટ હેઠળ ડ્રગ્સની કાર્યવાહી પોલીસ કરે છે. એક બાબત ધ્યાનમાં લેવી રહી કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જ્યાં ડ્રગની માહિતી આપનારને ઈનામ આપી ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. અહેવાલ મુજબ 2015 થી 2021 સુધી ATS દ્વારા 1,323 કરોડનું ડ્રગ્સ જપ્ત થયું છે, જેમાં MD ડ્રગ્સ, મેન્ડેક્સ ડ્રગ્સ, હેરોઈન અને બ્રાઉન સુગરનો જથ્થો હતો. ડ્રગ માફિયાઓ પોતાની માયાજાળ ફેલાવી યુવાપેઢીને શિકાર બનાવે તે પહેલાં જાગૃતિ રાખીએ તે અત્યંત જરૂરી છે. સૌ પોતપોતાની જવાબદારી નિભાવે તે ઈચ્છનીય છે. કહેવાતા યુવાનો ડ્રગ્સના બંધાણી ન બને તે જોવું રહ્યું.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.